Get The App

રાફેલનો સંશોધન યજ્ઞા

Updated: Jan 10th, 2019

GS TEAM

Google News
Google News
રાફેલનો સંશોધન યજ્ઞા 1 - image


કોંગ્રેસે રાફેલ અંગે સંશોધન, સત્ય જાણવાની જિજ્ઞાાસા અને શાસક પક્ષ તરફના આક્ષેપો ચાલુ રાખ્યા છે જે દર્શાવે છે કે સર્વોચ્ચ અદાલતના રાફેલ સંબંધિત ચૂકાદા પછી પણ ન શમેલી આ જ્વાળા હવે આગામી લોકસભાની ચૂંટણી સુધી ગાજવીજ સાથે ચાલુ રહેશે. રાફેલ વિમાનો ખરીદવા માટે એનડીએ સરકારે કરેલા સંરક્ષણ સોદા અંગે ખુદ સરકાર હવે સંરક્ષણાત્મક મોડમાં આવી ગઈ છે. સંસદનું શિયાળુ સત્ર વિપક્ષોના ઉહાપોહ વચ્ચે હવા થઈ ગયું છે. 

સર્વોચ્ચ અદાલતમાં રાફેલ સંબંધિત દાખલ કરવામાં આવેલી ચાર અરજીઓને રદ કરતી વખતે દેશની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતા ધરાવતી ત્રણ ન્યાયમૂર્તિઓની પીઠે એના ચૂકાદામાં જે લખ્યું કે આ અદાલત ભારત સરકારના ૩૬ રાફેલ વિમાન ખરીદવાના સંવેદનશીલ મુદ્દા પર હસ્તક્ષેપ કરવાનું કોઈ કારણ મેળવી શકી નથી.

સર્વોચ્ચ અદાલતના ચૂકાદામાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે અદાલત સામે પ્રસ્તુત ખરીદીની પ્રક્રિયા અને કિંમત સાથે જોડાયેલા તમામ દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા જેનું ધ્યાનપૂર્વક અધ્યયન કરવામાં આવ્યું છે અને એમાં એવી કોઈ બાબત નજરે ચડી નથી જેને કારણે રાફેલ વિમાનોની ખરીદી પર શંકા કરી શકાય. ન્યાયમૂર્તિઓએ કહ્યું કે અમને પ્રક્રિયા પર આશંકા વ્યક્ત કરવાનો કોઈ આધાર મળ્યો નથી અને અમે એનાથી સંતુષ્ટ છીએ. સૌથી નવાઈની વાત એ છે કે આ સમગ્ર પ્રકરણના કેન્દ્રમાં ભાવફેરનો મુદ્દો છે.

રાફેલની સંખ્યા કેમ ઘટી અને એકમ દીઠ ભાવ કેમ વધ્યો તે જ રહસ્યમય છે, જેને સર્વોચ્ચ અદાલતે સ્પર્શ કર્યો નથી. યુપીએ અને એનડીએ સરકારે રાફેલના જે ભાવ સ્વીકાર્યા તેના તુલનાત્મક અધ્યયનથી પોતાને દૂર રાખવા માટે અદાલતે કહી દીધું કે આ કામ અદાલતનું નથી.

સર્વોચ્ચ અદાલતે એમ પણ કહ્યું કે યુપીએ સરકાર વખતે રાફેલ કરાર જે ભાવ પ્રમાણે લગભગ ફાઇનલ થયા હતા એ જ ભાવ પ્રમાણે છેવટનો સોદો થવો જોઈએ એ વાત તો અર્થહીન છે. જો કે ખરેખર તો એ વાત જ 'અર્થ'યુક્ત છે અને કોંગ્રેસે એ મુદ્દા પર જ સર્વાધિક પ્રહારો કર્યા છે.

