અર્થતંત્રનું નવું પતન
દેશ હવે જ ખરેખર નોટબંધી અને જીએસટીના આકરા પરિણામોના ઘાટ સુધી આવી પહોંચ્યો છે. સરકારે અગાઉ ભવિષ્યના આર્થિક વિકાસ દરની જે આગાહીઓ જાહેર કરી હતી એમાં સુધારણા કરીને ઘટાડો જાહેર કર્યો છે. જેટલો ઘટાડો સરકારે પોતાના પૂર્વ અંદાજમાં સ્વીકાર્યો, એટલી વાસ્તવિકતા સ્વીકારવાની શુભ શરૂઆત થઈ એમ કહેવાય.
તો પણ ઇ.સ. ૨૦૧૯-૨૦ના લક્ષ્યાંક તો ચીનથી પણ ઊંચા છે, જે બતાવે છે કે હજુ પણ કેટલીક ધારણાઓમાં અરૂણ જેટલી કક્ષાના તરંગોની ભેળસેળ છે. ભારત પર કોઈ મોટું આર્થિક સંકટ સીધી રીતે તો દેખાતું નથી, કારણ કે અર્થશાસ્ત્રીઓ મજાકમાં કહે છે કે, આગામી દસ વરસ તો ભારતના અર્થતંત્ર પર કોઈ ઘાત નથી, કારણ કે નોટબંધી અને જીએસટીના કુઠારાઘાત તો થવાના હતા તે થઈ ગયા એ બંને છે તો આર્થિક તંદુરસ્તીના ઉપાયો પરંતુ અણઘડ હાથે એના હુકમો થયા હોવાને કારણે દેશના અર્થતંત્રમાં લાંબા ગાળાના રાજરોગ જેવી નાદુરસ્તી આવી ગઈ.
થોડા સમય પહેલાં બાંધકામ ક્ષેત્રમાં તેજીનો પ્રાથમિક ચમકારો જોવા મળ્યો હતો જે હવે ફરી ઝાંખો પડી ગયો છે. બિલ્ડરોની નવી નવી સ્કીમોના મુલાકાતીઓની સંખ્યા અને પૂછપરછના દૌર ચાલતા રહે છે, પરંતુ આગંતુકો ક્લોઝ થતા નથી, એટલે કે વાસ્તવિક બુકિંગ થઈ રહ્યા જ નથી. ગુજરાતમાં ટાઉનશિપ વધી છે, ઉપરાંત એક કરોડથી પાંચ- સાત કરોડની શ્રેણીના જાજરમાન ફ્લેટ પણ વેચાતા નથી.
રેરાના કાયદાનો અમલ શરૂ થયો પછી બિલ્ડરોના કરોડો રૂપિયાના પ્રોજેક્ટ જામ થઈ ગયા છે. અધૂરા પ્રોજેક્ટમાંથી જૂના બુકિંગ પણ રદ થવા લાગતા રાજ્યના બાંધકામ ક્ષેત્રમાં મોટો આંચકો લાગ્યો છે. એકાએક પ્રવાહ પલટાયો છે અને મંદીના પ્રલયકારી પ્રવાહો વિવિધ સંખ્યાબંધ સાઇટ પર ફરી વળ્યા છે.
કેન્દ્ર સરકારના છેલ્લા બજેટમાં બાંધકામ ક્ષેત્રને આશા હતી કે સર્વકલ્યાણ ફોર્મ્યુલામાં અમારું પણ ભલુ થશે પરંતુ સરકારે બાંધકામ ઉદ્યોગને કોઈ વિશેષ રાહતો આપી નથી. નોટબંધી અને જીએસટીને કારણે બજરમાં રૂપિયો ફરતો અટકી ગયો તેના જ પ્રત્યાઘાતમાં બાંધકામમાં ઠંડક પ્રસરી છે અને ઉનાળો આવ્યા પછી પણ એમાં ગરમી આવવાની શક્યતા નહિવત છે.
મહાનગરોમાં હવે આગંતુક નાગરિકો કે નોકરિયાતો શહેરથી દૂર રહેવા જવા માટે તૈયાર થઈ જતા પ્રાઇમ લોકેશન પરના પ્રોજેક્ટસ ઊંચા ભાવે સ્થગિત થઈને પડયા છે. ગુજરાત સાથે રાજસ્થાન, મહારાષ્ટ્રમાં પણ આ જ પરિસ્થિતિ છે. વિકાસ દરના ઘટતા અંદાજ જાહેર કરીને સરકારે ઇશારો કરી જ દીધો છે કે, હાલની જે બજાર અત્યારે છે, તે હજુ પણ બે પગથિયા નીચે ઉતરશે.
