Get The App

કોરોનાનો કેરળ પ્રવેશ

Updated: Jan 31st, 2020

GS TEAM

Google News
Google News
કોરોનાનો કેરળ પ્રવેશ 1 - image


દુનિયા એક વૈશ્વિક ગામડું બની ગઈ છે એવું બોલવામાં તો બહુ સારું લાગે પણ એના જોખમો રોગચાળો શરૂ થાય ત્યારે સમજાય. ચાઇનાના વુહાન શહેરની માંસ-માર્કેટમાંથી શરૂ થયેલો કોરોના વાયરસનો આતંક હિમાલય પાર કરીને ભારતમાં પ્રવેશ્યો છે. આમ જોઈએ તો કોઈ પણ ચાઈનિઝ પ્રોડકટ કે ચાઈનિઝ મિલિટરીને ભારતમાં ઘૂસણખોરી કરવાની જૂની આદત છે. હવે ભારતમાં ઘુસવા માટે ચાઈનિઝ મૂળના વાયરસ પણ જૂની ચાઈનિઝ પરંપરાને અનુસરી રહ્યા છે. 

કેરળની વિદ્યાથનીને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. કેરળની સરકાર અને પ્રજા રોગભીતિથી ડરવા લાગી છે. અત્યારે તો સખત જાપ્તા હેઠળ તેની સારવાર ચાલુ છે. એક ભારતીયની જાન ત્રાહિત વાયરસને કારણે જોખમમાં છે એ ચિંતા તો છે જ પણ સાથે સાથે કાતિલ વિષાણુનો ચેપ ભારતમાં ન ફેલાય એ ચિંતા વધુ છે. વધુ વસ્તીગીચતા ધરાવતા પ્રદેશોમાં ચેપ આસાનીથી ફેલાઈ શકે અને ભારત ભરચક વસ્તી ધરાવતો દેશ છે. એર ઇન્ડિયાનું અતિશય સજ્જ વિમાન વુહાનમાં ફસાયેલા ભારતીયોને હેમખેમ પરત લાવવા ચીન પહોંચી ગયું છે.

ભૂતકાળમાં સાર્સ વાયરસે ચાઇનામાં મોટી તબાહી મચાવી હતી. એના પછી મધ્યપૂર્વના દેશોમાં ઉદભવેલા મેર્સ નામક વાયરસે પણ હજારોના ભોગ લીધા હતા. ચાઈનીઝ પ્રજા અઢાર વર્ષ પછી પણ સાર્સને ભૂલી શકી નથી કારણ કે તે ખૂબ પ્રાણઘાતક વાયરસ હતો. કોરોના તો સાર્સ કરતાં ઓછો તાકાતવાન વિષાણુ છે પણ એ વાત ધરપત આપી શકે તેમ નથી.

કોરોના ખૂબ ઝડપથી ફેલાઈ શકે છે. છેલ્લા એક મહિનામાં ચીનના દસ હજાર લોકોમાં આ વાયરસ પ્રવેશી ગયો છે. મૃત્યુના આંકડાઓ જાહેર થાય છે એનાથી વધુ છે. સાર્સ કે મેર્સના ફેલાવાની ઝડપ ધીમી હતી. માટે તીવ્રતા કરતા ઝડપ વધુ હોય એવા વાયરસ હંમેશા વધુ જોખમી ગણાય અને કોરોના એ કેટેગરીમાં આવે છે. કામચલાઉ હોસ્પિટલોનું બાંધકામ અને પ્રજાની નાકાબંધી અભૂતપૂર્વ સ્કેલ પર થઈ રહી છે. ચાઇના વિશ્વથી અળગું ન થઈ જાય તેના માટે તનતોડ પ્રયાસો કરી રહ્યું છે.

જ્યારે એચઆઈવી વાયરસ નવોસવો હતો ત્યારે દક્ષિણ ભારતના એક વિજ્ઞાાની કમ અધિકારીએ ભારત સરકાર સમક્ષ સુઝાવ મુક્યો હતો કે ભારતના દરેક એરપોર્ટ ઉપર એઇડ્સગ્રસ્ત દેશોમાંથી આવતા પ્રવાસીઓનું મેડિકલ ચેક અપ કરવામાં આવે અને જો તેને એઇડ્સ હોય તો ભારતમાં પ્રવેશ ન મળે એવી વ્યવસ્થા ઉભી કરવામાં આવે. તંત્રે આવા વિચારકની વાત કાને ધરી નહીં અને આજે એનું પરિણામ આપણી સમક્ષ છે. વિશ્વમાં સૌથી વધુ એઇડ્સના દર્દીઓ હિન્દુસ્તાનમાં છે.

