મતદારોના મન કી બાત .
બધા જ રાજકીય પક્ષો એકાએક જ ઉતાવળે ઘોડે ચડીને મત લેવા માટે નીકળી પડયા છે. દરેક પક્ષના વડાઓ પોતાના ઉમેદવારો માટે સર્વવ્યાપક અપીલ કરી રહ્યા છે અને ઉમેદવારો સંબંધિત મતવિસ્તારોમાં હવે રઝળપાટ કરવા લાગ્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે મતદારોની જે જરૂરિયાતો છે એના તરફ કોઈનું ધ્યાન નથી. કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા છે તો એના વિશે કોઈ રાજકીય પક્ષ પાસે કોઈ સ્ટેટમેન્ટ નથી.
કેટલાક લોકો ઝૂંપડપટ્ટીમાં રહે છે, નેતાઓ ત્યાં પણ મત લેવા માટે જાય છે અને દર વખતની જેમ તમને વચન આપે છે કે તેમને માટે નવી વસાહતોનું નિર્માણ થશે. લોકો સાંભળી લે છે, પરંતુ અંદરખાને તો નેતાગણની ભારે મજાક ઉડાવે છે. જો કે કેટલાક નેતાઓ બિચારા હવે જાણી ગયા છે કે તેમનું અવમૂલ્યન થયું છે. તેઓ માઈનસમાં ચાલે છે. એટલે તેઓના ચહેરા પર જે તપ અને તેજ હતા તે સાવ ઝંખવાઈ ગયા છે.
ખરેખર ભારતીય નાગરિકોના જે અગ્રતાક્રમો, સમસ્યાઓ અને પ્રશ્નો છે એના તરફ કોઈ પણ ઉમેદવાર કે કોઈ પણ રાજકીય પક્ષનું ધ્યાન ન હોય એવી પરિસ્થિતિ છે. જેમ જેમ પક્ષ મોટો અને જેમ જેમ એના નેતાઓ મોટા તેમ તેમ એમની ગુલબાંગો વધારે મોટી. દંતકથાઓ અને પરીકથાઓથી ભરચક વ્યાખ્યાનો યુક્ત ચૂંટણી સભાઓ છલકાઇ રહી છે.
ક્યારેક તો આ નેતાઓની વાતો એવી હોય છે કે એમ લાગે કે કહેતા ભી દિવાના ઔર સુનતા ભી દિવાના. એક કુટુંબ છે. ઘરમાં બે કે ત્રણ બાળકો છે. બેએ ભણી લીધું છે અને એક હજુ ભણે છે. જેમણે ભણી લીધું છે એને માટે કોઈ નોકરી નથી અને જે ભણે છે એની નવા સત્રની ફીના પૈસા નથી.
આ પરિસ્થિતિમાં આ પરિવાર નેતાઓના નવા ભાષણોને કઈ રીતે સાંભળશે? અને આવા પરિવારોની સંખ્યા દેશમાં કરોડોની થવા જાય છે. વર્તમાન શાસક પક્ષ કે વિરોધ પક્ષો, કોઈની નજર પરિવાર પર નથી. કામ પૂરું કરીને સાંજે ઘરે આવતા ઘરના મોભીની મનોવ્યથામાં આ દેશનો એક પણ રાજનેતા ભાગ પડાવતો નથી ત્યાં સુધી તેઓ સહુ દુષ્ટ રાજકર્તા અથવા રાજનેતાની વ્યાખ્યામાં સમાવિષ્ટ છે.
અનેક વિસ્તારો એવા છે જ્યાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે ખરું, પણ સપ્તાહમાં એકાદવાર કદાચ ડોક્ટર આવે તો આવે. કેટલાક ડૉક્ટરો તો એવા છે જેમના ચાર્જમાં એકસાથે દસ-બાર ગ્રામ વિસ્તારો છે. ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને બિહારના અરધા ઉપરાંતના ગ્રામીણ વિસ્તારો એવા છે જ્યાં પીવાનું પાણી ભરવા માટે દરરોજ મહિલાઓએ દૂર પગપાળા પ્રવાસ કરવો પડે છે.
