અણઆવડતનો દસ્તાવેજ .
ભાજપના નેતૃત્વની કેન્દ્રની એનડીએ સરકારે ઈ. સ. ૨૦૨૦નું બજેટ રજૂ કર્યું તે એક અજાયબ ભૂલભૂલામણી જેવું અને વન ટુ કા ફોર પ્રણાલિકા પ્રમાણે પ્રજા સાથેની છેતરપિંડી કરનારું છે. આ બજેટ ભાજપની આથક બાબતોની સુવિખ્યાત અણઆવડત, મુંઝવણ, ચાલાકીઓ, બચતશત્રુતા અને સુખવિરોધી મનોવૃત્તિનો એક સંપૂર્ણ દસ્તાવેજ છે. બજેટમાં એકાદ ઉતાવળી ડૂબકી મારનારા પ્રજાજનને પણ સરકારને એમ પૂછવાનું મન થાય કે ભારતના નાગરિક તરીકે અમે સુખી થઈએ એમાં તમને ભાજપને કોઈ પ્રોબ્લેમ છે ? પ્રજાએ ભાજપને સુખ આપ્યું એનું વિપરીત પરિણામ આ બજેટમાં પણ જોવા મળે છે.
પ્રધાન સેવકની સેવા કરવાની આ આકરી રીત ભારતીય કુટુંબ જીવનના અર્થતંત્રને હજુ પણ અઘિક વિચ્છિન્ન કરવાની સર્વ ક્ષમતા ધરાવે છે. નિર્મલા સીતારામનનો આભાર માનવાનું એક જ કારણ છે કે એમણે દેશમાં અરૂણ જેટલીની મરણોત્તર પ્રશંસા થાય એ હદે આ બજેટની રચના કરી. ખરેખર અરૂણ જેટલી, આપણે માનતા હતા એટલા કરૂણ જેટલી ન હતા. તેમનામાં જીવદયા હતી !
બજેટ પહેલા વડાપ્રધાને અને નાણાં પ્રધાને દેશના ટોચના ઉદ્યોગપતિઓ, કોર્પોરેટ વિદ્વાનો અને વિવિધ મહામંડળો સાથે જે મિટિંગો કરી અને જાણે કે ભાજપમાં શ્રવણશીલતા છે એવું દેખાડયું એ તમામ બેઠકો આ બજેટ જોતાં હાસ્યાસ્પદ નીવડી છે. બજેટોત્તર વ્યાખ્યાનોમાં મિસ્ટર મોદી જે ચાર સેક્ટરના પ્રાણોદ્ધારની વાતો કરે છે એ તમામ સેક્ટરમાં બજેટ જાહેર થયા પછી આઘાતનું વાતાવરણ છે. પાંચ ટ્રિલિયન ડોલરના અર્થતંત્રની પુનરાવતત વાતથી હવે કોઈ મુગ્ધ થાય એમ નથી.
કેન્દ્ર સરકાર દેશના નાગરિકોને બચત વિમુખ કરવા પ્રોત્સાહન આપે છે અને એ અમેરિકી અર્થતંત્રની જૂની નીતિની નકલ છે પરંતુ ભારતીય નાગરિકોની માથાદીઠ આવકનો વિચાર કર્યા પછી સરકારે અમેરિકાના પેંગડામાં પગ મૂકવાની જરૂર હતી. બચતને પ્રોત્સાહન ન આપવાથી નાગરિકો ખર્ચ વધારશે એ માન્યતા સરકારની નરી મૂર્ખતા છે. બજેટ જ એવું છે જેનો કુલ સારાંશ એ છે કે જેઓ બચત નહિ કરે અને ખર્ચ વધારશે એવા પરિવારોનો વિનાશ થશે.
