વિચારો પકડતું યંત્ર .
આમ જુઓ તો એ લોકો માટે શુભ સમાચાર છે કે જેઓ કોઈ આકસ્મિક કારણોસર પોતાની વાણી ગુમાવી ચૂક્યા છે. તેઓ કહેવા જાય છે પરંતુ શારીરિક મર્યાદાને કારણે તેમના વિચારોના તરંગો વાણીમાં રૂપાંતરિત થતા નથી. ખાસ તો એવા લોકો કે જેઓ લખી પણ શકતા નથી. તેઓને માટે હવે બહુ લાંબા પ્રયાસો પછી વિજ્ઞાાન મદદ કરવા તત્પર થયું છે. એવા યંત્રની શોધ થઈ ગઈ છે જે મનુષ્યના વિચારોના તરંગોને વાણીમાં રૂપાંતરિત કરી આપે અને એની પ્રિન્ટ આઉટ પણ આપે !
બહુ ઉતાવળે વિચારવાની જરૂર નથી કારણ કે દામ્પત્યજીવનમાં આ યંત્રને પ્રવેશતા કે છાના વિચારોનો ઘટસ્ફોટ કરવાને તો બહુ વાર છે ! પરંતુ દર્દીઓ સુધી આ યંત્ર બહુ ઝડપથી સેવામાં પહોંચી જશે. આ તો આ એક અદભુત અને અજાયબ શોધ છે. આને કારણે દુનિયાના એવા હજારો દર્દીઓ કે જેઓ સંકટશય્યા પર છે, તેમના સગા વહાલાઓ તેમને ઘેરી વળેલા છે અને બંને વચ્ચે પ્રત્યાયનનો પુલ તૂટી ગયો છે ત્યાં આ નવસંશોધિત યંત્ર વાર્તાલાપ સંભવ બનાવશે. ન્યૂરો સાયન્સ અને આટફિસિયલ ઈન્ટેલિજન્સ જેવી બે જટિલ વિદ્યાશાખાઓના સમન્વયથી આ શોધ સાકાર થઈ છે.
આપણે જાણતા હોતા નથી પરંતુ કોઈ આઘાત કે અકસ્માતે મનુષ્ય વાણી ગુમાવી શકે છે. બીજા વિશ્વયુદ્ધ પછી એવા તો અનેક સૈનિકો હતા જેમણે વિવિધ પ્રકારની અપંગતાઓ સાથે એક ગુમનામ જિંદગી પસાર કરી. યુદ્ધજ્વર શમી જાય પછી એમાં આંશિક કે પૂર્ણ બલિદાન દેનારા સૈનિકોને યાદ કરવા એ તો મહાન પ્રજાનું કામ છે. તેમાંના કેટલાકે પોતાની આપવીતી લખીને દુનિયાની આંખો ચાર કરી દીધી છે. આપણા દેશમાં સ્પીચથેરાપીનું કામ બહુ મોટું ચાલે છે. જો કે એમાં કૌભાંડો પણ એટલા જ થાય છે.
કાનનું મફતમાં ઓપરેશન કરી કોઈ સૂક્ષ્મ યંત્ર બેસાડી આપવામાં આવે પરંતુ પછીથી એનો નિભાવ ખર્ચ લાખો રૂપિયાનો આવે તે દર્દીએ ભોગવવો પડે છે. આમાં બહુ લોકો છેતરાયેલા છે. કાન મનુષ્યના અસ્તિત્વની બહુ મહત્ત્વની આધારશીલા છે. જેમ જેમ સાંભળવાનું ઓછું થતું જાય તેમ તેમ તમે પોતે એકલવાયા ટાપુ બનવા લાગો છો. એમાંય જેમને વાતોના તડાકા મારવાની અને ખટપટની ટેવ હોય એમને માટે બહેરાશ તો આકરી સજા નીવડે છે. ક્યારેક અઘરો સ્વભાવ ધરાવતા સ્વજન ઓછું સાંભળતા થાય તો, એ ઘટના પરિવાર માટે ઉપકારક પણ હોય !