કેન્દ્રમાં એનડીએ સરકારના આવ્યા પછી વિશ્વાસે વહાણ ચલાવવાની મોસમ તો ક્યારની ય પૂરી થઈ ગઈ છે. જે વેપારીઓ કે મોટા કારખાનેદારો જરાક જ ગફલતમાં રહે તો તેમણે પાઘડી ઉતારવાનો કે ટોપી ફેરવવાનો વારો આવે એમ છે.
એક તો બજારમાં બરફ જામી ગયો અને મોટા મત્સ્ય છટકી જવાને કારણે બેન્કોએ નાના ઉદ્યોગમાલિકો પાસે કડક ઉઘરાણી શરૂ કરી. અટકી ગયેલા ટર્નઓવર અને કપાયેલા નફાના વાતાવરણમાં લોનના બાકીદારોની હાલત પણ એવી છે કે દરેક વ્યક્તિ પાસે અલગ- અલગ પ્રકારની રોમાંચક અને દિલધડક અલિખિત આત્મકથા છે.
વાણિજ્ય ક્ષેત્રનો આ એ વર્ગ છે જેને જાત અનુભવ છે કે કેન્દ્ર સરકારની કઈ કઈ મૂર્ખતાનો તેઓ કેવી કેવી રીતે ભોગ બન્યા છે. અનેક કંપનીના માલિકોની કારની બ્રાન્ડ અને મોડેલ બદલાઈ ગયા છે. ડાઉન એન્ડ ડાઉન ! એની મનોવૈજ્ઞાાનિક અસર એ થઈ છે કે વેપારીઓ અને ઉદ્યોગપતિઓ નવા સાહસ કરતા સો વાર વિચાર કરે છે.
આ ભયમાંથી જ એક નવી ફોર્મ્યુલા જન્મી છે કે, દરેક પ્રોજેક્ટમાં 'જથ્થાબંધ' પાર્ટનરો હોય ! કોઈ ચાર ટકા, તો કોઈ છ ટકા ! દોઢ ટકા પણ ખરા ! આ ગુજરાતી વ્યાપારી બુદ્ધિમત્તાની કમાલ છે, જેથી પડે ત્યારે સઘળું ન પડે ! વ્યાપાર અને વાણિજ્ય સાથે સંકળાયેલા તમામ લોકોનો એનડીએ સરકાર પરથી વિશ્વાસ ઉઠી ગયો છે.
જીએસટીમાં ૫૩૪ સુધારાઓ કર્યા, આટલા ઓપરેશન પછી મૂળ 'કૃતિ'ની હાલત શું હોય ? તો પણ એ સુધારાઓમાં જેટલી આણિ મંડળીએ એટલી કિન્નાખોરી દાખવેલી છે કે દેશના એક પણ વેપારીને રાહતનો અનુભવ નથી ! આ એક નવી નવાઈની વાત છે !
અનિયંત્રિત ડિપોઝિટ અંગેનો સરકારનો નવો હુકમ અને પછી એમાં પણ સુધારાત્મક સ્પષ્ટતાઓએ દેશની નાણાં બજારમાં કારણ વિનાના આંચકા આપ્યા પછી વટહુકમના સેક્શન ૨ (૪) (આઇ)ના સંદર્ભમાં ફરી ટૂંકા ગાળાની લોન અને વ્યવસાયિક, વ્યાપારિક કે ઔદ્યોગિક લોન પર નવો પ્રતિબંધ લાગુ પડતો નથી એવી ચોખવટ કરી તો પણ એમાં સંદિગ્ધતાઓ રહી ગઈ છે.
સરકાર રાષ્ટ્રીયકૃત બેંકોને કરોડો રૂપિયાનો ટેકો મૂકી આપે છે ત્યારે ખાનગી નાણાંકીય સંસ્થાઓને ટેકો કોણ કરે ? એમનું તો કોઈ નથી અને છતાં દેશના સામાન્ય નાગરિકોની નાની- મોટી જરૂરિયાતો આ ખાનગી નાણાં સંસ્થાઓ જ પૂરી પાડે છે. આ ખાનગી સંસ્થાઓને પણ પડયા પર પાટુ મારવાની તક અરૂણ જેટલી મહોદય એક પણ વાર ચૂક્યા નથી.
બજારને શક્ય તેટલી પછાડવામાં એનડીએ સરકારે મહત્તમ પ્રદાન કર્યું છે અને એ રહસ્ય તો એકમાત્ર જેટલી પાસે જ છે કે બજારને તોડવાથી ભાજપને, વાણિજ્ય ક્ષેત્રને કે સમાન્ય નાગરિકને- કોને શું ફાયદો થયો ? કોના હિતને ધ્યાનમાં રાખીને તેઓ મહાન ભારતના અર્થતંત્રમાં અવનવા અખતરાઓ કર્યા જ કરે છે ?