Get The App

જ્યોતિરાદિત્યની મધ્યકસોટી

Updated: Mar 10th, 2019

GS TEAM

Google News
Google News
જ્યોતિરાદિત્યની મધ્યકસોટી 1 - image



મધ્યપ્રદેશ અને રાજસ્થાન કોંગ્રેસમાં પૂરેપૂરી સાવઘાનીપૂર્વક આગામી લોકસભાની ચૂંટણી માટેની તૈયારી ચાલે છે. ગુજરાતમાં જે રીતે કોંગ્રેસે ખુલ્લા ખેતરની રાજનીતિ અપનાવી છે અને જેને જે જોઇએ તે કોંગ્રેસમાંથી છાને પગલે લઈ જવાની મુક્તિ એના આંતરકલહે સુગમ કરી આપી છે એવું અને સાવ એવું તો બીજે નથી. 

અસલ નેતૃત્વ વિનાની દશામાં આદિકાળથી ગુજરાત કોંગ્રેસ તૂટતી આવી છે. ગુજરાત કોંગ્રેસમાં અહંકાર પહેલા છે, કોંગ્રેસ પછી. જૂથવાદ પહેલા, પક્ષ પછી. મધ્યપ્રદેશમાં એવું નથી. કોંગ્રેસના જે ખરા નેતાઓ છે તેઓ હવે સમજે છે કે પોતાના પગ પર કુહાડી મારવાને બદલે પોતાના જ પક્ષ માટે એ પગને દોડતા કરવા વધારે સારા.

ભાજપે તો આગામી લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોનું રાષ્ટ્રીય શોપિંગ ચાલુ કર્યું છે. વિવિધ રાજય વિધાનસભાઓમાં પણ આ અખતરો ભાજપે કર્યો હતો અને એના વિશિષ્ટ રાજકીય પરિણામો પ્રાપ્ત કર્યા છે. હવે એ જ પ્રયોગ ભાજપ રાષ્ટ્રીયસ્તરે કરે છે. છેલ્લા એક સપ્તાહથી ગુજરાતમાં પણ જે રાજકીય હલચલ છે તે ભાજપની રેડીમેડ શોપિંગ પોલિસીને કારણે જ છે.

સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય મહાસચિવ બનાવી ને કમાન તો પશ્ચિમી ઉત્તર પ્રદેશની સોંપી છે અને એ રીતે પોતાના વતન રાજ્ય મધ્યપ્રદેશના રાજકારણમાંથી થોડા સમય માટે જ્યોતિરાદિત્ય સાઇડ થઈ ગયા છે.

મધ્યપ્રદેશના રાજકારણમાં કમલનાથ, દિગ્વિજય અને સિંધિયાની ત્રિપુટી સર્વેસર્ર્વા અને સક્રિય છે. સિંધિયા ઉત્તર પ્રદેશ તરફ વળી જતા હવે મધ્યપ્રદેશના રાજકારણમાં જુના જિગરજાન મિત્રો એવા કમલનાથ અને દિગ્વિજયનો રસ્તો થોડો વધુ આસાન બન્યો છે.

જો કે જ્યોતિરાદિત્યને સોંપવામાં આવેલી જવાબદારી ગંભીર અને વ્યૂહાત્મક છે એટલે કેટલાક લોકો આ ઘટનાને સિંધિયાની ચડતી કળાના ચંદ્ર તરીકે પણ જુએ છે. મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી પછી પરિણામો પ્રગટ થતા સિંધિયાએ પહેલા તો કમલનાથને મુખ્યમંત્રી થતા અટકાવ્યા હતા પરંતુ કોંગ્રેસે તેમને કોઈને કોઈ રીતે વિશ્વાસમાં લઈને ઝડપથી કમલનાથનો રાજ્યાભિષેક કર્યો હતો. જો કે સિંધિયાએ પોતાના સાત સમર્થકોને કમલનાથ કેબિનેટમાં પ્રધાન તો બનાવ્યા છે. 

મધ્યપ્રદેશના રાજકારણમાં કમલનાથ અને દિગ્વિજયસિંહને અનુક્રમે મોટા ભાઇ અને નાના ભાઇ તરીકે ઓળખવામાં આવે છે. લોકસભાની ચૂંટણીના મેનેજમેન્ટ અને સરકાર ચલાવવાની બાબતમાં દિગ્વિજયસિંહ એક લાજવાબ સાથીદાર છે. કમલનાથની ટેકણલાકડી, ચશ્મા અને ઓક્સિજન માસ્ક પણ દિગ્વિજય જ છે.

