ઓસ્કારનો અભિનવ વળાંક
એકેડેમી એવોર્ડ્સ એ કોઈ પણ ફિલ્મ માટેનો મોક્ષમાર્ગ હોય છે. આ માન્યતા સાચી હોય કે ખોટી, પણ મહદઅંશે ફૂલટાઈમ ફિલ્મમેકર માટે ઓસ્કાર એવોર્ડ જ અંતિમ લક્ષ્ય હોય છે. ઓસ્કારે આટલા દાયકાઓથી એની શાખ જાળવી રાખી છે. ભારતીય એવા એ. આર. રહેમાન કે ગુલઝારની ઓળખાણ પણ ઓસ્કાર વિજેતા કલાકાર તરીકે આપવામાં આવે છે.
ફિલ્મ લાઇનના નોબેલ સમકક્ષ અવોર્ડ જીતવા માટે ફિલ્મમેકરો ફિલ્મ રિલીઝ થઈ જાય પછી સતત લોબીઇંગ પણ કરતા હોય છે. મૃત્યુપર્યંત પણ ઓસ્કારનું લેબલ જે તે કલાકારના માથે ચીપકેલું રહે છે એ તે અવોર્ડની મહત્તા અને મહાનતા દર્શાવે છે પરંતુ બદલાતા જતા વૈશ્વિક પ્રવાહો અને વધતા જતા મનોરંજનના માધ્યમો સામે ઓસ્કાર કમિટીને પોતાનું સ્થાન ભયભીત લાગી રહ્યું હોય એવું ગઈકાલે યોજાઈ ગયેલા અવોર્ડ સમારંભ પરથી લાગે છે. અનેકવિધ પ્રકારની સ્ક્રીનોના ફુગાવાને કારણે દર્શકના મનની વધી રહેલી બાષ્પશીલતા ઓસ્કારના સિંહાસનને સહેજ હલાવી રહી છે એ સ્પષ્ટ દેખાઈ આવે છે.
કઈ રીતે કહી શકાય કે ઓસ્કાર પોતાનો મરતબો જાળવવા માટે કોશિશો કરે છે? ઓસ્કારના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ વિદેશી ફિલ્મને શ્રે ફિલ્મનો અવોર્ડ મળ્યો એ વાત તો સૂચવે જ છે કે એકેડેમી એવોર્ડસ હવે પરંપરાગત કે પૂર્વગ્રહપ્રેરિત જુના રસ્તા ઉપર ચાલી શકે એમ નથી. એના સિવાય બીજી એક વાત ખાસ નોંધવા જેવી છે. આ વર્ષે બેસ્ટ પિક્ચરની કેટેગરીમાં નોમિનેટ થયેલી ફિલ્મોમાં ધ આઇરીશમેન, જોજો રેબીટ, જોકર, લિટલ વિમેન, મેરેજ સ્ટોરી, પેરેસાઈટ તથા ૧૯૧૭ ( ફિલ્મનું નામ છે ) અને વન્સ અપોન એ ટાઈમ ઇન હોલીવૂડ હતી.
આ બધી ફિલ્મોમાંથી અલગ તરી આવતી ફિલ્મ દક્ષિણ કોરિયાની પેરેસાઈટ હતી. એ દક્ષિણ કોરિયાની હતી માટે અલગ પડે છે એવુ નથી. પેરેસાઈટ સિવાય બેસ્ટ પિક્ચર કેટેગરીમાં નોમિનેટ થયેલી દરેક ફિલ્મ ભૂતકાળના કોઈ નિશ્ચિત સમયની કે કોઈ ચોક્કસ અલગ કોઈ વર્ગની વાર્તા માંડે છે જ્યારે પેરેસાઇટ સમગ્રતયા અખિલ સમાજની વાત કરે છે. પેરેસાઇટની કથાવસ્તુ ભવિષ્યગામી તંતુઓને સામ્પ્રત સાથે જોડે છે, જેની સાથે વિશ્વભરનો દર્શક એક-એક સંગતતા સ્થાપી શકે છે.