આવી ભૂલ આ સરકારે કોરોના વાયરસના આઉટબ્રેક વખતે નથી કરી એટલું સારું છે. એરપોર્ટ ઉપર અને ખાસ તો ચીનથી આવતી ફલાઇટનું સઘન ચેકિંગ થાય છે. તો પણ એક ભારતીય મહિલા અત્યારે કોરોનાની શિકાર બની ગઈ. ભારત સરકાર પાસે મોટો પડકાર એ છે કે હવે વધુ લોકો કોરોનાનો ભોગ ન બને. જો એવું થયું તો મહામારી સર્જાશે. ભારતની ભૌગોલિક અને સામાજિક સ્થિતિ જોતા કોરોના વાયરસ અહીં ખૂબ ઝડપથી ફેલાઈ શકે છે.

એપલ જેવી મોટી કંપનીએ પોતાનું ઉત્પાદન ચીનમાં બંધ કરી નાખ્યું છે. ટોયોટા, ફોર્ડ, હોન્ડા જેવી ઓટોમોબાઈલ કંપનીઓએ પોતાના પ્લાન્ટ અચોક્કસ મુદ્દત માટે બંધ કરી દીધા છે. અમેરિકા અને બ્રિટન પોતાના નાગરિકોને ચીનથી પરત બોલાવી રહ્યું છે. ચાઈનિઝ પ્રવાસીઓ વિશ્વમાં પ્રથમ ક્રમે આવતા પ્રવાસીઓ છે.

અમેરિકનોના પ્રવાસખર્ચ કરતા ચાઈનિઝ લોકોનો પ્રવાસખર્ચ બમણો છે. માટે ફક્ત પ્રવાસન ઉપર નભતા ઘણાં સ્થળોએ ચાઈનિઝ પ્રવાસીઓનો ઘસારો આવકના ભોગે પણ અટકાવવો પડયો છે. દુનિયાભરમાં માંસાહારી ચીનાઓને જાકારો મળવા લાગ્યો છે. આખું વિશ્વ પરોક્ષ રીતે ચીન સાથે કોઈને કોઈ રીતે સંકળાયેલું છે એ ભાન કોરોના વાયરસ કરાવી રહ્યો છે. પાકિસ્તાન જેવા દેશ તો ચીન ઉપર ખૂબ મદાર રાખે છે. ચીની સરકારની રહેમરાહ હેઠળ જીવતા દેશોને તકલીફ પડવા લાગી છે. કોરોનાનો ત્રાસ જલ્દી ઓછો થાય એવા કોઈ એંધાણ હજુ તો દેખાતા નથી.

આજથી દોઢ વર્ષ પહેલા વૈશ્વિક સ્તરના ઘણા અગ્રગણ્ય મીડિયા હાઉસે અને અમુક માતબર સંસ્થાઓએ ચીનને વિનંતી કરી હતી કે તેઓ માંસનો ઉપયોગ ઘટાડે. બહારના દેશો ગરમ મિજાજી જિંગપિંગ સરકારને એવું કહે કે તમે માંસનો ઉપયોગ ઘટાડો અને એ સરકાર ચૂપચાપ સાંભળી લે એવું બને ? પણ એવું જ બન્યું.

ચીની સરકાર ખુદ જાણે છે કે એના દોઢ અબજ લોકો બેફામપણે નોન-વેજનો ઉપભોગ કરે છે જેનાથી પર્યાવરણ ઉપર ખૂબ અવળી અસર થાય છે. ગ્લોબલ વોમગ માટે માંસનું ઉત્પાદન એક મોટું કારણ છે. શારીરિક સ્વાસ્થ્ય પણ નોન-વેજને કારણે અનેક રીતે બગડી શકે છે એ પુરવાર થયું છે. કોરોના વાયરસ જેવા રોગચાળાના મૂળમાં અકરાંતિયાની જેમ માંસાહારનો ઉપભોગ જવાબદાર છે. ભારત સરકાર અને ભારતના નાગરિકો માટે આ ઘટનામાં અતિ મહત્ત્વનો બોધપાઠ છુપાયેલો છે.

Tags :