Get The App

અરે આ લાશવેગાસ !

Updated: Oct 3rd, 2017

GS TEAM


Google News
Google News

આપણે ત્યાં મનોરંજનમાં ફિલ્મ ઉદ્યોગ આગળ છે, અમેરિકા અને યુરોપમાં મ્યુઝિક ઈન્ડસ્ટ્રી આગળ છે, આ ક્રમ પહેલેથી ચાલ્યો આવે છે. ભારતીય પ્રાદેશિક જીવનમાં લોકસંગીતનો જે મહિમા છે તેનાથી ક્યાંય અધિક પશ્ચિમના દેશોમાં ખુલ્લી મ્યુઝિક કોન્સર્ટ છવાયેલી છે. હજારો અને લાખો લોકો આ કોન્સર્ટ માણતા રહે છે. અમેરિકી નવી પેઢીમાં સદાય સંગીત છવાયેલું રહ્યું છે. આવી મ્યુઝિક કોન્સર્ટ હવે ફેનેટિક- ધુની હૂમલાખોરોનું નિશાન છે. ફ્રાન્સથી શરૃ થયેલું આ સંકટ હવે દુનિયાના તમામ દેશો તરફ આગળ વધી રહ્યું છે.

ગઈકાલે લાસવેગાસના એક રિસોર્ટમાં ગાયક જેસન એલ્ડિનના લાઈવ કાર્યક્રમને અંદાજે ૫૦ હજાર લોકો માણી રહ્યા હતા ત્યારે એકાએક અંધાધૂંધ ગોળીબાર શરૃ થયા અને એક પછી એક ૫૦-૬૦ દર્શકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા જેમાં ૪૦૦થી વધુ દર્શકો ઘાયલ થઈ ગયા. રિસોર્ટમાં ખુલ્લા આકાશ તળે ચાલતા કાર્યક્રમમાં રવિવારની ભાંગતી રાત્રે જ્યારે લોકો મશગુલ હતા ત્યારે એકાએક નજીકની હોટેલના ૩૨મા માળેથી એકધારા ગોળીબાર શરૃ થયા હતા. આતંકવાદના પડછાયામાં ઊભેલા અમેરિકામાં જાહેર કાર્યક્રમો અસલામત થઈ ગયા છે.

અમેરિકી આંતરિક સુરક્ષાના નિયમો ઈ.સ. ૧૯૮૦ના દાયકામાં ઘડાયેલા છે જે હવે ચાલે તેમ નથી. હાઈટેક સિક્યોરીટીના દાવા કરનારા તંત્રો નવા હૂમલા સામે તદ્દન પંગુ દેખાઈ રહ્યા છે અને નાગરિક જીવન તથા તેનો ઉલ્લાસ કાળના સકંજામાં ઝડપાતો રહે છે. પછીથી સરકાર અને સુરક્ષા એજન્સીઓની દોડધામ મચે છે પરંતુ એ પહેલા આક્રમકો પિશાચી સફળતાનો આનંદ ભોગવી લે છે. દહેશતનો માહોલ અને એનો ઘેરાવો જોખમી રીતે વધતો જાય છે.

લાસ વેગાસ એક વિખ્યાત ગ્લોબલ ગેમ્બલિંગ સીટી છે. જુગાર, શોપિંગ અને શાનદાર ખાણીપીણી માટે જાણીતું છે. મનોરંજનનું એ એક વૈશ્ચિક પાટનગર છે. અમેરિકામાં નિવૃત્ત થયા પછી લાસવેગાસમાં પાછલુ જીવન પસાર કરવાની એક ઘેલછા છે.

આ શહેરનું બીજું નામ- સિન સીટી છે, અપરાધોનું રાજનગર! કેટલાક મનોરંજન જે દુનિયામાં અપરાધ ગણાય છે તે અહીં માન્યતા પ્રાપ્ત નિર્દોષ 'ક્રાઈમ'  છે. આખા અમેરિકામાં સૌથી વધુ ચર્ચ પણ આ જ શહેરમાં છે! જેમ અપરાધો વધતા ગયા તેમ દેવળ પણ વધતા ગયા! લાસ વેગાસે હાઈટેક આધુનિક જુગારથી દુનિયાના ભાગ્યરસિયાઓના દિલ જીતી લીધેલા છે. અહીંના કેસિનોમાં જુગાર રમવું એ રંકથી રાય સુધીના સહુની એક તમન્ના હોય છે. અહીં છૂટાછેડા અને આત્મહત્યાનો દર પણ બહુ ઊંચો છે.

ચોતરફ નિત્યલીલા નિત્ય ઉત્સવના મોજાઓ ઉછળતા દેખાય છે. લાસ વેગાસમાં ચાલતા મ્યુઝિક ફેસ્ટિવલની આ છેલ્લી રાત્રિ હતી અને જેસન એલ્ડિનનું કન્ટ્રી મ્યુઝિક ધૂમ મચાવી રહ્યું હતું. કન્ટ્રી મ્યુઝિક એટલે ઈ.સ. ૧૯૨૦ના દાયકાની શરૃઆતના વર્ષોમાં અમેરિકી પ્રજાને પાગલ કરી દેનારો એક સંગીત પ્રવાહ, જેમાં દૂરના ભૂતકાળના યુરોપિયન અને આફ્રિકન લોકસંગીતના સ્વર, સમુદ્ર જેમ ઘૂઘવતા હોય છે.