આ બજેટે એ વાતની ખાતરી કરાવી છે કે વર્તમાન નાણાં પ્રધાન પાસે કોઈ ચોક્કસ રોડમેપ નથી. દેશમાં આથક મંદીનો માહોલ છે. દેશના વ્યાપાર અને વાણિજ્ય જગતના નાના-મોટા વેપારીઓ અને ઉત્પાદકો તથા નવસાહસિકો ચાતકની જેમ આ વખતે બજેટની રાહ જોતા હતા. આ બજેટે તેઓને નિરાશ કર્યા છે. ભારતીય અર્થતંત્ર ક્યારેય હવે સરકારની દ્રષ્ટિસંપન્નતાનો લાભ મેળવે એમ લાગતું નથી કારણ કે સરકારમાં દ્રષ્ટિ અને દાનત બન્નેનો અભાવ છે. સામાન્ય નાગરિકને કોઈ ફાયદો નથી.
આ સરકારમાં પ્રજાના ધનની ભરપુર લાલસા છે. ધનની ભૂખ ભાંગે એમ નથી. વારંવાર શિક્ષણની વાતો કરશે પણ નવી શિક્ષણ નીતિ વિશે તો ઈ. સ. ૨૦૧૪થી ભાજપ કહે છે કે ટૂંક સમયમાં જ નવી શિક્ષણ નીતિ જાહેર કરીશુ. સરકાર ચલાવવાની અનેક પદ્ધતિમાં એક પ્રથા ગેરીલ્લા પદ્ધતિ છે. એટલે કે અવાર નવાર જુદા જુદા પ્રચારાત્મક મુદ્દાઓ પર હુમલાખોર. નેતાઓના ભાષણો ઘડીક આમ ભાગે તો ઘડીક તેમ. સુગ્રથિતતા અને લક્ષ્યનો નિરંતર અભાવ.
શેર બજાર બજેટના દિવસે ગગડશે એ તો અગાઉથી જ નક્કી હતું. બજેટની આશાએ પસંદગીના શેરોને ઊંચે લઈ જવાની દલાલોની રીંગનીતિને સામાન્ય રોકાણકાર કેમ ઓળખે? છતાં જાણકારોએ જાહેરમાં કહ્યું હતું કે બજેટ પછી તરત બજાર ધોવાઈ જશે અને એમ જ થયું. સરકારે શિક્ષણ ક્ષેત્રમાં સીધા વિદેશી રોકાણને મંજુરી આપવાનો નિર્ણય કર્યો છે. વિદ્યાજગત હવે આટફિશિયલ ઈન્ટેલિજન્સ અને સ્માર્ટ ટેકનોલોજી તરફ છલાંગ લગાવી રહ્યું છે ત્યારે વૈશ્વિક સ્તરના વિદ્યાધામોની દેશને તાતી જરૂરિયાત છે. ઉપરાંત સીધા વિદેશી રોકાણકર્તાઓ દેશને આદર્શ અને નમૂનેદાર શાળા-કોલેજો આપશે. પણ એનું બહુ ઊંચુ મૂલ્ય વાલીઓએ ચૂકવવું પડશે.
કેજરીવાલે સરકારી શાળાઓનું જે રીતે આધુનિકરણ કર્યું અને એના શિક્ષકોને અપગ્રેડ કરવા તાલીમ આપી એવું કામ ભાજપ ન કરી શકે એનો પરોક્ષ એકરાર પણ એજ્યુકેશનલ એફડીઆઈ નીતિમાં છે. બજેટમાં મધ્યમ વર્ગને રાહત મળી હોય એવું દેખાડવા સીતારામને પ્રયત્ન કર્યો છે પરંતુ મધ્યમ વર્ગની રોજીરોટી ને રોજગારી જે ક્ષેત્રોમાંથી આવે છે એ તરફ સરકારે ઉપેક્ષા દાખવી છે. આ બજેટનો બીજો અર્થ એવો છે કે જે ઉદ્યોગો અને લઘુ ઉદ્યોગો નોટબંધીના સમયથી બંધ છે એ બંધ રહેશે. અને ચાલુ થશે તો એના પોતાના પ્રયત્નોથી, સરકાર એમાં ઉદ્દીપક વિભાવ બની શકે એમ નથી કારણ કે ભાજપને ખબર જ નથી કે લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગો એ શું છે? એને માટેનીય જાહેરાતો છે જેનાથી વાસ્તવિક ધરાતલમાં કોઈ ફેર નહિ પડે.