Get The App

રાજકીય વાસનાઓનું વરસ

Updated: Jan 31st, 2019

GS TEAM

Google News
Google News

પશ્ચિમી દેશોના રાજકારણમાં એક પારિભાષિક શબ્દ છે - ફોસ્ટિયન સ્પિરિટ . ફોસ્ટિયન અપ્રોચ કરનાર વ્યક્તિ પોતાની નૈતિકતા, સિદ્ધાંતો, સચ્ચાઈ, સદાચારના નિયમો વગેરેની આહુતિ આપીને પોતાની વાસના-એષણા સંતોષે છે. પોતાના સ્વને મારીને પણ અને જરૂર પડે તો ખોટો રસ્તો અપનાવીને પણ લક્ષ્યાંક સિદ્ધ કરનાર ફોસ્ટ પોતે એક જર્મન નવલકથાનું કાલ્પનિક પાત્ર હતો. 

આજે વૈશ્વિક સ્તર પર પણ ફોસ્ટ જેવી વ્યક્તિઓ સતત દેખાયા કરે છે, રાજકારણમાં ખાસ. જયારે પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકે આપણે સિત્તેરમી વર્ષગાંઠ ઉજવતા હોઈએ ત્યારે એ સવાલ થવો અત્યંત જરૂરી છે કે ફોસ્ટિયન અપ્રોચ ધરાવતા કેટલા રાજકારણીઓ કે નાગરિકોથી આપણે ઘેરાયેલા છીએ ? કારણ કે આવા જ લોકો દેશની દશા અને દિશા નક્કી કરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવતા હોય છે એવું ઈતિહાસ કહે છે. 

ભારતના રાજનેતાઓની ઉજાગરાની મોસમ ચાલુ થઇ ગઈ છે. ઉજાગરા અને જાગરણમાં તફાવત છે. ટીવી ચેનલોની વર્તમાન વર્તણુક એવી છે કે જાણે લોકસભાની ચૂંટણીના એક્ઝીટ પોલ થોડીક જ કલાકોમાં આપી દેવાના હોય. ભારતના સામાન્ય નાગરિકોનું ધ્યાન આ વર્ષની લોકસભાની ચૂંટણી પરત્વે હોય કે નહિ, વિશ્વના ઘણાં દેશોનું ધ્યાન ભારતની આગામી ચૂંટણી પર છે.

વૈશ્વિક સ્તરે આથક રીતે, રાજકીય રીતે અને પર્યાવરણની દ્રષ્ટિએ ભારતનું વજન ઘણું વધારે છે માટે જ કેન્દ્રની આગામી ચૂંટણી અતિમહત્વની સાબિત થઇને રહેવાની છે. કારણ કે અન્ય વિવિધ કારણોસર પણ આ ૨૦૧૯ નું વર્ષ ભારત માટે અત્યંત અગત્યતા ધરાવનારું છે. 

ગાંધીજીની દોઢસોમી જન્મજયંતી સિવાય પણ ઘણાં કારણો છે જે આ વર્ષને ભવિષ્યમાં ઐતિહાસિક બનાવવામાં ભાગ ભજવશે. તાજેતરમાં સિત્તેરમો ગણતંત્ર દિન ઉજવ્યા બાદ કોઈ પણ જાગૃત નાગરિકના મનમાં દેશની ક્ષમતા વિષે, એ ક્ષમતા મુજબ નીવડેલી પ્રવર્તમાન સ્થિતિ વિષે અને ભારતના ભાવિ વિષે અમુક સવાલો ઉઠે તે સ્વાભાવિક છે.  સિત્તેર વર્ષમાં આ દેશે શું મેળવ્યું? કઈ ખુશીની ઉજવણી આખો દેશ કરી રહ્યો છે?

સિત્તેર વર્ષમાં દેશને શું ન મળ્યું? જે નથી હાંસલ થઇ શક્યું એ કેટલા વર્ષમાં પ્રાપ્ત કરી શકાશે? શું દેશ ખરા અર્થમાં પ્રજાસત્તાક છે? કે વ્યક્તિપૂજામાં માનનારી પ્રજાએ તેને રાજનેતાસત્તાક બનાવી દીધો છે? લાંચસત્તાક કે ભ્રષ્ટ આચારસત્તાક? દરેક સરકારોએ ક્યાંક ને ક્યાંક ગોથું ખાધું હશે પણ પ્રજા કેટલી જવાબદાર રહી છે? ડા. એપીજે અબ્દુલ કલામની સ્વપ્નદ્રષ્ટિ ૨૦૨૦ માં ભારતને સુપરપાવર દેશ તરીકે નિરખી રહેલી ત્યારે બધા જ નાગરિકોના પાયાના સવાલોનું નિરાકરણ આવ્યું છે ખરું?

