Get The App

ચીની જાસૂસી જાળ .

જાપાન અને દક્ષિણ કોરિયામાં ચીન સતત જાસૂસી કરતું રહ્યું છે.

Updated: Oct 9th, 2018

GS TEAM

Google News
Google News
ચીની જાસૂસી જાળ                 . 1 - image

ઉક્ત બન્ને દેશોની જેલમાં અનેક ચીની જાસૂસો અત્યારે કેદ છે, અમેરિકા સાથે છેડાયેલા ટ્રેડવોર બાદ ચીને હવે આગવું કોર્પોરેટ જાસૂસી તંત્ર વિસ્તાર્યું છે જે દુનિયાની કોઈ પણ ટોચની ટેકનિકલ કંપનીનો તમામ ડેટા ઓન હેન્ડ ધરાવે છે. ચીન અને રશિયા આ બન્ને દેશો હવે હેકર્સનું સ્વર્ગ માનવામાં આવે છે. કોઈ પણ નિષ્ણાંત હેકર્સને તેઓ ઊંચામાં ઊંચા પેકેજમાં રાખી લેવા તત્પર હોય છે. ટ્રેડવોર શરૃ થયા પછી ચીન માટે માત્ર કેટલાક દેશો જ શત્રુઓ નથી, કેટલીક કંપનીઓ પણ દુશ્મન છે. જ્યાં પોતાના વ્યાપાર હિતો જોખમાતા હોય તેવી તમામ કંપનીઓને ચીન ગુપ્ત રીતે બ્લેક લિસ્ટેડ નહીં પરંતુ શેડો લિસ્ટેડ કરે છે. 

એટલે કે તેઓ એ કંપની સાથે તમામ વ્યવહારો કરે જ છે અને કદી પણ ખ્યાલ આવવા દેતા નથી કે ચીન એ કંપનીને હવે દુશ્મન માને છે. હમણાં ચીને ત્રીસ કંપનીઓને શેડો લિસ્ટેડ કરી છે. અને આ તમામ કંપનીઓની સંપૂર્ણ કારોબાર, હિસાબ અને ઉત્પાદગ-ગ્રાહક સંબંધિત વિગતો એકત્રિત કરી લીધી છે.

આજની દુનિયાની કરોડો કંપનીઓ એવી છે કે જેની મુખ્ય ઓફિસમાં જ કોમ્પ્યુટરો છે તે ચીનમાં બનેલા છે અથવા તો ચીની સામગ્રીનું જ એસેમ્બલિંગ કરવામાં આવ્યું છે. બહુ શરૃઆતથી ચીને કોમ્પ્યુટરના મધર બોર્ડમાં એક સ્પાય માઇક્રોચિપ્સ ફિટ કરેલી છે જે એ કોમ્પ્યુટરમાં થતા તમામ કામકાજની એક નકલ બેજિંગના મેઇન જાસૂસી સર્વરમાં મોકલી આપે છે. આ રીતે ચીને દુનિયાના વ્યાપાર-વાણિજ્ય પરતું પોતાનું મોનિટરિંગ વધાર્યું છે. આ પ્રકારના ડેટાનો ઉપયોગ કરીને ચીન સંબંધિત કંપનીઓની વ્યૂહરચના એડવાન્સમાં જાણી લે છે અને જે તે કંપનીના વિકાસમાં અંતરાયો ઉભા કરી શકે છે. પશ્ચિમના દેશોમાં ચીની ટેકનિકલ ઉત્પાદનોને હવે જે જાકારો મળી રહ્યો છે તે માત્ર ટ્રેડવોરને કારણે નહિ, ચીનની જાસૂસી વૃત્તિએ એને પૂરેપૂરું બદનામ કરી મૂક્યું છે.

એટલે કે હવે આ સમય છે જાપાન અને જર્મનીના પુનરોદયનો. કારણ કે જાપાન અને જર્મની એ દેશો છે જેની નકલ કરીને ચીન આગળ આવ્યું છે. એપલ અને એમેઝોન કંપનીના આંતરિક ઇન્ટેલિજન્સ બ્યુરોએ પણ જાહેર કરી જ દીધું છે કે અમારી બધી જ પ્રવૃત્તિઓ પર ચીન બાજ નજર રાખે છે. 

આ બન્ને કંપનીઓ હવે પોતાને ત્યાં લાગેલા તમામ ચીની બનાવટના કોમ્પ્યુટરો અને ટેકનિકલ સાધનો ભંગારના ભાવે વેચી રહી છે અને એના સ્થાને જાપાન અને જર્મનીની ટેકનોલોજી આયાત કરી રહી છે. અત્યારે ચીનના શેડો લિસ્ટમાં દુનિયાની કુલ ત્રીસ ટોચની કંપનીઓ છે જેનું ટર્નઓવર વાર્ષિક કરોડો ડોલરનું થવા જાય છે. ચીને આજ સુધીમાં પોતાની અનેક સ્પર્ધક કંપનીઓ પર સાયબર એટેક પણ કરેલા છે.

અમેરિકન સરકાર માટે એક નવા જ પ્રકારના સ્વચ્છતા અભિયાનની નોબત આવી છે. કારણ કે અમેરિકી જાસૂસી તંત્ર એટલે કે એફ.બી.આઈ. પાસે પણ સંખ્યાબંધ ઉપકરણો ચીની બનાવટના છે. પેન્ટાગોનના ફયુચર વોર અભ્યાસી અને સંશોધકોએ એફબીઆઈને એના તમામ ચાઈનીઝ કોમ્પ્યુટરો ફેંકી દેવા કહ્યું છે. જોકે એફબીઆઈને આ કહેવું પડે એ જ એના નાકને ઘસરકો લાગ્યા બરાબર છે. ચીને કેટલી હદ સુધી તેની જાળ બિછાવી છે તેનો તો આ એક નમૂનો છે.

તબક્કાવાર આ તમામ ટોચની કંપનીઓએ હવે વિવિધ ચીની કંપનીઓ સાથેની ભાગીદારી ખત્મ કરી નાંખી છે. આનાથી ચીનને મોટો ફટકો પડયો છે. ચીની મીડિયામાં આ ઘટનાઓને ટ્રેડ વોરનો એક ભાગ હોય એ રીતે બતાવવામાં આવે છે જ્યારે કે હકીકત એ છે કે ચીની જાસૂસી તંત્ર હવે ખુલ્લું પડી જતાં મલ્ટી નેશનલ કંપનીઓ દ્વારા તેનો બહિષ્કાર શરૃ થઈ ગયો છે. દુનિયામાં વિશ્વાસઘાતનું બીજું નામ ચીન હતું અને ચીન છે.

Tags :