થપ્પડ વાગે ત્યારે...!
ઘરેલુ હિંસા સમાજ માટે કોઈ અજાણી વસ્તુ નથી. જ્યાં બે વાસણ ભેગા થાય ત્યાં અથડામણ થવાની. પરંતુ જ્યારે એક વાસણ જ બીજા વાસણ ઉપર હિંસાત્મક રીતે પડતું હોય ત્યારે એ અથડામણનો અવાજ ખૂબ બુલંદ રહેવાનો. કહેવત એવી ને એવી રહે છે. સમાજની રચના નથી બદલાતી. હવે સમય બદલાવાની સાથે એ સવાલ પણ ઉભો થાય છે કે પત્ની ઉપર પતિના માનસિક કે શારીરિક અત્યાચારને કઈ રીતે જોવામાં આવે ? તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ થપ્પડ દ્વારા આ મુદ્દાને જુદી જુદી રીતે સમજવાનો પ્રયાસ થયો છે. પત્નીની વિરુદ્ધ પતિની હિંસા ઉપર સમાજનું ધ્યાન ત્યારે જ જાય છે જ્યારે મામલો એકદમ વણસી જતો હોય છે. કોઈ પોતાની પત્ની અને પોતાના બાળકો ઉપર આટલું નિર્દયી કઈ રીતે થઈ શકે? ઘરેલુ હિંસા રોકવાના કાયદાની શરૂઆત પણ હિંસાત્મક વર્તણૂક પછી જ થાય છે.
ઘરેલુ હિંસાને એક સ્વતંત્ર દૂષણ તરીકે જોવું પડે. લગ્ન પછી કન્યાવિદાય સમયે કન્યાઓને પણ એ જ તાલીમ આપવામાં આવે છે કે પતિ જો ગુસ્સો કરી લે તો એ ચૂપચાપ સહન કરી લેવાનો. પતિ જો અપશબ્દો બોલે તો એ સાંભળી લેવાના. પતિ જો કંઈ તોડફોડ કરે તો એને રોકવાનો નહીં. પરોક્ષ રીતે પણ લગ્નવયની કન્યાઓને એવો બોધ આપવામાં આવે છે કે પતિ જો હાથ ઉપાડી લે તો પણ એ સહન કરી લેવાનું. સ્ત્રીઓની આ સહન શક્તિને સંસ્કારનું રૂપકડું નામ અપાય છે પરંતુ વાસ્તવના આ કુસંસ્કારોને લીધે જ સ્ત્રીઓની અનેક પેઢીઓએ સતત સહન કરવાનો વારો આવ્યો છે.આપણે ત્યાં છૂટાછેડાનું પ્રમાણ ઓછું છે એ હકીકતથી વિદેશની સ્ત્રીઓને પણ ઈર્ષ્યા થતી હશે પણ હકીકત એ છે કે સ્ત્રીઓની સહનશક્તિને લીધે ડિવોર્સ કેસ ઓછા થાય છે. સમાજ બંધાયેલો રહ્યો છે અને ભારતીય સમાજની ઘણી પોલ છતી નથી થઈ. એ માટે સ્ત્રીઓએ મોટો ભોગ આપેલો છે.
ત્રણ-ચાર વર્ષ પહેલા આવેલી પિંક ફિલ્મે પણ સ્ત્રીઓને સ્ત્રીની સ્વતંત્રતા સમજાવતી વાત કહીને મોટો ઝટકો આપેલો. પિંક ફિલ્મે અનેક માન્યતાઓનો ધ્વંસ કર્યો અને મર્યાદાની એક નવી સરહદ ચણી. આવી જ સરહદ દામ્પત્ય જીવનમાં પણ હોવી જોઈએ. થપ્પડ ફિલ્મમાં થપ્પડ પણ એક એવી સીમારેખાની વાત કરે છે જે પતિએ ઓળંગવાની ન હતી અને પત્નીએ સહન કરવાની નથી. એક થપ્પડમાં આટલું બધું શું ? એક થપ્પડને કારણે છૂટાછેડા લઈ લેવાના ? રાયનો પહાડ બનાવવાનો ? થપ્પડ પડી જ કેમ એ સવાલ વધુ જરૂરી છે. ફિલ્મની કહાની જ એવી છે કે પત્ની તો પતિને સમર્પિત છે. પતિના સપનાઓ અને મહત્વકાંક્ષા પૂરી કરવા માટે પત્ની પોતાનો બધો સમય એને અને ઘરને આપી દે છે. પણ પાર્ટીમાં બધાની વચ્ચે પતિ એક થપ્પડ મારી દે છે અને બધાના સપનાઓ ચકનાચૂર થઈ જાય છે.