સબ્જેક્ટિવિટીની સાથે ઓબ્જેક્ટિવિટીનું અજાયબ મિશ્રણ આ પેરેસાઈટ ફિલ્મમાં છે જે બોધપાઠ આપ્યા વિના દર્શકને માત્ર દર્પણ બતાવે છે અને ભાવિ પેઢીઓ દિશા નક્કી કરતા પહેલા આત્મમંથન કરે તે માટે પરોક્ષ પ્રેરણા આપે છે. થોડા વર્ષ પહેલા ઓસ્કાર સમારંભમાં એક અભૂતપૂર્વ છબરડો થયો હતો. ઉત્કૃષ્ટ પ્રેમની દાસ્તાન દર્શાવતી ફિલ્મ 'લા લા લેન્ડ'નું નામ ભૂલથી ઘોષિત થઈ ગયું હતું અને પછી 'મૂનલાઈટ' ને પારિતોષિક આપવામાં આવ્યું. લા લા લેન્ડ પ્રેમકહાણી હતી જ્યારે મૂનલાઈટ સમલૈંગિક સંબંધોની વાત કરતી વાર્તા હતી. વર્તમાનમાં જ્યારે દરેક દેશમાં સમલૈંગિકતાને લઈને સરકાર, ન્યાયાલય અને પ્રજા વચ્ચે ત્રિશંકુ રચાયો છે ત્યારે કોઈનો પણ પક્ષ લીધા વિના એ વિષયવસ્તુ સાથે વાર્તા કહેનારી ફિલ્મ મૂનલાઈટ આવી જેમાં અશ્વેત કલાકારો હોવા છતાં ઓસ્કાર એને આપવામાં આવ્યો. ઓસ્કારે ખરા અર્થમાં ખુલ્લી માનસિકતા સાથે નિર્ણય લીધો એવું વિદ્વાન ફિલ્મ વિવેચકોને લાગ્યું હતું.
પણ આ વખતે તો ઓસ્કારે અનેક હદ ઉલ્લંઘીને સીમાડાઓ વટાવ્યા છે. જે ઓસ્કાર જ સાહસ કરી શકે. ઓસ્કાર અવોર્ડના સૌથી પ્રતિતિ અવોર્ડ વિદેશમાં ગયા. બેસ્ટ ફોરેન પિક્ચરની કેટેગરીમાં તો પેરેસાઈટને અવોર્ડ આપવો પડયો પરંતુ બેસ્ટ પિક્ચરનો અવોર્ડ પણ માટન સ્કોરસીસી અને ટેરેન્ટીનો જેવા માંધાતાઓની ફિલ્મોને બદલે પેરેસાઈટને આપવો પડયો. બેસ્ટ ડિરેક્ટરનો ખિતાબ પણ પેરેસાઈટના બોંગ જૂન હોને મળ્યો. સમાજનો એક પિરામિડ હોય તો તેના પાયામાં ગરીબવર્ગ અને નિમ્ન મધ્યમવર્ગ માંડ માંડ અનુકૂલન સાધીને રહે છે. આ બંને વર્ગ જુદા જુદા અહોભાવથી અમીરવર્ગ તરફ જુએ છે અને જુદી જુદી પદ્ધતિથી અમીર બનવાના ખ્વાબ સેવે છે. આ સપનાના મંડાણ અને એની પ્રાપ્તિની આકાંક્ષા જ વફાદારી કે મહેનત કે ખોટા રસ્તા કે પરાક્રમ કે ચાલાકી કે અસત્ય કે ક્યારેક તો સમર્પણ ભાવના તરફ પણ દોરી જતી હોય છે. દિગ્દર્શકે આ વાત કલાત્મક રીતે બતાવી છે.
પેરેસાઈટ ફક્ત બ્લેક હ્યુમરનો નમૂનો નથી પણ એ તીક્ષ્ણ કટાક્ષ પણ કરે છે. પિક્ચરના અંતે ડિરેક્ટર કહે છે કે ગરીબ ફક્ત ધનથી જ નહીં પણ માનસિક રીતે પણ ગરીબ જ રહેવાનો અને અમીર જે છે એ નસીબથી નહીં પણ એની આવડતથી અમીર બન્યો છે તો એ પિરામિડની ટોચ પર જ અડગ રહેવાનો. ગરીબ રાતોરાત અમીર નહીં બની શકે અને તે હતાશા તેને અંતિમવાદી પગલાં ભરવા તરફ પણ મજબુર કરશે. મદિરાપાન મહાભારતના સમયથી અનિષ્ટતાને આવકારનારું અને જિંદગીનું ધનોતપનોત કાઢનારી ઘટના રહી છે જે યુનિવર્સલ છે. તવંગરોને જોઈને ફૂટપાથ પર રહેનારા લોકોને આવતો ગુસ્સો કેટલો નિરર્થક છે અને તે ગુસ્સો ગરીબને વધુને વધુ ગરીબ બનાવે છે તે સત્યને પેરેસાઇટમાં તટસ્થતાથી રજૂ કરાયું છે.