ફરી ભૂકંપની દહેશત .
હૃદય અને સંગીત, આ બંનેમાંથી ઉદભવતા કંપનો સિવાયના દરેક કંપન ભયભીત કરી મૂકે છે. એમાં પણ જમીનના કંપનોની વિનાશક્તાથી ગુજરાતીઓ પરિચિત છે. ધરતીકંપ એવી હોનારત છે જેની સામે માણસ સંપૂર્ણપણે લાચાર છે. વાવાઝોડું, વંટોળ, અતિવૃષ્ટિ, પુર કે ત્સુનામી પણ એવી કુદરતી હોનારત છે જેના વિશે અમુકઅંશે વિજ્ઞાાન આગમચેતી આપી શકે છે.
મોરબીમાં ઓગણએંશીમાં મચ્છુ ડેમ તૂટયો હતો અને પુર આવેલું ત્યારે અમુક લોકોએ સમયસૂચકતા દાખવીને વરસતા વરસાદમાં રસ્તા ઉપર દોડીને બધાને સંભળાય એમ બુમો પાડી હતી કે પુર આવે છે, ભાગો ! ભૂકંપ કુદરતનો એક એવો ખતરનાક ખેલ છે જેમાં કુદરત પૂર્ણતઃ સસ્પેન્સમાં માને છે. ચોંકાવી દેવા એની આઘાત યુક્ત લાક્ષણિકતા છે. પુર જેવી હોનારતને પ્લાનિંગ દ્વારા અટકાવી શકાય છે. જાપાન ટેકનોલોજિકલી ખૂબ વિકસિત દેશ હોવા છતાં જાપાનીઝ નિષ્ણાતો ત્યાં છાશવારે આવતા ભૂકંપના આંચકા સામે ફૂલપ્રુફ સિસ્ટમ બનાવી શક્યા નથી.
ધરતીકંપની કોઈ એવી સાયકલ નથી હોતી કે જેને ગાણિતિક સમીકરણો દ્વારા ઓળખી શકાય. કાલે જો ભૂકંપ આવે તો એના આફ્ટરશોકસ ન પણ આવે અને ત્રણ દિવસ પછી એનાથી પણ વધુ મોટો આંચકો આવે એ સંભવ છે. વીસ વર્ષ પહેલા ભૂકંપ આવ્યો હોય કે છેલ્લા બસ્સો વર્ષ દરમિયાન એક પણ આંચકો ન આવ્યો હોય ત્યાં પણ ભૂકંપ આવી શકે.
બીજી બધી કુદરતી આપત્તિઓ જળ કે વાયુ માર્ગે આવતી હોય છે. પ્રવાહી અને હવા ઘણે અંશે પારદર્શક પદાર્થો છે. માનવઆંખ જ્યાં ન જોઈ શકે ત્યાં રડારના સિદ્ધાંત ઉપર કામ કરતા મશીનો દરિયાની ઉથલપાથલ કે હવાનું નીચું દબાણ પકડી શકે. ધરતીકંપનું ઉદભવસ્થાન ધરતીનું પેટાળ છે. આપણા સંસ્કૃતસાહિત્યમાં પણ પાતાળલોક અંગે ઘણી દંતકથાઓ છે અને એમાં કલ્પનાઓ અપાર માત્રામાં છે. અર્થાત પૃથ્વીનું પેટાળ હંમેશા રહસ્યમય છે.
ધરતીની અંદર લાવા ખદબદે છે. આખી માનવજાત ધગધગતી ભઠ્ઠીના ઢાંકણ ઉપર જાણે બેઠી છે. અંદરથી વાયુનું દબાણ કે ધરતીની પ્લેટોની ગતિવિધિઓ પૂરતા વેગમાન સાથે ચાલુ હોય છે. માટે જ દરરોજ ૧૦૦૦ જેટલા આંચકા આવતા હોય છે. પણ આ હજારે હજાર આંચકા એટલા નાના હોય છે કે આપણને એ અનુભવાતા નથી અને નથી આપણા ઘરની દીવાલો ઉપર એની અસર દેખાતી. સિસ્મોગ્રાફ નામનું યંત્ર પેટાળની હલચલ અને ધરતીનું કંપન માપતું રહે છે.