દેશના સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામનની વાક્છટાથી દેશના સાંસદો અને નાગરિકો પ્રભાવિત થયા છે, પરંતુ તેઓએ કહેલી બધી વાતોમાં ક્યાંય રાહુલ ગાંધીએ ઉઠાવેલા પ્રશ્નોનો જવાબ નથી. નિર્મલા સીતારામન પણ ભાજપની પરંપરા પ્રમાણેના એક સારા વાર્તાકાર સાબિત થવા લાગ્યા છે.

લોકસભામાં અરૂણ જેટલીની નિષ્ફળ દલીલો પછી સમૃદ્ધ વાક્યવિન્યાસ સાથે નિર્મલા સીતારામન સરકારને ડિફેન્સમાંથી એટેક મોડ પર લઈ આવવા માટે ભરપુર પ્રયત્નશીલ રહ્યા પરંતુ એનાથી રાફેલ સોદા તરફ શંકા વ્યક્ત કરનારા કોઈને પણ સમાધાન થતું ન અનુભવાયું.

હજુ પણ એક નાનો વર્ગ એવો છે કે જે ભાજપનો ચાહક છે અને એ એમ માને છે કે સરકારે રાફેલ કરારમાં કંઈ ખોટું કર્યું નથી. આ ચાહકોને પણ તેમની માન્યતા બરકરાર રાખવા માટે સરકારે આપવા જોઈતા કારણો કે સ્પષ્ટતાઓ હજુ આપ્યા નથી. જેમ જેમ કેન્દ્ર સરકાર રાફેલને ઢાંકવા ચાહે છે તેમ તેમ ભારતીય રાજકારણમાં એની ઉડાઉડ વધતી જાય છે એ વિધિની વક્રતા છે.

એનડીએ સરકારે જેમ દેશની અનેક બંધારણીય સંસ્થાઓને લુણો લગાડવાની શરૂઆત કરી તેમાં હવે કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા (કેગ)નો પણ સમાવેશ થવા લાગ્યો છે. જે કેગ દ્વારા દર વરસનો અહેવાલ પ્રગટ થાય છે તે કેગ ઇ.સ. ૨૦૧૬થી રાફેલ વિમાનોના સંબંધિત વિવાદાસ્પદ કરારનો હજુ પણ અભ્યાસ જ કરી રહી છે.

હજુ સુધી કેગે રાફેલ કરાર અંગેનો ઓડિટ રિપોર્ટ તૈયાર જ કર્યો નથી. એટલે કે, કેગને એ કામ કરતા 'કોઈએ' અટકાવ્યા છે. કેગના ઓડિટ અધિકારીઓના હોઠ સોનાની સોય અને રૂપાના દોરાથી કોઈએ સિવી લીધા છે. જે તરફ સર્વોચ્ચ અદાલતે ધ્યાન આપ્યું નથી.

અદાલતે પોતાના ચૂકાદામાં એમ પણ નોંધ્યું જ છે કે, સર્વોચ્ચ અદાલત કોઈ સંરક્ષણ સોદાઓ કે જે સંવેદનશીલ હોય એ અંગેના નિર્ણયો માટેનો યોગ્ય તખ્તો નથી. કોંગ્રેસ હવે સર્વોચ્ચ અદાલતના આ જ રિમાર્ક પર ચાલે છે અને ફરી ફરી કહે છે કે જોઇન્ટ પાર્લામેન્ટરી કમિટી (જેપીસી) જ રાફેલ કરાર અને કિંમતનું પુનઃમૂલ્યાંકન- વિમર્શ કરીને યોગ્ય પદ્ધતિથી સત્ય જે અત્યારે તળિયે ડૂબી ગયું છે એને સપાટી પર લાવશે. વડાપ્રધાન મોદી ખુદ જેપીસી રચવાથી દૂર ભાગી રહ્યા છે તે આશ્ચર્યની વાત છે અને જેપીસી વિના રાફેલ અંગે ભાજપને લાગેલું કલંક ધોઈ શકાય એમ નથી.

Tags :