આજકાલ આ બધી વાસ્તવિકતાઓ તરફ કોઈને ધ્યાન આપવામાં રસ નથી જ્યારે કે આજના ભારતના આ જ મુખ્ય પ્રશ્નો છે. આપણા રાજકીય પક્ષો મૂળભુત મુદ્દાઓથી નાગરિકોને કોઈક નવી સહેલગાહ પર લઈ જવાની કોશિશ કરે છે. તેઓ કેટલી હદે મતદારોને મૂર્ખ બનાવે છે તે તો સહુ જાણે છે પરંતુ હવે તેઓની આ કળાની નવી આવૃત્તિ એટલે કે અપડેટેડ વર્ઝન પ્રસ્તુત થવા લાગ્યા છે. દુઃખી પ્રજા પ્રત્યે નેતાઓની દયાહીનતાની આ પરાકાા છે.
કેટલાક લોકો હજુ પણ લોકશાહી અને સરમુખત્યારશાહી વચ્ચેના તફાવતના મુદ્દાઓ તૈયાર કરવામાં વ્યસ્ત છે ત્યારે ભારતીય નાગરિક તેના ઉંબરે રઝળતા પ્રશ્નોની વચ્ચે અટવાયેલો છે. એને એમાંથી બહાર લાવવાનું કામ કરવા માટે દેશનો એક પણ રાજકીય પક્ષ તૈયાર હોય એવું દેખાતું નથી. બીજી રીતે જુઓ તો લોકો સાથે વાત કરવાના મુદ્દા હવે નેતાઓ પાસે નથી.
કારણ કે નેતાઓ ખુદ જાણે છે કે તેઓ જે વાત કરે છે તેમાં હવે વજન રહ્યું નથી. તેઓને આ મોસમમાં મતદારો સાથે ફૂલલેન્થ વાતો કરવી છે પણ પોતાના મનની વાત જ કહેવી છે. મતદારોના મન કી બાત કોઈને સાંભળવી નથી. ભારતીય નાગરિકો દુનિયાના અન્ય દેશોની પ્રજાની તુલનામાં જુહૃદયી નાગરિકો છે. એમના વિશુદ્ધ માનવીય સંવેદનો સાથે રાજપુરુષોએ બહુ રમત કરી છે. એ રમત હવે અટકે તોય બહુ છે.
પ્રાદેશિક પક્ષોનો આપણે ત્યાં કાફલો ઘણો મોટો છે. તેઓ હજુ પણ પોતાના પ્રદેશની સંસ્કૃતિ અસ્મિતા અને આગવી ઓળખના નામે નાગરિકો પાસેથી મત આંચકી લઈ શકે છે. આ પ્રાદેશિક પક્ષોની પ્રચાર વિદ્યા મુખ્યત્વે પડોશી રાજ્યો અંગે ઘોર ટીકા કરવામાંથી જન્મે છે. ભારતમાં ધર્મ અને જાતિના બહાને વૈમનસ્ય ફેલાવવા માટે ભલે ભાજપ-કોંગ્રેસને દોષ દેવામાં આવતા હોય, પરંતુ ભારતીયતાને જેટલું નુકસાન પ્રાદેશિક પક્ષો કરે છે એટલું રાષ્ટ્રીય પક્ષો કરતા નથી.
કારણ કે રાષ્ટ્રીય પક્ષો પોતાના પ્રચારમાં જે કંઈ વાત કરે છે તેમાં અનિવાર્ય રીતે અને એમના સ્વાર્થ કાજે પણ અખંડ ભારત જ આવે છે. આજકાલ પૂર્વાેત્તર ભારત, ઉત્તર પ્રદેશ, બિહાર, ઓરિસ્સા અને દક્ષિણ ભારતમાં જે જે પ્રાદેશિક પક્ષોએ પોતાની તાકાતનો પરિચય આપ્યો છે અને હજુ આપી રહ્યા છે તે તમામ પ્રાદેશિક પક્ષોના રાજનેતાઓ ભવિષ્યમાં અખંડ ભારત સામેના મોટા પ્રશ્ન તરીકે બહાર આવવાની સંભાવના છે.
અને આ વખતના ચૂંટણીપ્રચારના તેમના વ્યાખ્યાનોમાંથી એનો આગોતરો અણસાર મળે છે. લોકસભાની આ વખતની ચૂંટણીમાં બે પ્રકારના મતદારો છે - એક મતદારો અખંડ ભારતના છે અને બીજા મતદારો કે જેમને તેમના પ્રાદેશિક નેતાઓએ કૂપમંડૂક બનાવ્યા છે તેઓ છે. તેઓ પ્રાદેશિકતા ધરાવતા મતદારો છે.