હૃદયના ધબકારાના કાડયોગ્રામ જેવા જ પેટાળના ધબકારા હોય છે. પરંતુ જો પગ નીચેની ધરતીને હાંફ ચડે અને ત્યાં ધબકારા વધી જાય તો આપણા સૌના ધબકારા લાંબો સમય માટે વધી જઈ શકે. છવ્વીસમી જાન્યુઆરી, ૨૦૦૧ ની સવારે આપણા વધી ગયેલા ધબકારા મહિનાઓ સુધી એ જ ગતિમાં રહ્યા હતા જે આપણને દુઃખદ રીતે યાદ છે. એ કરૂણાન્તિકા આજે પણ આપણને કંપાવી મૂકે છે.
ગુજરાતને ભારતવર્ષમાં સૌથી મોટો દરિયાકિનારો મળ્યો છે. આ વાત અંગે ચોક્કસપણે હરખાવા જેવું છે પણ ભૌગોલિક રીતે આનો એક ગેરફાયદો પણ છે. આપણો દરિયાકિનારો એ ભાગ છે જ્યાંથી આ પ્રદેશ કરોડો વર્ષ પહેલા જમીન સાથે જોડાયેલો હતો અને છુટ્ટો પડયો હતો. આફ્રિકા સાથે ગુજરાતની ભૂમિ જોડાયેલી હતી.
જે કરોડો વર્ષ લાંબી પ્રક્રિયાના પરિણામસ્વરૂપ છૂટી પડી. આજે પણ ગુજરાતના પ્રદેશની નીચેની પ્લેટો અસ્થિર છે. માટે ગુજરાતે વખતોવખત ભૂકંપના આંચકાનો સામનો કરવો પડે છે. એમાં પણ કચ્છની ભૂગોળ ધરતીકંપ માટે બહુ જ સંવેદનસશીલ છે. ૧૮૧૯માં કચ્છના રણમાં અભૂતપૂર્વ ભૂકંપ આવેલો. ૮.૨ના રિકટર સ્કેલ પર આવેલો એ આંચકો એટલો શક્તિશાળી હતો કે બંગાળ સુધી એના આઘાતના મોજા પ્રસર્યા હતા. અરબી સમુદ્રમાં ત્સુનામીના મોજા ઉછળ્યા હતા અને હજારો લોકોના મૃત્યુ થયા હતા.
૧૯૫૬માં આવેલો અંજારનો ભૂકંપ ઘણાં વડીલોને યાદ હોય તે બનવાજોગ છે. આખું અંજાર જમીનદોસ્ત થઈ ગયું હતું. થોડીક સેકંડો માટે આવનારો ભૂકંપ પેઢીઓ સુધી અસર કરતો હોય છે. ભૂકંપ આવે તો ઓછું નુકસાન થાય એવી ઇમારતો હવે બનવા લાગી છે. સિવિલ ઇજનેરીની વિદ્યાશાખા પણ એ દિશામાં કામ કરી રહી છે. આજકાલ જામનગર વિસ્તારમાં ભૂકંપના આંચકાઓ આવે છે.
રાજ્ય સરકારે એ અંગે ઉચ્ચસ્તરીય તપાસ કરાવવા હજુ કોઈ ભૂસ્તરશાસ્ત્રીઓને મોકલ્યા નથી. બહુ થોડા સમયગાળામાં સંખ્યાબંધ આંચકાઓ આવ્યા છે. જાણકારોના અભિપ્રાય પ્રમાણે આ આંચકાઓ એક આગમચેતી જેવા છે અને સરકારે એમાં ધ્યાન આપવું જરૂરી છે.