ઓગણીસમી સદીના આરંભે જગતમાં બે દેશો જગત જમાદાર બનવાની હોડના ફાઈનલ રાઉન્ડમાં હતા. અમેરિકા અને આર્જેન્ટીના. અમેરિકાએ પોતાના દરવાજા દુનિયા માટે ખુલ્લા રાખ્યા અને શક્ય હોય ત્યાં સુધી વહીવટમાં પારદશતાનું સિંચન પેઢી દર પેઢી કર્યું.

સામે પક્ષે આર્જેન્ટીનાએ પોતાની ચાર દીવાલોની અંદર જ પ્રગતિ સાધવાના મનોરથો સેવ્યા. અમુક ચપટીક માલેતુજારો, ઉદ્યોગપતિઓ અને ઉમરાવોની કદમબોશી કરી. થોડાક જ વર્ષોમાં એના વિપરીત પરિણામો આવી ગયા. આજે આર્જેન્ટીનાને પૃથ્વીના નકશામાં બિલોરી કાચ લઈને ગોતવું પડે છે.

ભારતની વાત જુદી હતી અને જુદી છે. પહેલેથી વસ્તીમાં ચાઈના પછી ટોચના સ્થાને બિરાજેલો દેશ હતો અને તે તાકાતના લીધે ક્યારેય આ દેશ ફસકી ન પડયો, ઐતિહાસિક છબરડાં અને બંધિયાર આથક નીતિઓ હોવા છતાં પણ.

આજે અમેરિકા કરતાં ત્રીજા ભાગની જમીન ઉપર તેના કરતાં ત્રણ ગણી વધુ વસ્તી આપણી છે. બેરોજગારોની સંખ્યા કરોડોમાં છે અને પાણીની અછતમાં પણ આપણે ટોચ ઉપર છીએ. ગ્લોબલ વોમગથી દરિયાની સપાટી ઇન્ડોનેશિયા અને માલદીવ ટાપુ પછી ભારતના દક્ષિણી કાંઠે વધી રહી છે. દુનિયાના અડધોઅડધ અંધજનો આ દેશમાં છે.

દેશના એક મોટા વર્ગને ઝડપથી ફાઈવ-જી ટેકનોલોજી જોઈએ છે અને દેશના એક બીજા મોટા વર્ગને હજુ પણ બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મોના જમાનાના ખ્યાત જરૂરિયાતસૂત્ર 'રોટી, કપડાં ઔર મકાન'નો અભાવ અને ચિંતા સતાવી રહી છે. આવા બે અંતિમો વચ્ચે આ દેશને એકવીસમી સદીના ત્રીજા દશકમાં લઇ જવાનો છે. ત્રીજા દશકમાં લઇ જનાર વહાણના સુકાની કોણ હશે એ પ્રશ્નાર્થ ભારતીય આકાશમાં હવે ઘુમરાવા લાગ્યો છે.

નવા પ્રકારનો કર. નવા રંગરૂપ વાળી નોટો. ટાપુઓના નવા નામો અને મોટા શહેરોના નવા નામો. નવી વિશાળ હોસ્પિટલો અને નવીન નામકરણ ધરાવતી સંખ્યાબંધ યોજનાઓ. રાજકીય ઝુકાવ ધરાવતી નવી ફિલ્મો પણ ખરી. ઇન્ટરનેટ ઉપર પાબંદી લગાવતા નવા કાયદાઓ પણ ખરા. નવા જ પ્રકારની વિદેશનીતિના દાવા અને નવા જ ગઠબંધન.

નાવીન્યપૂર્ણ મુદ્દાઓની ભરમાર વચ્ચે પ્રજાને એ પ્રશ્ન તો થાય કે લેબલ ઉપર ઝીણા અક્ષરે જે લખ્યું છે એ જ દવા અંદરની શીશીમાં છે કે નહિ? એકસાથે એકસો ત્રીસ કરોડ લોકો ચમત્કારિક દવાની આશાએ આ વર્ષના શકવર્તી બદલાવની રાહ જોઈ રહ્યા છે.

આ વર્ષ જલિયાવાલા બાગના હત્યાકાંડની એકસોમી તિથિનું વર્ષ છે. ઈ.સ. ૧૯૧૯માં થયેલા જલિયાવાલા બાગના હત્યાકાંડે ગાંધીજી સહિત બધા જ નેતાઓની આંખ ઉઘાડી દીધી હતી અને બ્રિટિશરો કેટલા જુલ્મી છે તેની અનુભૂતિ થઇ ગઈ હતી. એક સદી પહેલા જલિયાવાલા બાગની દુર્ઘટનાએ જ સંપૂર્ણ સ્વરાજ્યની માંગણી કરવાનું પીઠબળ પૂરું પાડયું હતું. 

Tags :