Get The App

સોશ્યલ મીડિયાના પ્રતિબંધો

Updated: Apr 11th, 2019

GS TEAM

Google News
Google News
સોશ્યલ મીડિયાના પ્રતિબંધો 1 - image



આ વખતની લોકસભાની ચૂંટણીમાં સોશિયલ મીડિયાએ નવા વોચ ટાવર ઊભા કર્યા છે એને કારણે રાજકીય પક્ષો દ્વારા આ મીડિયામાં લાભ લઇને પ્રસારિત કરાતા અપપ્રચાર પર કંઈક અંશે અંકુશ આવ્યો છે. ભાજપ અને કોંગ્રેસ બંને રાજકીય પક્ષો ભારતીય સોશિયલ મીડિયાના ક્ષેત્રમાં મુખ્ય અપરાધી તરીકે દેખાઈ રહ્યા છે. ભાજપના મીડિયા સેલ અને કોંગ્રેસના આઈટી સેલ દ્વારા સતત પ્રસારિત થતાં, જનમાનસને ગેરમાર્ગે દોરનારા કપોળ કલ્પિત સમાચારો અને પ્રતિપક્ષ પરના બેબુનિયાદ આક્ષેપોને દૂર કરવા માટે સોશિયલ મીડિયા કંપનીઓએ અભૂતપૂર્વ કસરત હાથ ધરી છે. 

આને કારણે જેના સૌથી વધુ ફોલોઅર્સ છે તેવા ભાજપને ખરે સમયે જ ગંભીર નુકસાન થયું છે. એ વાત જુદી છે કે ઈ. સ. ૨૦૧૪માં ભાજપ સાથે જોડાયેલા ફોલોઅર્સ હવે નિષ્ક્રિય થઈ ગયા છે, તો પણ પ્રસારિત થતી પોસ્ટમાં રહેલા દૂષણોને દૂર કરવા માટે સોશિયલ મીડિયા કંપનીઓએ આકરા પગલા લીધા છે. દેશના તમામ રાજકીય પક્ષોનો મત પડાવી લેવાનો મોહ અને એ માટે નિયમો તોડવાની તેઓની તૈયારી એક સરખી દેખાય છે. કાગડા સોશ્યલ મીડિયામાં તો વધુ કાળા હોય એમ લાગે છે. 

ભાજપ અને કોંગ્રેસની મોડેસ ઓપરેન્ડી સાવ જુદા જ પ્રકારની છે. કોંગ્રેસ દેશમાં તબક્કાવાર બેઠો થતો જતો પક્ષ છે. પાંચ રાજ્યોની ગત વિધાનસભા ચૂંટણીઓમાં તેણે કરેલા સારા દેખાવ પછી સોશિયલ મીડિયામાં કોંગ્રેસે મોટી ફોજ ઉતારી હોવાનું દેખાય છે. ફેસબુકે આપેલી સત્તાવાર માહિતી પ્રમાણે કોંગ્રેસના ૬૮૭ પેજ હતા જેના પર અપ્રમાણિક માહિતીઓના પુરપાટ પ્રવાહો વહેતા કરવામાં આવ્યા હતા. ફેસબુકે રાતોરાત આ તમામ પેજને રદ કરી દીધા છે.

ઉપરાંત કોંગ્રેસને આ પ્રકારની પ્રવૃત્તિ કરવા બદલ નોટિસ પણ આપી છે. જો કે કોંગ્રેસના ફોલોઅર્સની સંખ્યા બે લાખથી વધારે ન હતી. ફેસબુકના કહેવા પ્રમાણે આ ૬૮૭ પાના ઉપર અપ્રમાણિક માહિતીના ઢગલા કરવામાં આવ્યા હતા. ફેસબુકની ટીમ કે જેને તેઓ વોચ ટાવર કહે છે એણે ભારતના તમામ રાજકીય પક્ષો અને નેતાઓની તમામ સોશ્યલ મીડિયા પ્રવૃત્તિ પર બાજ નજરે નિરીક્ષણ અને ખરાઈ કરતા રહેવાની પ્રણાલિકા દાખલ કરી છે. આ કંપનીઓ માને છે કે રાજકીય ક્ષેત્ર સંબંધિત લોકોની ફેઈક પોસ્ટસ્ ને કારણે આ નવોદિત મીડિયાની વિશ્વસનીયતાને ગંભીર નુકસાન પહોંચવા લાગ્યું છે. 

