હેલ વિથ ધ હેલ્મેટ .
આખરે ગુજરાત સરકારે પોતાનો શિરમુકુટ સહેજ ઉતારીને, માથુ ઝુકાવીને શહેરો અને નગરપાલિકાના રસ્તાઓ પર દ્વિચક્રી વાહનચાલકો માટે ફરજિયાત હેલ્મેટનો કાયદો ફેરવીને મરજિયાત કર્યો છે. આનાથી જેમણે હેલ્મેટ ખરીદવાની બાકી છે તે તમામને નિંરાતનો અનુભવ થયો છે. જેમણે લઈ લીધી છે એમની મજાક શરૂ થઈ ગઈ છે. જે હકીકતમાં સરકારની જ મજાક છે. સરકારે જે જોહુકમીથી આ કાયદો બનાવ્યો અને નમો કલ્ચરને મેમો કલ્ચરમાં રૂપાંતરિત કર્યું તેનો આ વિરોધ છે.
સરકાર જો એમ સમજતી હોય કે માત્ર હેલ્મેટનો વિરોધ છે તો એની એ સમજણ અધૂરી છે. ગઈકાલે સરકારે હેલ્મેટને ચોક્કસ શહેરી વિસ્તારો માટે મરજિયાત બનાવી પછી સોશિયલ મીડિયામાં સરકારે અગાઉ કરેલા ફરજિયાતના હુકમ પર નવેસરથી માછલા ધોવાયા. ગુજરાતના વિશ્વખ્યાત ગરબામાં નૃત્યનો એક પ્રકાર એવો પણ છે જેમાં ખેલૈયાએ બે ડગલાં આગળ વધવાનું અને પછી એક ડગલું પાછળ માંડવાનું. પરંતુ આપણી ગરબાપ્રેમી પ્રજાને જે સરકાર પ્રાપ્ત થઈ છે તેમણે સાવ અલગ જ સ્ટેપની શોધ કરી હોય એવું લાગે છે. વર્તમાન સરકાર એક ડગલું આગળ વધીને બે ડગલાં પાછળ હટવામાં 'મેક્સિમમ ગવર્નન્સ' સમજે છે.
હેલમેટ હવે નગરપાલિકા અને મહાનગરપાલિકામાં મરજિયાત છે એવું રાજ્ય સરકારે જાહેર કર્યું છે. શહેરની અંદર જ પ્રવાસ કરી રહેલા દ્વિચક્રીય વાહનોના વાહનચાલકે હેલ્મેટ પહેરવી ફરજિયાત નથી. શહેરની બહાર હાઈ-વે પર જઈ રહેલા વાહનચાલકોએ હેલ્મેટ પહેરવી પડશે. થોડા અઠવાડિયા પહેલા મોટર વહિકલ એક્ટમાં સુધારા આવ્યા હતા અને એ સુધારા પ્રજાને આકરા ડામ જેવા લાગ્યા હતા. અધધધ દંડ ભરવો પડે એવી જોગવાઈ હતી.
સ્ફુટી કે રિક્ષાની બજાર વેચાણ કિંમત કરતા વધુ રકમની દંડના મેમોની તસવીરો ચારેબાજુ ફેલાવા મંડી હતી. રસ્તા ખરાબ, ટ્રાફિક સિગ્નલ ઘણા ખોટકાયેલા, ડિવાઈડર કે રસ્તા ઉપરના નિશાનો પણ નિયમ મુજબ ન હોય એવી સ્થિતિમાં ફક્ત વાહનચાલકો ઉપર આકરું વલણ રાખવામાં આવતું. હેલ્મેટ સુરક્ષા માટે જરૂરી હોવા છતાં એનો જે તઘલખી અમલ થયો એ કોઈ રીતે ગળે ઉતરે એમ ન હતો. છતાં પણ ભોળી પ્રજાએ કમને તેને સ્વીકારી લીધો હતો. પરંતુ પરંપરા મુજબ નિર્ણય પાછો ખેંચવામાં આવ્યો.
