સંઘ નિષ્ક્રિય કેમ છે ?
આ વખતની લોકસભાની ચૂંટણીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની નિષ્ક્રિયતા ઉડીને આંખે વળગી આવે છે. આમ તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એક બિનરાજકીય સંગઠન છે અને ચૂંટણીમાં એણે પ્રવૃત્ત રહેવું જરૂરી નથી.
છતાં ભાજપ આજ સુધી સંઘની તાકાત ઉપર ચૂંટણી લડે છે અને આ વખતે પણ એવી અપેક્ષા હતી જ કે વડાપ્રધાન મોદીનું સિંહાસન જોખમમાં હોવાથી સંઘ વધારે મહેનતથી લોકસભાની ચૂંટણીમાં કૂદી પડશે. પરંતુ દરેક સંસદીય મત વિસ્તારની સ્થિતિ જોતા એવું લાગે છે કે નાગપુર તરફથી હજુ સુધી ભાજપ માટે મહેનત કરવાનો કોઈ હુકમ થયો નથી.
સામાન્ય રીતે લોકસભા મતવિસ્તાર એક જિલ્લા જેટલો હોય છે. ક્યારેક એમાં એક બે તાલુકા ઓછાવત્તા હોય છે, એ રીતે જોતા સંઘ પાસે દેશના તમામ જિલ્લાઓમાં પોતાના કાર્યવાહકો છે. પરંતુ આ કાર્યવાહકો અને ભાજપના જિલ્લા પ્રમુખો વચ્ચે ચૂંટણીના સંદર્ભમાં હજુ સુધી સંકલનની કોઈ મિટિંગ થઇ નથી. છેલ્લા ઘણા સમયથી સંઘ અને ભાજપ વચ્ચે નીતિગત બાબતોમાં વિરોધાભાસ ચાલી રહ્યો છે. વડાપ્રધાન મોદીની કાર્યપદ્ધતિથી સંઘના વડા મોહન ભાગવત સખત નારાજ છે.
ખુદ ભાગવત અનેકવાર કેન્દ્ર સરકારની ખુલ્લમ્ખુલ્લા ટીકા કરતા રહ્યા છે. મિસ્ટર ભાગવતે જ છેલ્લા કેટલાક સમયથી નીતિન ગડકરી ને વડાપ્રધાન મોદીના વિકલ્પ તરીકે પ્રોત્સાહન આપેલું છે અને એને કારણે ગડકરીએ અનેક નિવેદનો એવા કર્યા છે જે ભાજપ સંગઠનના હાલના નેતૃત્વને ગંભીર ઘસરકો પહોંચાડી ચૂક્યા છે. એની સામે ભાજપનો દ્વિમૂત હાઈકમાન્ડ કોઈ પ્રકારના પગલા લઇ શક્યું નથી. કારણ કે ગડકરી પાસે સંઘનું મજબૂત પીઠબળ છે.
મનોહર પરિકર હયાત હતા ત્યારે રાહુલ ગાંધીની ગોવાની મુલાકાત બહુ રહસ્યમય માનવામાં આવે છે. કારણ કે પરિકર સંઘ અને ભાગવતના એકદમ નજીકના નેતા હતા. સંરક્ષણ મંત્રાલયમાં પરિકર જ્યારે સોળે કળાએ ખીલ્યા હતા ત્યારે જ એમને ગોવાના મુખ્યમંત્રી તરીકે માનભેર પાછા મોકલી દેવામાં આવ્યા હતા.
ત્યારે પણ ભાગવતે આ અંગેની પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. મુરલી મનોહર જોશી અને લાલ કૃષ્ણ અડવાણી પ્રત્યે ભાજપના દ્વિમૂત હાઇ કમાન્ડે કરેલા વર્તનની સંઘમાં ઘોર ટીકા થઇ રહી છે. સંઘની નારાજગીનું એક કારણ એ પણ છે કે ભાજપના તમામ ટોચના નેતાઓ સાથે ભાજપની આ જ દ્વિમૂતએ એક પ્રકારનો ગેરવર્તાવ કરીને રાજકીય વૃદ્ધાશ્રમનું સર્જન કરેલું છે.