ભાજપ તો કોંગ્રેસથીય એડવાન્સ છે. સોશિયલ મીડિયામાં ભાજપના મહત્ત્વના કહી શકાય એવા આમ તો માત્ર ૧૫ પેજ છે, આ તમામ પેજ પર ભાજપે અનેક પ્રકારની કાલ્પનિક અને યૂઝર્સને સાચી લાગે તેવા સ્વરૂપમાં રજૂ કરાયેલી સંપૂર્ણ ખોટી માહિતી પ્રસારિત કરી હતી. પરંતુ આ પંદર પેજના ફોલોઅર્સની સંખ્યા અંદાજે ૨૬ લાખથીવધારે છે એમ ફેસબુક કહે છે.

ભાજપે પણ પ્રચાર માટે આ તમામ ૧૫ પેજ પર કાનૂની રીતે જેને સત્ય સાબિત કરવાનું અસંભવ છે એવી તરંગી અને લોકોને ગેરમાર્ગે દોરતી માહિતી પ્રસારિત કરી હતી. એ તમામ પેજ અને અન્ય કેટલાક ભાજપના મીડિયા સેલના એકાઉન્ટ ફેસબુકે રાતોરાત ડિલિટ કરી દીધા છે. પેજ રદ કરતા પહેલા ફેસબુકે એનું દસ્તાવેજીકરણ કરી લીધું જે ગમે ત્યારે એ પ્રગટ કરીને આ રાજકીય પક્ષોનો અસલી ચહેરો પ્રજાને બતાવશે. 

દક્ષિણ ભારતના અન્ય કેટલાક પ્રાદેશિક પક્ષ ઉપર પણ ટ્વીટર ઈન્સ્ટાગ્રામ અને વ્હોટસ એપની કંપનીઓની તવાઇ આવેલી છે. ધર્મ અને જાતિગત ઉશ્કેરણી પર પણ સોશિયલ મીડિયા કંપનીઓ હવે પ્રતિબંધ લગાવતી રહે છે. દેશમાં ઇન્ફર્મેશન ટેકનોલોજીના નિષ્ણાતોનો એક મોટો નવશિક્ષિત વર્ગ એવો છે જે પોતાની રોજગારી માટે દેશના પ્રાણતત્વ એવા એકતા અને અખંડિતતાના સિદ્ધાંતો સાથે છેડછાડ કરતી પોસ્ટ તૈયાર કરી આપે છે અને રાજકીય પક્ષો એને ભારે ઉત્સાહપૂર્વક પ્રસારિત કરે છે.

ઈ. સ. ૨૦૧૪માં સોશિયલ મીડિયા કંપનીઓનો વ્યાપ આજના જેટલો ન હતો તો પણ ત્યારે ભાજપે એનો પૂરેપૂરો દુરુપયોગ કર્યો હતો. પરંતુ આ વખતે ભાજપના પ્રયત્નો બૂમરેંગ થયા છે અને એને પણ વિવિધ સોશિયલ મીડિયા કંપનીઓએ આખરી નોટિસ આપી છે. હવે પછી કોઈ પણ રાજકીય પક્ષ ફરીવાર ગેરમાર્ગે દોરતી પોસ્ટ મૂકે તો તો એને માટે આ કંપનીઓએ લાખો ડોલરના દંડની જોગવાઈ રાખી છે. ઉપરાંત તેવા રાજકીય પક્ષોને આંતરરાષ્ટ્રીય અદાલતો સુધી પણ લઈ જવાની કંપનીઓની તૈયારી છે. 

આજકાલ સોશિયલ મીડિયામાં પાકિસ્તાનની અનેક સરકારી અને બિનસરકારી સંસ્થાઓ ભારત વિરુદ્ધ બેફામ બક્વાસ કરી રહી છે. પાકિસ્તાનના એકસાથે સંખ્યાબંધ પેજ ફેસબુકે રદ કરીને એ સંસ્થાઓને પણ નોટિસ પાઠવી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના હાલના સંઘર્ષ તથા તંગદિલીને કારણે પાકિસ્તાને સોશિયલ મીડિયામાં કરેલા ઉપદ્રવને સંપૂર્ણ અંકુશમાં લેવા માટે સોશિયલ મીડિયા કંપનીઓએ એક અલગ જ સેલની રચના કરેલી છે. ગયા સપ્તાહે ઈન્સ્ટાગ્રામે પણ પાકિસ્તાનના એકસાથે હજારોની સંખ્યામાં એકાઉન્ટ રદ કર્યા હતા. વ્હોટસએપે તો પાકિસ્તાન સરકારને ચેતવણી આપીને તેની એપ્લિકેશનના ઉપયોગ પર પ્રતિબંધ મુકવાની વાત પણ ઉચ્ચારી છે. 

Tags :