હવે આ નિર્ણય જે આવ્યો છે એ પણ સ્પષ્ટ નથી. શહેરી વિસ્તાર કયો અને ગ્રામ્ય વિસ્તાર કયો એ મોટાભાગના લોકો જાણતા હોતા નથી. વર્તમાન સરકારના શાસનમાં શહેરોએ વિકાસ ઘણો કર્યો છે એવું કહેવામાં આવે છે, માટે શહેરની બાજુના ગામડા પણ શહેરમાં પ્રવેશી ગયા હોય એ બનવાજોગ છે. શહેરના વિસ્તારમાં રહેતો કોઈ માણસ પોતાના કામથી શહેરની સરહદ બાજુએ ગયો હોય તો ત્યાં તેને નવા સુધારા મુજબનો જ અધધધ દંડ લાગશે. બીજી વાત એ કે ટ્રાફિક પોલીસ હેલ્મેટ ન પહેરી હોય એવા વાહનચાલકને રોકતી અને એની પાસે પીયૂસી, વિમાના કાગળિયા અને લાયસન્સ જોવા માટે માંગતી. હવે હેલ્મેટ પહેરવી મરજિયાત થઈ ગઇ છે પરંતુ દંડ તો નવા નિયમો મુજબ જ રહ્યો છે.
હકીકતમાં જોઈએ તો શહેરી વિસ્તારમાં હેલ્મેટ પહેરવાની જરૂર નથી એ વાતમાં બહુ દમ નથી. શહેરના ભરચક ટ્રાફિક વિસ્તારમાં ભલે વાહનો પુરપાટ વેગે હંકારતા ન હોય તો પણ જીવલેણ અકસ્માતો થાય છે અને ભૂતકાળમાં થયા છે. વાહનચાલકોનું ડિવાઈડર સાથે અથડાઈને માથું ફાટી ગયું હોય એવા કિસ્સાઓ પણ બન્યા છે. લોકો હેલ્મેટની જરૂરિયાત સમજી ગયા હતા અને પહેરવાનું ચાલુ પણ કરી દીધું હતું. પરંતુ એમાં વધુ પડતા દંડનો ડર કારણભૂત હતો.
લોકો ડરી ડરીને જીવતા હતા એ હકીકત છે. વધુમાં, પીયૂસી ફરજિયાત કરવાનો અને પીયૂસી સટફિકેટ ન હોય તો ખૂબ મોટો દંડ લેવાનો તર્ક કોઈ જ હિસાબે વાજબી ન હતો. પીયૂસી ફરજિયાત કર્યા પછી અને દંડની રકમ આટલી બધી વધારી દીધા પછી શું હવાની ગુણવત્તા સુધરી ગઈ? પીયૂસી સટફિકેટ પછી પ્રદુષિત હવા નંદનવનની ખુશ્બોસભર તાજી હવામાં પલટાઈ ગઈ? કોઈ ચળવળકારે હવાની ગુણવત્તા જાણવા માટે આરટીઆઈ ફાઇલ કરી?
નિર્ણયને લાગુ કરવો અને પ્રજા માથે ઠોકી બેસાડવો એ બંનેમાં ફરક છે. નોટબંધી આવી એના પછીના દિવસોમાં નોટ બદલાવવા બેંકોમાં જવાના નિર્ણયો ચકરડી ભમરડીની અદામાં દરરોજ બદલાયા. અણઘડ તંત્રની પોલ તો ત્યારે છતી થઈ જ્યારે જીએસટી લાગુ કરાયા પછી એમાં બહુબધા સુધારા આવતા ગયા.
ગુજરાત સરકારે નવરાત્રી દરમિયાન શાળાઓમાં વેકેશન જાહેર કર્યું અને પછી એ નિર્ણય પણ પાછળ ખેંચી લીધો. ખાનગી સ્કૂલોની ફી મુદ્દે જે વાલીઓ, કોર્ટ અને શાળાના સંચાલકો વચ્ચે જે મડાગાંઠ થઈ છે એ હજુ સુધી ઉકેલાઈ નથી. આવું જ હેલ્મેટ મુદ્દે થયું. શેન વોર્ન અને મુરલીધરન અત્યાર સુધી વિશ્વ ક્રિકેટના ઇતિહાસના પ્રથમ શ્રેણીના સ્પિનરો ગણાય છે. પરંતુ ક્રિકેટપ્રેમીઓની માફી સાથે એ સ્વીકારવું રહ્યું કે તે બંને કરતાં પણ વળાંક લેવાની આવડત અને રિવર્સ સ્વીંગનો અનુભવ વર્તમાન સરકારને છે.