જેસન એલ્ડિને એમાંથી જ પોતાનું કન્ટ્રી મ્યુઝિક નીપજાવ્યું છે. ગોળીબારો શરૃ થયા કે તુરત જ જેસને પોતાનું પરફોર્મન્સ અટકાવી દીધું હતું તો પણ દર્શકો જાણે કે ફટાકડા ફૂટતા હોય તેમ માનીને ઝૂમતા રહ્યા હતા અને પછી ખ્યાલ આવ્યો ત્યારે નાસભાગની શરૃઆત થઈ હતી. કલ્પનામાં તરબોળ રસિકોને કારમી વાસ્તવિકતાનો એકાએક આંચકા સાથે સામનો કરવાનો આવ્યો.

હૂમલાખોર તરીકે પોલીસે જેને ઠાર માર્યો છે તે સ્ટીફન પેડોક લાસ વેગાસનો જ વતની હતો. ગત મે મહિનામાં ઈસ્લામિક સ્ટેટ દ્વારા પ્રસારિત કરવામાં આવેલા એક વીડિયોમાં લાસ વેગાસ પર 'લોન વુલ્ફ હૂમલો' કરવાની ચેતવણી ઉચ્ચારવામાં આવી હતી અને લાસ વેગાસ પોલીસે વિવિધ કેસિનો અને રિસોર્ટમાં મોક ડ્રિલ જેવી સાવધાની પરેડો પણ યોજી હતી પરંતુ સમય જતાં બધું ઠરી ગયું હતું અને શહેર ફરી મનોરંજક મહેફિલોમાં ડૂબી ગયું હતું.

લોન વુલ્ફ અમેરિકી પોલીસે નીપજાવેલી પરિભાષા છે. એનો અર્થ થાય છે કે વૈચારિક રીતે બહારના આતંકવાદી કોઈ જૂથનું સમર્થન કરનાર એકલદોકલ વ્યક્તિ જ કોઈ જૂથની મદદ વિના પોતાની રીતે જે હૂમલો કરે છે અને ઘાતક આક્રમણકાર નીવડે છે. જાહેરમાં કરવામાં આવતી ખંજરબાજી કે ટોળા પર ટ્રક ચલાવવાની પદ્ધતિ પણ લોન વુલ્ફ એટેક ગણાય છે.

ગત મે મહિનામાં લાસ વેગાસ પર હૂમલો કરવાનો જે વીડિયો ઈસ્લામિક સ્ટેટે તરતો મૂક્યો હતો તેમાં લાસ વેગાસના વિવિધ રિસોર્ટ પણ બતાવવામાં આવ્યા હતા અને સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે અમારા શત્રુઓની અમે સાવ નિકટ છીએ અને તેમના પર હૂમલો કરવો સાવ સરળ છે, અને તેમજ થયું છે. આ પ્રકારના અન્ય એક વિડીયોમાં પણ અમેરિકાના ધમધમતા શહેરો પર હૂમલાઓ કરતા રહેવાની ધમકી ઉચ્ચારવામાં આવી છે.

પ્રાથમિક રીતે એવું લાગે છે કે ફિલિપાઈન્સના ટાપુઓ પર કેટલાક આતંકવાદી સંગઠનોની ગુપ્ત હિલચાલ છે અને અમેરિકા પરના વિવિધ લોન વુલ્ફ હૂમલાની યોજના ત્યાં જ ઘડાય છે. લાસ વેગાસના હૂમલાખોર સાથે એક ફિલિપાઈન સ્ત્રી પણ જોવા મળી હતી પરંતુ તે ભૂગર્ભમાં ઉતરી ગઈ છે અને પોલીસ તેને શોધી રહી છે.

છેલ્લા બે વરસથી આ પ્રકારના પ્રચ્છન્ન હૂમલાખોની ંસંખ્યા વધી ગઈ છે જેમાં નિર્દોષ નાગરિકોની જિંદગી હોમાઈ રહી છે. લાસ વેગાસ એકાએક જ જિંદગીનું જુગારખાનું બની ગયું અને સંખ્યાબંધ લોકો હારી ગયા. લાશવેગાસ, એકાએક લાશ વેગાસ બની ગયું. આ હાર અમેરિકાના સેનાધ્યક્ષ જેવા ચહેરા પરનું નવું કલંક છે. આતંકવાદ કે જે હવે વિવિધ દેશોમાં ત્યાંના વતનીઓના દિમાગને વશ કરીને પોતાના ધાર્યા હૂમલાઓ કરાવે છે તેના આ પરિણામો છે.
 

Tags :