Get The App

મૂળ છે કાશ્મીર ખીણ .

Updated: Mar 7th, 2019

GS TEAM

Google News
Google News
મૂળ છે કાશ્મીર ખીણ                                                 . 1 - image



કાશ્મીરનો ખીણ પ્રદેશ એક જમાનાના પૂર્વ ભારતના કામરુ દેશ જેવો રહસ્યમય થતો જાય છે. આતંકવાદની જે સમસ્યા છેલ્લા પાંચ વરસમાં પરાકાષ્ઠાએ પહોંચી અને ભારતીય સૈન્ય તથા નાગરિકોની બહુ સંખ્ય જાનહાનિ થઈ તેના મૂળ કારણમાં કાશ્મીર ખીણનો પ્રદેશ છે, જેને ઉત્તર ભારત કાશ્મીરી ઘાટી તરીકે ઓળખે છે. બુરહાન વાનીના મોત પછી આ ખીણ વિસ્તાર રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિમાં ગળાડૂબ છે. 

કાશ્મીર ખીણમાં છ જિલ્લાઓ આવેલા છે: શ્રીનગર, અનન્તનાગ, પુલવામા, બારામુલા અને કુપવાડા. ઇ.સ. ૨૦૧૬ થી આ ખીણ પ્રદેશમાં હિઝબુલ મુજાહિદ્દીનના અહીં વ્યાપક પડાવ હતા. યુતિ સરકારે કે કેન્દ્ર સરકારે એ સમયે સંયોગોની ઘોર ઉપેક્ષા કરતાં અહીં આતંકવાદીઓ સામાન્ય નાગરિક પરિધાનમાં વિહાર કરવા લાગ્યા હતા, જેમાંના કેટલાક તો હજુ પણ અહીં ગુપ્ત વેશે સ્થાયી હોવાની સૈન્યને દહેશત છે.

આ વરસે જાન્યુઆરીની શરૂઆતમાં જ આતંકવાદીઓએ શ્રીનગર અને દક્ષિણ કાશ્મીરના સુરક્ષા દળોના અનેક પડાવો અને ચેક પોસ્ટ પર ગ્રેનેડ હૂમલાઓ કર્યા. ઓપરેશન ઓલ આઉટ દરમિયાન, ભારતીય દળોએ ૬૦૦થી વધુ આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા તો પણ કાશ્મીર ખીણમાં અનેક અલગાવવાદી નવયુવાનો વિવિધ વિદેશી જૂથોના સંપર્કમાં હતા અને હજુ પણ છે.

પાકિસ્તાનના જાસૂસોનું એક ખતરનાક તંત્ર કાશ્મીર ખીણમાં કાર્યરત હોવાનું ભારતીય ગુપ્તચરોને જાણવા મળ્યું છે. તેઓ વિવિધ મેસેજની આપ-લે માટે મૌખિક પરંપરાનો જ ઉપયોગ કરે છે અને ટેલિફોનિક વાતચીત કરતા નથી. આને કારણે એમની પારસ્પરિક  વાતચીત કે માહિતીને આંતરવાનું કામ કપરું સાબિત થઈ રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી ઓપરેશન ઓલ આઉટની ઝુંબેશ ઠંડી પડી ગઈ હતી. ગૃહમંત્રી રાજનાથ સિંહે એ અંગેની માસિક સમીક્ષા કરવાનું કામ પણ છોડી દીધું હતું.

આ મોકાનો લાભ લઇને જૈશ-એ-મોહના વિવિધ કમાન્ડરોએ શિયાળાની કાતિલ ઠંડીનો લાભ લઈને શસ્ત્રો અને વિસ્ફોટક સામગ્રી ખીણમાં ખસેડી હતી. હજુ પણ કેટલીક વણવપરાયેલી વિસ્ફોટક સામગ્રી કાશ્મીર ખીણમાં હોવાની દહેશત છે. જૈશ-એ-મોહ દ્વારા આજ સુધીમાં કાશ્મીર ખીણમાં વિસ્ફોટકો ભરેલા વાહનો દ્વારા હુમલાઓ કરવામાં આવ્યા છે.