લોકસભાની ચૂંટણીના પરિણામો આવે પછી એનડીએના કેટલા ઘટક પક્ષો ઉપરાંત ભાજપે અન્ય જે પક્ષોનો ટેકો લેવાનું આયોજન કરે છે તે તમામ પણ ભાજપની સરકારની રચના થતી હોય તો વડાપ્રધાન તરીકે કોઈ અન્યનું નામ સૂચવે તેવી સંભાવના પરત્વે ભાજપ હાઈકમાન્ડ આજકાલ ચિંતામાં છે. એટલે શક્ય એટલા વિકલ્પોને અગાઉથી દૂર કરવા માટેનો તેણે વ્યાયામ કરી લીધો છે. તો પણ નીતિન ગડકરી ભાજપ હાઈ કમાન્ડ માટે એક વિરાટ પ્રશ્નાર્થ રહે છે.
જો ખરેખર જ હજુ પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ માત્ર કહેવા ખાતરનો સૌજન્યપૂર્ણ પ્રચાર કરે અને મુખ્યત્વે તો નિષ્ક્રિય જ રહે તો ભાજપ માટે ધારેલી બેઠકો પણ અડધી થઇ જવાની શક્યતા રહે છે. વડાપ્રધાન મોદીએ નીતિગત બાબતોમાં કદી પણ સંઘની સલાહ લીધી નથી અને છેલ્લા છ મહિનામાં તો કેટલાક પ્રસંગોને બાદ કરતા બાકીના આઠ દસ કિસ્સાઓ એવા છે જેમાં વડાપ્રધાને મોહન ભાગવતને મળવાનું સઉપેક્ષા ટાળ્યું છે.
કેન્દ્રની એનડીએ સરકાર દ્વારા અનેક બાબતોમાં સત્ય છુપાવવાની અને અસત્યનો પક્ષ લેવાની જે પ્રેક્ટિસ થઈ તેનાથી મોહન ભાગવત નારાજ હોવાનું જાણવા મળે છે. સંઘના મુખપત્રમાં અનેક વખત આ અંગેની ટકોર કરવામાં આવી છે. છેલ્લે અડવાણીએ રજુ કરેલી બ્લોગપોસ્ટ પણ તેમના કહેવા પ્રમાણે ભાજપની આચાર સહિંતા છે પરંતુ એમણે જે વર્ણન કર્યું છે એમાંના કોઈ લક્ષણો વર્તમાન ભાજપમાં નથી અને એ જ કદાચ તેઓ કહેવા ચાહે છે.
ભાજપમાં અનુભવી વડીલોની જે ટોપ રેન્ક કેડર હતી એને મ્યુઝિયમ પીસ બનાવવાની ચેષ્ટાને સંઘે બહુ ગંભીરતાથી લીધે છે. અડવાણીના કિસ્સામાં તો દેશના તમામ વિરોધ પક્ષોએ એક સૂરમાં સ્પષ્ટ કહ્યું કે ભાજપે ભારતીય સંસ્કારિતાનું ઉલ્લંઘન કર્યું છે અને ભાજપને આગળ લાવવામાં જેમનો સિંહફાળો છે તેમની રાજકીય કારકિર્દી પર વારંવાર પૂર્ણ વિરામ મૂક્યા છે.
હજુ પણ નરેન્દ્ર મોદીને ભય હતો કે અડવાણી ગાંધીનગરથી જીતીને ફરી એકવાર લોકસભામાં આવે તો તેઓ વિકલ્પ બની શકે છે. એટલે જ તેમને ટિકિટ આપવામાં આવી નથી. પ્રતિભાસંપન્ન અને વિદ્વાન રાજપુરુષો થી સતત ડરતા ભાજપના હાઈકમાન્ડે પોતાની સરકારને ચિરંજીવી બનાવવા જે ખોટા રસ્તાઓ અપનાવ્યા તેથી પ્રજા અને સંઘમાં તેઓ સાવ વામણાં પુરવાર થયા છે.
દ્વિમૂતની બહાર વડાપ્રધાન પદ જતું ન રહે એટલે જ ખુદ અધ્યક્ષે પણ ગાંધીનગરની બેઠક પર અડવાણીને હડસેલીને એમના પેંગડામાં પગ મૂકવા ઉમેદવારી નોંધાવી છે. ભાજપ આ વખતની લોકસભાની ચૂંટણી ડગલે ને પગલે પોતાને હાથે જ પોતાની પ્રતિષ્ઠાને ઘોર નુકસાન કરીને લડે છે.