યમ-યમુના-એક્સપ્રેસ .
ઉત્તર પ્રદેશના ગ્રેટર નોએડા અને તાજમહાલને જોડતો ૧૬૫ કિલોમીટર લાંબો ૬ લેન રસ્તો યમુના એક્સપ્રેસ વે તરીકે ઓળખાય છે. અબજો રૂપિયાના ખર્ચ પછી પણ યમુના એક્સપ્રેસ રસ્તો સલામત નથી. ઈ.સ. ૨૦૧૯ના વીતેલા પ્રથમ છ મહિનામાં જ આ હાઈવે પર ૨૪૭ માર્ગ દુર્ઘટનાઓ સર્જાઈ જેમાં ૧૩૦થી વધુ પ્રવાસીઓના મોત નીપજ્યા છે.
અગાઉના વરસ ૨૦૧૮માં કુલ ૬૫૯ દુર્ઘટનાઓ આ જ રસ્તે સર્જાઈ હતી અને એમાં પણ સોથી વધુ પ્રવાસીઓ સીધા યમદ્વારે પહોંચી ગયા હતા. ચાલુ સપ્તાહે એક વહેલી વાદળછાયી સવારે બસ દુર્ઘટનામાં ત્રીસ પ્રવાસીઓએ જાન ગુમાવતા વધુ એક કરૂણાન્તિકા સર્જાઈ છે. ઉત્તરપ્રદેશ સરકારના એસટી નિગમની ડબલ ડેકર બસ પચાસ ફૂટ ઊંડા નાળામાં કૂદી પડી. કારણ એટલું જ કે ડ્રાઈવરને એક ઝોલું આવી ગયું! ઘડીક આંખ મિંચાઈ ગઈ, જેણે કાયમ માટે અનેકની આંખ મીચી દીધી.
આ હાઈવેની સફર બહુ રોમાંચક છે અને ઝડપ પકડી લીધા પછી ડ્રાઈવરને પોતે પાયલોટ હોય એવો અહેસાસ થાય છે. અકસ્માતોનો લાંબો સિલસિલો એ જ યમુના એક્સપ્રેસનો ઈતિહાસ છે, છતાં સરકારે સલામતીના કોઈપણ પગલા લીધા નથી. હાઈવે પર કેટલોક વિસ્તાર એવો છે જ્યાં સતત અકસ્માતો થતા હોવા છતાં એને જોખમી ઝોનની ઓળખ આપવામાં આવી નથી. ડ્રાઈવરો માટે સામાન્ય નિયમ એ છે કે એક ડ્રાઈવર ૪૦૦ કિલોમીટર જ બસ ચલાવી શકે. લાંબા રૂટની બસમાં ડ્રાઈવર બદલી જતાં હોય છે.
પરંતુ દેશની તમામ રાજ્ય સરકારો આ નિયમનું ઉલ્લંઘન કરતી જોવા મળે છે. ઉત્તરપ્રદેશ એસ.ટી. નિગમ પાસે ડ્રાઈવરોની એટલી તંગી છે કે કેટલાક ડ્રાઈવરોને ઓવર ટાઈમ કામ કરવું પડે છે. ગત સોમવારે યમુના એક્સપ્રેસ પર જે દુર્ઘટના બની તેમાં ડ્રાઈવરને ઓલરેડી અગાઉની રાતનો ઉજાગરો હતો.
વીતેલા દિવસે એને પૂરી ઊંઘ મળી નહિ, અને આ બીજી રાત ઉજાગરાની હતી જેમાં વહેલી સવારના શીતળ હવામાનમાં એને મીઠી નીંદરનો મોહ થતા એક ઝોલું આપોઆપ આવી ગયું. એ સમયે બસ ૮૦થી ૧૦૦ કિલોમીટર વચ્ચેની ઝડપે દોડતી હતી. આટલી ઝડપ હોય ત્યારે એક ક્ષણની ભૂલ પણ હોનારત માટે પૂરતી હોય છે.
