રાષ્ટ્રપતિની ચિંતાઓ .
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું વ્યક્તિત્વ ગંભીર છે. એમણે સતત એ પ્રયત્ન કર્યો છે કે તેમના પર પૂર્વ રાષ્ટ્રપતિઓ જ્ઞાાની ઝૈલસિંહ કે વિ. વિ. ગિરીનો પડછાયો ન પડે. દેશમાં જે વાતાવરણ છે અને જે માર્ગે તેમની કારકિર્દીનો પ્રવાસ ચાલતો આવ્યો છે તે જોતાં તેમનો સંકલ્પ સુગમ નથી.
હમણાં રાજસ્થાન હાઈકોર્ટના નવા બંધાયેલા મકાનનું ઉદઘાટન કરતી વખતે તેમણે ન્યાયતંત્ર અને ગરીબો વચ્ચેના લાંબા અંતરની વાત વિષાદી સ્વરમાં વ્યક્ત કરી. તેમણે કહ્યું કે દેશમાં ન્યાય મેળવવાની પ્રક્રિયા એક સામાન્ય નાગરિકને બહુ મોંઘી પડે છે. દેશમાં આમ નાગરિકો જ બહુસંખ્ય છે અને એમને જો આ પ્રક્રિયા મોંઘી પડતી હોય તો અંદાજ લગાવવાનો રહે કે કેટલા લોકો પોતાની આપદા નિવારવા કે ન્યાય મેળવવા માટે અદાલતની સાંકળ ખખડાવવાનું ટાળતા હશે !
હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટ સુધી પહોંચવું સામાન્ય માણસ માટે તો અઘરું છે પરંતુ કંઈક વધુ કમાતાધમાતા લોકો માટે પણ કઠીન છે. હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટની લોબીમાં જ નજર નાંખો તો ખ્યાલ આવે કે ભારતીય ગ્રામ વિસ્તારમાં વસતા કોઈ અદના ઇન્સાન એમાં જલદી નહિ દેખાય. તો શું ભારત જેમાં વસે છે એમ કહેવાય છે એ ગ્રામ વિસ્તારોમાં કોઈ અન્યાય નહીં થતો હોય? કદાચ શહેરીજનોની તુલનામાં ગ્રામજનો વધુ અન્યાયનો ભોગ બને છે. તો પણ આજે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ભાગે ભારતના ગામડાઓના અન્યાયનો ભોગ બનેલા લોકોના કેસ ભાગ્યે જ બોર્ડ પર આવે છે. અને એનું મુખ્ય કારણ એ જ છે કે ન્યાયની પ્રક્રિયા બહુ જ મોંઘી બની ગઈ છે.
જો કે અદાલતો તરફથી જ મફત કાનૂની સલાહના કેન્દ્રો ખોલવામાં આવ્યા છે. અનેક પૂર્વ ન્યાયમૂતઓએ એમાં સેવાઓ પણ આપી છે. પરંતુ સેવાનો એ પ્રવાહ કોમનમેન સુધી પહોંચ્યો નથી એ જ રાષ્ટ્રપતિ કોવિંદની ચિંતામાં વ્યક્ત થાય છે. એડવોકેટોની દુનિયામાં બધા જ પ્રોફેશનલ નથી. કેટલાક એડવોકેટ નાના લોકોના મોટા કેસ હાથમાં લે છે.
છતાં પણ રાષ્ટ્રપતિનું નિરીક્ષણ છે કે આમ આદમી સુધી દેશની ઉચ્ચ અને ઉચ્ચતમ ન્યાય પ્રણાલિકા પહોંચતી નથી. દેશના દરેક રાજ્યોમાં ગરીબીની રેખા નીચે જીવતા લોકોને ન્યાયિક માર્ગદર્શન અને સહાયની વિવિધ વ્યવસ્થા છે. પરંતુ એમાં ક્યાંક કૃત્રિમતા આવી ગઈ છે. પાટનગર નવી દિલ્હીમાં તો એવી અનેક એનજીઓ છે જેનું મુખ્ય કામ જ અદાલતી ન્યાય મેળવવા માટે અજાણ્યાના આંસૂ લૂછવાનું છે. પરંતુ એવી સંસ્થાઓ વિરાટ ભારતની જનરાશિ સુધી પહોંચી ન શકે.
ભારતના બંધારણના આમુખમાં લખાયેલું છે અને બંધારણ વચને બંધાયેલું છે કે આપણે સમસ્ત ભારતીય પ્રજા તરીકે સમગ્ર પ્રજાને એટલે જેને ઝંખના છે તે સહુને ન્યાય અપાવવાનો છે. પરંતુ સંયોગો જ એવા છે કે સરકાર ન્યાયની તરસી પ્રજા સુધી પહોંચતી નથી અથવા ન્યાયવાંચ્છુકો અદાલતો સુધી પહોંચતા નથી. આ જ કારણે આજે દેશના લાખો ગામડાઓ નિર્જન થવા લાગ્યા છે.
અને સંખ્યાબંધ ગામડાઓની હાલત ભૂત રડે ભેંકાર જેવી થઈ ગઈ છે. દેશના ગ્રામ વિસ્તારોમાં જ્ઞાાતિવાર ન્યાય-અન્યાયની જે રમત ચાલે છે એમાં આજ સુધીમાં અનેક જિંદગીઓ હોમાઈ ગઈ છે. દેશની સમગ્ર ન્યાય પ્રક્રિયા એક એવા પરિવર્તનને ચાહે છે જેમાં દરેક નાનો માણસ ખર્ચની ચિંતા કરવી ન પડે એ રીતે ન્યાયમંદિરનો ઘંટ વગાડી શકે.
ન્યાયને ઝડપી બનાવવા માટે બહુ મોટા વ્યાયામની જરૂર છે. વિલંબિત ન્યાય અપરાધીઓનો આત્મવિશ્વાસ વધારે છે અને સંભવિત ગુનેગારોને એક્શનમાં લાવે છે. કેટલાક કિસ્સાઓ તો એવા પણ છે જેમાં વાદી અને પ્રતિવાદીમાંથી કોઈ એક પક્ષકારનું આખું આયુષ્ય જ પૂરું થઈ જાય પછી ચૂકાદો આવે છે. આમાં તમામ પ્રકારના અપરાધોના દાખલાઓ મળે છે. ન્યાયમૂતઓ બહુ જ વિચક્ષણ રીતે અને પૂરું આકલન કરીને વચગાળાના કે છેવટના ફેંસલા આપતા હોય છે એવા સંજોગોમાં તેઓને ઝડપ કરવાનું કહી શકાય નહિ પરંતુ અદાલતોનો વિસ્તાર અને ન્યાયમૂતઓની સંખ્યા વધારી શકાય છે.