દિગ્વિજય અને સિંધિયા અંદરોઅંદરના કટ્ટર પ્રતિસ્પર્ધી અને વિરોધી રહ્યા છે. મધ્યપ્રદેશની પ્રજાની માનસિકતા જો ગુજરાતી પ્રજા જેવી ન હોત તો સિંધિયાએ એક નવા પ્રાદેશિક પક્ષની રચના ક્યારનીય કરી લીધી હોત. ગુજરાત-મધ્યપ્રદેશ બન્નેએ નર્મદાનું સૌથી વધુ જળ ગટગટાવ્યું હોવાથી લોકમાન્યતાઓમાં આ સિવાય પણ અનેકાનેક સામ્ય જોવા મળે છે પણ એ એક અલગ વિષય છે. જ્યોતિરાદિત્ય નિશ્ચિત રીતે મધ્યપ્રદેશની આવતીકાલ છે.

તેમની ઈચ્છા રાજ્ય પર શાસન કરવાની છે પરંતુ કોંગ્રેસ હાઈકમાન્ડ એમને ધીરે ધીરે પૂર્ણત: રાષ્ટ્રીય રાજકારણમાં લઈ જવા ચાહે છે. છતાં સિંધિયાનું પ્રભુત્વ તો રાજ્યમાં સ્વીકારવું પડયું છે. કમલનાથ પોતે ચાહતા હતા એવા અનેકને પડતા મૂકવા પડયા એનો ડંખ હજુ એમને છે. નવાઈ લાગે પણ મધ્યપ્રદેશ સરકારમાં જે છે તે બધા જ કેબિનેટ પ્રધાન છે, કોઈ પણ રાજ્યમંત્રી નથી. હજુ કેબિનેટમાં ચાર-પાંચ જગ્યા ખાલી છે જેની રસાકસી ચાલુ છે. 

મધ્યપ્રદેશમાં લોકસભાની ૨૯ બેઠકો છે. વધુમાં વધુ બેઠકો પર વિજય મેળવવા માટે રાહુલ ગાંધીએ કમલનાથ-દિગ્વિજયની જોડીને છુટો દોર આપ્યા વિના છુટકો નથી. કમલનાથની સરકાર અલ્પમત સરકાર છે. એના પરથી એમ ના કહી શકાય કે કોંગ્રેસને મધ્યપ્રદેશમાં પણ ધારેલા પરિણામો મળશે.

પરંતુ રાજ્યમાં પોતાનું શાસન હોવાને કારણે જે ફેર પડે એ તફાવતનો લાભ કોંગ્રેસને ચોક્કસ મળશે. જ્યોતિરાદિત્યની મધ્યપ્રદેશમાં અનુપસ્થિતિને કારણે કમલનાથ અને દિગ્વિજયને લગભગ જે એકહથ્થુ શાસન કરવા મળે એનો લાભ પણ પરિણામ સુધી લંબાશે અને કેટલીક અણધારી સફળતામાં રૂપાંતરિત થશે. મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાંથી વધુમાં વધુ બેઠકો કબજે કરવાની કોંગ્રેસની વ્યૂહરચનાને આખરી ઓપ આપવામાં જો કે હજુ વિલંબ થઈ રહ્યો છે. 

પૂર્વાંચલ એટલે કે પૂર્વીય ઉત્તર પ્રદેશમાં પ્રિયંકા ગાંધી પર કોંગ્રેસને અજમાયશી આશાઓ છે પરંતુ પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં તો સિંધિયાના મેનેજમેન્ટ પાસેથી ચોક્કસ ગણતરીપૂર્વકનો વિશ્વાસ છે. ઉત્તર પ્રદેશમાં સપા-બસપા ગઠબંધન માટે સિંધિયાએ આશ્ચર્યજનક રીતે સકારાત્મક અભિગમ દાખવ્યો છે. તેઓ સતત એ ગઠબંધનને કહેતા રહે છે કે આપણા રસ્તાઓ અલગ હોઈ શકે છે પરંતુ આપણી મંઝિલ તો એક જ છે.

આને કારણે સપા-બસપાની છાવણીમાં જ્યોતિરાદિત્યનું, તેઓ હરીફ પક્ષમાં હોવા છતાં રાજકીય માન વિશેષ છે. જ્યોતિરાદિત્ય ગ્વાલિયર રાજઘરાનાના વારસદાર છે. તેમના પત્ની પ્રિયદશની રાજે વડોદરા ગાયકવાડી રાજઘરાનાના છે. પ્રિયદશનીનો સમાવેશ દુનિયાની શ્રે પચાસ સૌન્દર્યસામ્રાજ્ઞાીઓમાં થાય છે. 

સિંધિયાનું રાજકારણ એક પ્રોફેશનલ પોલિટિક્સનો પ્રભાવ ધરાવે છે. તેમની મહત્વાકાંક્ષાઓ અલગ છે અને તેમનું ભાગ્ય અલગ જ દિશામાં લઈ જાય છે. આ વખતની લોકસભાની ચૂંટણી કોંગ્રેસમાં જ્યોતિરાદિત્ય સિંધિયાનું ફાઈનલ વજન નક્કી કરશે. 

Tags :