ઉત્તરપ્રદેશ સરકાર પાસે પૂરતી બસ સુવિધા નથી, એટલે નિગમ ખાનગી સંચાલકો પાસેથી બસ ભાડે લે છે અને એને પોતાના રંગે રંગી નાંખે છે, એટલે સરકારી બસ હોય એમ જ લાગે! ભાડે લીધેલી બસનું ટેકનિકલ સ્ટેટસ થર્ડ ક્લાસ હોય છે. આ એક આખું વિષચક્ર છે, જેમાંથી અનેક અધિકારીઓ મહત્તમ મલાઈ આરોગી રહ્યા છે અને વારંવાર પ્રવાસીઓને યમના મુખમાં હોમી રહ્યા છે. શાસ્ત્ર પ્રમાણે યમુના તો યમની સગી બહેન છે અને યમથી મુક્તિ અપાવનારી છે.
લખનૌથી આનંદવિહાર (દિલ્હી) સુધી જનારી ઉત્તરપ્રદેશ નગર નિગમની બસ એક તો ડબલ ડેકર હતી અને એક જ ડ્રાઈવર ધરાવતી હતી. અમસ્તા પણ એક ડ્રાઈવર માટે ૫૦૦ કિલોમીટરની સળંગ સફર દુર્ઘટનાયુક્ત નીવડવાની શક્યતા સર્વાધિક હોય છે. સમગ્ર દેશમાં અનેક રાજ્યોની પરિસ્થિતિ આનાથી જુદી નથી. તમામ રાજ્ય સરકારો જે તે એસટી ડેપોના સંચાલકની બુદ્ધિ પ્રમાણે ચાલે છે. તેની પાસે ઉપલબ્ધ બસ અને સ્ટાફનું કોષ્ટક એને ફાવે એમ એ ગોઠવે છે.
એ માટેના કોઈ નીતિ નિયમોની અમલવારી થતી નથી. આને કારણે સમગ્ર દેશમાં માર્ગ દુર્ઘટનાઓ વધારે છે. આંતરરાષ્ટ્રિય સર્વેક્ષણ પ્રમાણે દુનિયાની તમામ માર્ગ દુર્ઘટનાઓમાં ૧૦ ટકા ભારતમાં આકાર લે છે. એના કારણ સ્વરૂપે એમ પણ કહેવામાં આવે છે કે ભારતમાં ૩૦ ટકા ડ્રાઈવરો એવા છે કે જેમની પાસે ડ્રાઈવિંગ લાયસન્સ નથી અને છે તો એ બનાવટી છે.
ગત સોમવારે બનેલી દુર્ઘટનામાં ખેતરમાં વહેલી સવારે વિહાર કરતા નિહાલ સિંઘ નામના એક ખેડૂત યુવાને દોડીને પાણીમાં ડૂબકી મારી બસના કાચ ફોડી અને શક્ય એટલા વધુ લોકોને બચાવ્યા. બચાવ કામગીરીમાં ક્યાંય સુધી એ એકલો જ હતો. એક કલાક પછી પોલીસ અને મેડિકલ સેવાઓ આવી. યમુના એક્સપ્રેસ હાઈવે પર જેને હાઈવેની માળખાગત સુવિધા કહેવાય એની સ્થિતિ શું છે તે ઉક્ત દુર્ઘટના પરથી ખબર પડે છે.
એક તો હાઈવે અને એમાં એક્સપ્રેસ હાઈવે હોવાને કારણે સરકારે સલામતીના તથા સારવારના જે વ્યવસ્થા તંત્ર ઊભા કરવા જોઈએ તેનો આમાં કોઈ પત્તો નથી. ઈ.સ. ૨૦૦૭માં માયાવતીના મુખ્યમંત્રીત્વ ટાણે આ હાઈવેના બાંધકામની શરૂઆત થયેલી અને ઈ.સ. ૨૦૧૨માં અખિલેશ યાદવના સત્તાકાળમાં એનું વાજતે ગાજતે લોકાર્પણ થયેલું. ભારતીય હવાઈદળના વિમાનો સીધા જ આ હાઈવે પર ઉતરાણ કરી શકે એ કક્ષાની ગુણવત્તા રસ્તાની છે, પરંતુ અધિક ગતિશીલતાને કારણે કે ડ્રાઈવરની ભૂલથી સર્જાતા અકસ્માતોના નિવારણ માટે કે અકસ્માતોત્તર સેવા માટે કોઈપણ વ્યવસ્થા નથી.