બે સ્થાનિક ફિયાદિત કાશ્મીરી યુવાનો સપાટી પર આવ્યા છે. જેને કારણે સ્થાનિક નાગરિકોને આતંકવાદીઓના નવા કરતૂતોની ખબર પડી છે કે હવે પાકિસ્તાન તે વતની કાશ્મીરીઓના સંતાનોને જ મોતનો સામાન સોંપે છે, એનાથી જો કે જૈશ-એ-મોહ સહિતના આંતકવાદી જૂથો સામે સ્થાનિક નાગરિકો ખિન્ન છે.

આવી ખિન્નતા થોડો સમય રહે છે પછી ધર્માંધતાના નેજા હેઠળ જૈશ વગેરે જૂથો સ્થાનિકો પર પોતાની પકડ નવેસરથી જમાવે છે. ઇ.સ. ૨૦૦૦ની સાલમાં શ્રીનગરના કેન્ટોનમેન્ટ પરના આતંકવાદી હુમલામાં વિસ્ફોટકો ભરેલી મારુતિકારમાં આત્મઘાતી મોહમ્મદ બિલાલ સવાર હતો.

એ વિસ્ફોટમાં પાંચ જવાનો સહિત અગિયાર લોકોની જાનહાનિ થઇ હતી. એના પછીના કાશ્મીર વિધાનસભા પરના હુમલામાં ૩૮ લોકો માર્યા ગયા હતા. પછીનો સંસદ પરનો હુમલો પણ સહુને દુઃખદ રીતે યાદ છે. મોહમ્મદ બિલાલ બ્રિટનમાં બર્મિંગહામમાં રહેતો હતો અને કાશ્મીરી હતો. પુલવામા હુમલામાં જૈશના કમાન્ડરોએ આદિલ નામક સ્થાનિક નવયુવાનને આત્મઘાતી તરીકે મોકલ્યો હતો.

છેલ્લા કેટલાક સમયથી જૈશના કમાન્ડરો મનોવૈજ્ઞાાનિક રીતે કાશ્મીર ખીણના અંતરિયાળ વિસ્તારોમાં ધર્માન્ધતા અને અલગાવવાદી બેઠકો યોજવા લાગ્યા છે. પોતાના માતાપિતાની જાણ બહાર કેટલાક સ્થાનિક યુવાનો જૈશના પ્રવાહમાં તણાઇને આતંકવાદી બનવા લાગ્યા છે. તાલીબાનોએ અગાઉ અફઘાનિસ્તાનમાં પોતાની સત્તા સ્થાપી ત્યારે એના કમાન્ડરોએ શાળા કે કોલેજે જતાં ૧૫ થી ૨૨-૨૪ વર્ષની વયના અફઘાની તરૂણો-યુવાનોને પોતાની છાવણીમાં બોલાવવાનો ક્રમ શરૂ કર્યો હતો.

શાળા છૂટવાના સમયે કમાન્ડરો તેમને ઘરે પાછા મોકલી દેતા. શાળા ને બદલે આતંકવાદની પાઠશાળામાં તેમની જિંદગીઓ ક્યારે ભસ્મીભૂત થઈ ગઈ તેની તેમના વાલીઓને ખબર જ ન પડી. કારણ કે દરેક ઘરમાં એક દિવસ એવો આવ્યો કે છોકરો શાળાએ ગયો પછી પાછો જ ન આવ્યો અને આવ્યો ત્યારે અમેરિકન સૈન્યના હાથે વીંધાઇને આવ્યો. એના વિસ્ફારિત નેત્રો અને નિશ્ચેતન દેહ જોઇને અફઘાન પ્રજામાં અશ્રુઓની ધારા વહેતી થઇ ગઈ હતી પણ ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું.

કાશ્મીરનો ખીણ પ્રદેશ અને તેના નવયુવાનોમાં પણ જે તે સમયના અફઘાની નવયુવાનો જેવો રાજરોગ લાગેલો છે. કાશ્મીર ખીણના સ્થાનિક લોકોને બેવકૂફ બનાવીને પાકિસ્તાન પ્રેરિત  આતંકવાદીઓ કાશ્મીર ખીણને એના સ્થાનિક નાગરિકો માટે મોતની ખીણમાં રૂપાંતરિત કરી રહ્યા છે. કાશ્મીર ખીણ પ્રદેશ હવે ભારતની અંદરનો જ એક એવો કુરુક્ષેત્ર જેવો પ્રદેશ છે જેમાં સરકાર અને સૈન્યને હજુ ઘણું કામ કરવાનું બાકી છે.

Tags :