પથારીમાં પડેલો દર્દી કંઈક કહેવા ચાહતો હોય અને કહી શકતો ન હોય એવા દર્દીઓની સંખ્યા દુનિયામાં લાખોની છે. એમને માટે તો વિચારોને વાણીનું સ્વરૂપ આપતું યંત્ર એક ચમત્કાર જ છે. વૈજ્ઞાાનિકોને પહેલી સફળતા થોડા મહિનાઓ પહેલા મળી જ્યારે અબોલ દર્દીના વિચારોમાંથી થોડા છુટક શબ્દો યંત્રે ઓળખી બતાવ્યા. પરંતુ હવે વૈજ્ઞાાાનિકોએ એક સંપૂર્ણ સિસ્ટમ વિકસાવી લીધી છે આખા વાક્યો જ પકડી લે છે અને મહત્ અંશે દર્દી જેવું વિચારે છે એના એ જ વાક્યો યંત્ર બોલે છે.
એટલે કે હવે દર્દીના મનમાં ઉઠતા તમામ વૈચારિક તરંગોને ભાષાના સ્વરૂપમાં ઢાળી આપવાની વ્યવસ્થા માણસજાતે વિકસાવી લીધી છે. આ કોઈ સામાન્ય શોધ નથી. એમોરી યુનિવસટી, આટલાન્ટાના વૈજ્ઞાાનિકોની આ શોધ ખ્યાત થશે કે અનેક ક્ષેત્રોમાં એની ડિમાન્ડ ઊભી થશે. બીજાઓના વિચારોની જાસૂસી પણ આ જ યંત્ર કરશે. દરેક નવી શોધમાં જેમ આશીર્વાદ અને અભિશાપ એક સાથે હોય છે એવું અહીં તો વિશેષ રીતે દેખાશે.
અત્યારે પ્રયોગશાળાની બહાર આ શોધનો ઉપયોગ શક્ય નથી. પરંતુ બહુ ઝડપથી એ બહારની દુનિયા માટે સુલભ થઈ જશે. ભારતીય શાસ્ત્રોએ અગાઉ વૈચારિક વિશુદ્ધિની વાત કહી છે તે હવે અનિવાર્ય થઈ જશે. જો કે આ યંત્રને સર્વસુલભ બનવામાં તો હજુ ઘણા વરસો લાગશે એટલે જે લોકોના આચાર અને વિચાર વચ્ચે બહુ મોટી ખીણ છે એમણે હાલ તુરત તો ખુલ્લા પડી જવાનો ભય રાખવાની જરૂર નથી.
પરંતુ એક વાત નક્કી છે કે હવે શોધ થઈ જ ગઈ છે એટલે એને હાથવેંત થતા અગાઉના જમાના જેટલી વાર તો નહિ લાગે. એવા તમામ લોકો કે જેઓ સામાજિક, કોટુંબિક અને અંગત જીવનમાં દ્વિવ્યક્તિત્વ કે ત્રિવ્યક્તિત્વ ધારણ કરીને આ પૃથ્વી પર ભટકે છે તેમને માટે તો આ યંત્ર ક્યારેક વિસ્ફોટક નીવડશે એમાં કોઈ શંકા નથી. હજુ તો શોધ થઈ જ છે ત્યાં જ જેઓ આ સમાચારને આત્મશુદ્ધિનો અવસર માનીને સન્માર્ગે પાછા વળે તો તેમના પરનું જોખમ ટળી શકે છે.
અને જેઓ ઓલરેડી ઉચ્ચ દરજ્જાનું પવિત્ર જીવન માણી રહ્યા છે એમણે તો આવા આરપારના હજાર નવા યંત્રો આવે તોય ગભરાવાની જરૂર નથી. કારણ કે સત્યપ્રિયતા અને ઉચ્ચતમ ચારિર્ત્ય જે નિર્ભયતા આપે છે એનો આ જગતમાં જોટો જડે એમ નથી. દરેક વ્યક્તિ પાસે સ્વતંત્રતા છે. કોઈને પણ પોતાના વિચારો ગુપ્ત રાખવાનો હક છે. કોઈની મંજુરી વિના એમના વિચારો જાણી લેવા એ એમની નિજતાનું હનન જ કહેવાશે. એ જ રીતે ગુનાશોધન કાર્યમાં પણ આ સંશોધન અનેક ઢંકાયેલા રહસ્યો પરથી પરદો ઊંચકશે.