શેરબજારની દંતકથાઓ .
દેશના સામાન્ય રોકાણકારને ગોથું ખવરાવે એવી ટોળકી ભારતીય શેરબજારમાં ફરી વાર સક્રિય થઈ ગઈ છે.
છેલ્લા બે સપ્તાહમાં શેરબજારે જાતે ઊભા કરેલા આંચકાઓમાં શેરધારકોના લાખો અને કરોડો રૃપિયાનું ધોવાણ કર્યું છે. આ મોકાનો લાભ લઈને જેમને ચોક્કસ શેર તૂટવાની માત્ર દસ સેકન્ડ એડવાન્સ માહિતી મળી ગઈ તેઓએ મલાઈ તારવીને કરોડો કમાઈ પણ લીધા છે.
સેબીનું નિયમન માત્ર કહેવા ખાતરનું હોય એમ લાગે છે કારણ કે છેલ્લી બે ત્રણ દુર્ઘટનામાં તો સેબી મોડે મોડે જ તબેલાને તાળા મારવા દોડે છે.
પોતાને વિદ્વાન અર્થશાસ્ત્રી માનતા અને ભાજપે તરછોડેલા સુબ્રહ્મણ્યમ સ્વામી આજકાલ નાણાં મંત્રાલય અને મહેસુલ ખાતાના ઉચ્ચસ્તરીય સચિવોને સાણસામાં લેવા માટેનો સ્વાધ્યાય કરી રહ્યા છે. તેમણે એ તો જાહેર કરી જ દીધું છે કે દેશના આર્થિક અપરાધીઓ તરફ સહાનુભૂતિ રાખનારા કેન્દ્રના સચિવોને હું નિવૃત્તિ પહેલા જેલની સફર કરાવીને જ જંપીશ. પોતાના આ મનસૂબાને સાકાર કરવા તેઓ ટૂંક સમયમાં જ આધાર-પુરાવાઓ સાથે અદાલતના આંગણે પહોંચી જવાના છે.
એવું નથી કે શેરબજારમાં કદી આવું એકાએક પતન આવ્યું નથી કે જેમાં ચોક્કસ શેરના ભાવ રાતોરાત ગગડી જાય છે. પરંતુ આ વખતે તો જે આંચકો આવ્યો તે સીધો આસમાનમાંથી વીજળી પડવા જેવો છે. એનાથી પણ વધુ ગંભીર વાત એ છે કે આવનારા નજીકના સમયમાં વધુ આંચકાઓ સર્જાવાની દહેશત રહે છે.
અંદાજે સળંગ પાંચ વરસની ચડતી કળા પછી શેરબજાર હવે તમામ નકારાત્મકતા સાથે આસાનીથી સંકળાઈ રહ્યું છે. પેટ્રોલિયમ પેદાશોના વધતા ભાવ અને ડોલરની તુલનામાં સતત ઘસાતા જતા રૃપિયાએ શેરબજારના પતનની પૂર્વભૂમિકા તો તૈયાર જ કરી રાખેલી છે. ઈન્ફ્રાસ્ટ્રકચરલ રોકાણ સાથે જોડાયેલી કહેવાતી મહાકાય કંપની પોતાના દેવાના હપ્તા ન ચૂકવી શકી ત્યાંથી આંચકાનો આરંભ થયો છે.
આને કારણે બેન્કો અને અનેક ફાઈનાન્સ કંપનીઓ પર પણ આઘાત આવી પડયો છે. અન્ય કેટલીક ઈન્ફ્રાસ્ટ્રકચર અને રિયલ એસ્ટેટ કંપનીઓ પર આના પ્રભાવની નકારાત્મક અસરો આ સપ્તાહના અંત પહેલા જ દેખાવા લાગશે. એક જ દિવસમાં સેન્સેક્સ ૧૨૮૫ પોઈન્ટ સુધી અને નિફ્ટી ૪૦૦થી પણ વધુ પોઈન્ટ તૂટવાને દેશના પ્રવર્તમાન આર્થિક માહોલ સાથે તો કોઈ લેવાદેવા નથી.
એનો અર્થ છે કે ખેલાડીઓએ માસ્ટરગેઇમ આબાદ ખેલી છે, તેઓ મુંબઇ શેરબજારને કેસિનો કક્ષા સુધી લઇ જવા ચાહે છે અને સેબીની હાલત હવે મૂક સાક્ષી જેવી થતી જાય છે. જે સામાન્ય રોકાણકારો ધોવાયા છે એમને માટે ફરી આર્થિક રિકવરી થવામાં કે બેઠા થવામાં સમય લાગશે.
કેન્દ્ર સરકારે જે દલાલોને શેરબજારમાં હસ્તક્ષેપ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે તેઓ જ પરદા પાછળ છુપાઇને રિંગ બનાવી પોતાના અનેક ડમી ચહેરાઓ દ્વારા ખેલ પાર પાડી રહ્યા છે. તેમના ભૂગર્ભતંત્રને સેબી હજુ સુધી ભેદી શકી નથી એનું જ આ વિકરાળ પરિણામ છે અને એવું પણ નથી કે સેબી સાવ જ અજ્ઞાાન હોય.
ઈ.સ. ૨૦૦૮ની ભારતીય શેરબજારે ભોગવેલી મંદી પછી સ્થિતિ એવી હતી કે શેર ખરીદવાની વાત તો દૂર રહી, પોતાના પૈસા મ્યુચ્યુઅલ ફંડ જેવી પ્રમાણમાં સુરક્ષિત વ્યવસ્થામાં રોકતા પણ હિચકિચાટ અનુભવતા હતા.
છેલ્લા ત્રણ ચાર વરસમાં એ રોકાણકારો શેરબજારમાં પાછા ફર્યા છે. ભારતીય શેરબજાર માત્ર શ્રીમંત રોકાણકારો અને દલાલોનું ન રહેતા, સામાન્ય નાગરિકોની ચહલપહલની વાસંતિક મોસમ પણ માણી રહ્યું છે.
એવા સંજોગોમાં જો બજારમાં આવા આંચકા આવતા રહે અને સામાન્ય રોકાણકાર નિરાશ થતા રહે તો નિયમન કરનારી સંસ્થાઓની એ જવાબદારી બને છે કે આ મંદીનું ચક્ર કોઇ એક રેકેટ તો નથી ને ! ખાનગી કંપનીઓના ગાબડા પૂરવા માટે સરકારી બેન્કો કે સરકારી વીમા કંપનીઓ દોડે ત્યારે પણ રહસ્ય વધુ ઘેરું બને છે.
આ વખતના શેરબજારના આંચકાના સાત પાતાળ ભેદો તો એમાં ઈટાલીની એન્ટાલિયો કંપનીથી શરૃ કરીને ભાજપના માધાંતાઓ સુધીની કરમ કુંડળી પ્રગટે એમ છે. કારણ કે આ આંચકો કોઇ આકસ્મિકતા નથી, દિગ્ગજોએ શાંતચિત્તે ખેલેલી ચોપાટ છે. સેબી હજુ પણ બેદરકારી દાખવશે તો વધુ કિસ્સાઓમાં વધુ રોકાણકારોના નવા કરોડો રૃપિયાનું ધોવાણ થશે. ચેતતા નર, ચેતતી નારી અને ચેતતી સેબી જ સદાય સુખી રહી શકે કારણ કે જહાજના સઢમાં નવો પવન ભરાયો છે.