કાનૂની વનવાસની પૂર્ણાહુતિ
દેશની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિના વડપણ હેઠળની પાંચ ન્યાયાધીશોની બનેલી બંધારણીય પીઠે રામ જન્મભૂમિ સંબંધિત એક સદીથી ચાલતા વિવાદનો અંત લાવવા ચૂકાદો આપીને ભારતમાં વસતા મુસ્લિમોના હૃદયની ઉદારતાની આકરી કસોટી કરી છે અને દેશનો મુસ્લિમ સમુદાય એ કસોટીમાંથી પાર ઉતરતો દેખાય છે જે આપણા દેશની એકતા અને અખંડિતતા માટેનું એક નવું સોપાન છે.
આ વાત વડાપ્રધાને પણ પોતાની આગવી રીતે કહી જ છે. સર્વોચ્ચ અદાલતે રામલલ્લા વિરાજમાનને અગાઉની એક અદાલતી અરજીને આધારે દેવતા પક્ષકાર તરીકે સ્વીકારી જમીનનો માલિકી હક્ક સોંપી દીધો છે. અહીંથી ઈતિહાસ પડખું ફરી રહ્યો છે. મોટાભાગની મુસ્લિમ સંસ્થાઓ અને આગેવાનોએ આ ચૂકાદાને વધાવી લીધો છે અને કોઈ રિવ્યૂ પિટિશન ન કરવાનો નિર્ણય લીધો છે.
અસદુદ્દીન ઔવેસી જેવા વાચાળ મુસ્લિમ નેતાએ પણ સ્વસ્થતા અને ઠંડકથી એટલું જ કહ્યું કે સર્વોચ્ચ અદાલતને અમે બહુ સન્માન આપીએ છીએ અને ભારતીય બંધારણમાં અમને અપાર શ્રધ્ધા છે. અમારી લડત માત્ર અધિકાર માટેની લડત હતી. જે રીતે કોઈ પણ ઈતિહાસ સંબંધિત કાનૂની વિવાદમાં પુરાતત્ત્વીય અવશેષો પ્રમુખ ભૂમિકા અદા કરે છે તેવું જ રામ મંદિર - બાબરી મસ્જિદ કેસમાં થયું છે. પુરાતત્ત્વ ખાતાએ રજૂ કરેલી પ્રાચીન અને આધારભૂત હકીકતોએ રામલલ્લાને ન્યાય અપાવવામાં મદદ કરી છે.
જોકે એ અવશેષો હિન્દુ ધર્મ કે સંસ્કૃતિના છે એવી રજૂઆતથઈ નથી પરંતુ એ નિશ્ચિત રીતે બિન ઈસ્લામિક છે એ પુરવાર થયું છે અને અદાલતે એ વાત પણ સ્વીકારી છે. પુરાતત્ત્વ ખાતાએ આપેલા અવશેષોના અહેવાલ પરથી અદાલતે એ વાત સ્વીકારી કે જ્યારે સોળમી સદીમાં બાબરી મસ્જિદ બની ત્યારે એ કોઈ મેદાનમાં બની ન હતી પરંતુ જુના કોઈ માળખાને આધારે બનાવવામાં આવી હતી.
બાબરનું મૂળ નામ ઝહુરીદિન મોહમ્મદ હતું અને બાબર તો એને લાડમાં બોલાવવા માટેનું નામ હતું. ઈરાની ભાષાના કેટલાક સિદ્ધહસ્ત કવિઓમાં અને ઈરાની સાહિત્યના ઈતિહાસમાં બાબરનું નામ યાદગાર છે. પરંતુ તેની રાજકીય મહત્ત્વાકાંક્ષાઓને કારણે તે એક શાસક તરીકે જ ઓળખાય છે.
બાબરે જ્યારે ભારતમાં મોગલ સલ્તનતનો પાયો નાંખ્યો ત્યારે દુનિયામાં નિકોલસ કોપરનિક્સની નવી થિયરી ધૂમ મચાવતી હતી જેમાં તેણે એવું સંશોધન જાહેર કર્યું હતું કે પૃથ્વી સ્થિર છે અને સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરે છે. જગત મધ્યકાળના અંધકારયુગમાંથી બહાર નીકળવાની મથામણ કરતું હતું ત્યારે ભારત વધુને વધુ અંધકાર તરફ સરકતું જતું હતું. જોકે એ સમયગાળો લિયોનાર્ડો દ વિન્યીનો પણ હતો.
બાબર મૃત્યુ પામ્યો ત્યારે ગુજરાત અને રાજસ્થાનમાં મીરાંબાઈના ભક્તિપદો પ્રચલિત હતા અને એમની ભક્તિધારામાં ગુજરાત-રાજસ્થાન તણાતું જતું હતું. બાબરના મૃત્યુ સમયે મીરાંબાઈની ઉંમર અંદાજે ત્રીસ વરસની હતી. એ સમયે આરબોના રાજા સુલેમાને કુનેહપૂર્વક અરધા ઉપરાંતના યુરોપ પર પોતાનું શાસન જમાવી દીધું હતું. પશ્ચિમના દેશો અને આરબોના આજના મતભેદ અને અથડામણોના મૂળમાં રાજા સુલેમાનનો ઈતિહાસ છે. સુલેમાન ધ મેગ્નિફિસેન્ટ તરીકે એ જાણીતો હતો.
સોળમી સદીના અંત સુધીમાં મોગલ સલ્તનતે લગભગ સમગ્ર દક્ષિણ એશિયાને પોતાના બાહુપાશમાં લઈ લીધું હતું. સોળમી સદીના છેલ્લા દાયકામાં ચિત્રકૂટના ઘાટ પર સંત તુલસીદાસે રામ અને લક્ષ્મણ બન્ને રાજકુમારોના સાક્ષાત દર્શન કર્યા હતા અને પછી પોતાની એંસી વરસની ઉંમરે એમણે રામ ચરિત માનસ લખવાની શરૂઆત કરી હતી. જેની ચોપાઈઓ જોતજોતામાં સમગ્ર ભારતમાં કંઠોપકંઠ ફેલાઈ ગઈ હતી.
જગતના બે મહાકાવ્યો ગ્રીક 'ઓડિસી' અને સંસ્કૃત 'રામાયણ'માં એના મહાનાયકો અનુક્રમે ઓડિસ્યુસ અને રામને પોતાના ઘરે પહોંચવાનું આસાન નથી બન્યું. તુલસીદાસે જે સ્થાનિક અયોધ્યાની અવધ ભાષામાં રામ ચરિત માનસ લખ્યું તેમાં મંદિર શબ્દનો અર્થ ઘર થાય છે.
અયોધ્યામાં રામલલ્લા વિરાજમાનને જાણે કે કાનૂની વનવાસ પૂરો થયો હોય એમ મંદિરના શીતળ છત્રતળે વસવાનો એટલે કે મંદિરનું નિર્માણ કરવા માટે ભૂમિ સોંપવાનો સર્વોચ્ચ અદાલતે હુકમ કર્યો છે. રામ શબ્દ જ ભારતમાં શાન્તિનો સમાનાર્થી છે. અયોધ્યામાં હવે જેને બિન વિવાદિત ભૂમિ કહેવાય એ શુભસ્થળે બનનારું રામ મંદિર સમગ્ર દુનિયામાં પ્રશાન્ત અને ગુણસંપન્ન જીવનરીતિનું પ્રબોધક અને પ્રેરક તીર્થ નીવડશે એમાં કોઈ શંકા નથી.