પછી એ પત્નીનો જંગ શરૂ થાય છે એના પતિ સાથે અને એના દરેક ઓળખીતા વ્યક્તિ સાથે જે એવું કહે છે કે પતિ-પત્ની વચ્ચે તો આવું ચાલ્યા રાખે. પતિ પણ એવી દલીલો કરે છે કે એટલું મોટું કઈ થયું નથી અને આટલી નાની વાતને કારણે પત્ની ઘર છોડીને ચાલી જશે તો સગાવ્હાલા અને પાડોશીઓ શું કહેશે ? જે વહુને એની સાસુ એમ કહેતી હોય કે આપણે આટલામાં જ ખુશ થઈ જવાનું અને ઘર સંભાળવા માટે સહન કર્યે રાખવાનું. પરણેલી દીકરીની મમ્મી પણ એમ કહી દે કે તારું ઘર પિયર નહીં પણ સાસરું કહેવાય. એ જ માતા જેણે દીકરીને જન્મ આપ્યો એ એવું પણ વિચારે કે આપણી દીકરી છૂટાછેડા લેવાનું વિચારે છે તો શું આપણાથી એના ઉછેરમાં કોઈ ભૂલ રહી ગઈ હશે ?
થપ્પડ નામ ઉપરથી તો એવું લાગે કે આ ઘરેલુ હિંસા ઉપરની જ વાર્તા છે પણ એવું નથી. અહીં ફક્ત એક થપ્પડની વાત છે. અહીં અભણ પતિ નથી કે રોજ દારૂના નશામાં ઘરે આવીને મારઝૂડ કરતો પતિ નથી. અહીં તો પોશ એરિયામાં રહેતો અને દુનિયા જોઈને બેઠેલો સ્માર્ટ પુરુષ છે. જેનાથી પોતાની કારકિર્દીનો મનોવૈજ્ઞાાનિક તણાવ જીરવાતો નથી. અને એક નબળી ક્ષણે આવેશમાં આવીને એની પત્નીને લાફો મારે છે. પત્ની એ થપ્પડની કોઈ ત્વરિત પ્રતિક્રિયા આપતી નથી. પૂરતો સમય લે છે અને પછી ઘર છોડે છે. અહીં ડિરેક્ટરે કોઈ પણ જાતના મેલોડ્રામા વિના પુરુષપ્રધાન સમાજને અરીસો બતાવ્યો છે.
ફિલ્મમાં સંવાદ પણ છે કે થપ્પડના કારણે અલગ થવાનો જો સિલસિલો ચાલે તો ભારતના પચાસ ટકા દંપતીઓ છુટા થઈ જાય. સૌથી ગંભીર વાત એ છે કે થપ્પડ માત્ર હાથની જ ન હોય, વાણીથી પણ થપ્પડ વાગે. અને માત્ર પુરુષો જ નહિ, સ્ત્રીઓ પણ ઘરસંસારમાં કડવી વાણી પ્રયોજતી હોય છે. આ જિંદગી એટલી મનોહર છે અને વીતેલો દિવસ ફરી કદી પાછો આવવાનો નથી એ જાણવા છતાં અનેક મૂર્ખ દંપતીઓ આ રમણીય મધુરાવલિને વેડફી નાંખે છે.