ફાઇનાન્સિયલ કોરોના .
બજારની હાલત જેફરી આર્ચરની વાર્તા ટ્વીસ્ટ ઈન ધ ટેલ જેવી થઈ ગઈ છે. એક તો મંદીનો લાંબો રાઉન્ડ છેક નોટબંધીથી ચાલ્યો આવે છે. એ મંદીમાં કેન્દ્ર સરકારે વધારાના અનેક છબરડાઓ ચાલુ રાખતા અગાઉના પ્રાસંગિક આઘાત હવે નબળા અર્થકારણના વિકરાળ સ્વરૂપે દેખાવા લાગ્યા છે. સરકાર જાણે છે કે એમની જ વિધવિધ ભૂલોના આ સરવાળાને કારણે બજારમાં સન્નાટો છે. શેર બજારે અગાઉ બે વખત રોકાણકારોના ત્રણ-ત્રણ લાખ કરોડનું ધોવાણ કરેલું છે અને એમાંથી બજાર ઊંચી આવે એ પહેલા જ વધુ છ લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થઈ ગયું છે. આ. આ હાલત અમેરિકન શેર બજારમાં પણ છે. કોરોનાનો ભય હવે બજારને પીડા આપી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય નાણાં બજાર અને શેર બજારમાં હજુ કેટલાક નવા આંચકા આવવાની દહેશત જોઈને ભારતીય રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને ભારત સરકારને જે સલાહ આપી છે એનો એક અર્થ એ છે કે સરકારનું હજુ નહિવત્ ધ્યાન કોરોના તરફ છે.
રઘુરામ રાજને કહ્યું કે બધા કામ પડતા મૂકીને બજારને કોરોના સામે અભય વચન આપો જેથી ઉત્પાદકો, વિક્રેતાઓ અને રોકાણકારોમાં આત્મવિશ્વાસ પ્રગટે. બજાર અત્યારે નાણાં ફસાઈ ન જાય એની વધુ પડતી સાવચેતીમાં છે. ઉપરાંત ભયને કારણે પ્રલયકારી વેચવાલી નીકળે છે. નુકસાન ઘટાડવા - કટ લોસના મોહમાં નાસભાગ મચે છે અને ભાવો પહાડ પરથી પડતા પથ્થરની જેમ ગગડે છે. સરકાર દ્વારા ખર્ચ વધારવાનો ફાયદો મળશે અને તેજીને સક્રિય થવામાં મોટી મદદ ભલે મળશે પરંતુ સરકારનું મુખ્ય લક્ષ્ય તો લોકોને એ સમજાવવામાં હોવું જોઈએ કે કોરોના પર કાબૂ પ્રાપ્ત કરી લેવામાં આવ્યો છે અને ભારત સરકાર કોઈ પણ નવા અનૈચ્છિક અનારોગ્ય સામે લડવા માટે સંપૂર્ણ સજ્જ છે. કંપનીઓ અને લોકોને ગળે આ વાત ઉતારવી જરૂરી છે એમ રાજન માને છે. કારણ કે લોકોમાં આ પ્રકારનો વિશ્વાસ જન્માવવો એ રિઝર્વ બેન્કનું કામ નથી.
કેન્દ્રના નાણાં પ્રધાન નિર્મલા સીતારામને સાત પગલા આકાશમાં જેવા સાત કારણો આપીને અર્થતંત્રમાં વિકાસલક્ષી ગતિશીલતા આવી હોવાની જે વારતા લોકસભામાં કહી એ સાંભળવામાં તો મીઠી લાગે પણ વાસ્તવિકતાથી દૂર છે. તેઓ તેમની ગણતરી પ્રમાણે સાચા ઉતરે એવી આશા રખાય પણ સરકાર આજકાલ હકીકતોને રંગરોગાન કરીને જે રીતે ચોગાનમાં મૂકે છે એ બધું સીધેસીધું તો હવે કોઈ સ્વીકારે નહિ. ભાજપના ચાહકો પણ ભાજપની દરેક વાત સો ગળણે ગાળીને પછી જ ગળે ઉતારતા થયા છે. રઘુરામ રાજને સ્પષ્ટ કહ્યું કે અત્યારે લોકો એવું આશ્વાસન ઝંખે છે કે કોરોના વાયરસ તેમને નુકસાન નહિ કરે એટલો ચાંપતો બંદોબસ્ત એટલે કે રોગપ્રતિકારક વ્યવસ્થાતંત્ર સરકાર પાસે છે. કોરોનાના ભયને કારણે ભારતમાં માંસાહારી ખાદ્ય પદાર્થો સિત્તેર ટકા સસ્તા થયા છે અને નોન-વેજ હોટેલ અને રેસ્ટોરન્ટમાં પગ મૂકતા લોકો ગભરાય છે.
દુનિયામાં શાકાહારનો પ્રચાર જેટલો કોરોનાને કર્યો એટલો તો કોઈ કરી શક્યું નથી. દરરોજ સવાર પડે છે ને વધુ અમુક લાખ લોકો માંસાહાર છોડવાની પ્રતિજ્ઞાા લેવા લાગ્યા છે. વિશ્વના વિવિધ દેશોના અનેક પરિવારોમાં એમના મોભીઓએ માંસાહાર પ્રતિબંધનો હુકમ ફરમાવી દીધો છે. લોકો સ્વયમેવ માંસાહારને ધિક્કારવા લાગ્યા છે. પરંતુ આ તો સ્મશાન વૈરાગ્ય જેવી પ્રાસંગિકતા જ હોઈ શકે. કોરોનામાં સાક્ષાત જીવનાન્ત જોવા લાગેલા લોકો ફફડીને શાકાહારના શરણે થઈ રહ્યા છે અને એ કેટલો સમય ટકે એ ભવિષ્ય જ કહી શકે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ તો કહ્યું જ છે કે શાકાહારી લોકો માટે કોરોનાથી બચવાનું, માંસાહારીઓની તુલનાએ આસાન છે. રઘુરામે ભારત સરકારને કહ્યું કે તમે માત્ર કોરોના નિયંત્રણ પર ધ્યાન આપો અને અર્ર્થવ્યવસ્થાના ગ્રોથની વાતો સાઈડમાં રાખવી જોઈએ. બેન્ક ઑફ અમેરિકાના અર્થશાસ્ત્રીઓએ જાહેર કરેલા નવા અહેવાલ પ્રમાણે આ વરસે વૈશ્વિક અર્થતંત્ર ઈ. સ. ૨૦૦૮ પછી પહેલીવાર ભીષણ સંકટોનો સામનો કરે છે. વૈશ્વિક વિકાસદર ૨.૮ ટકાથી બહુ આગળ જઈ શકે એમ નથી જે ઈ. સ. ૨૦૦૯ પછીનો સૌથી નીચો વિકાસદર છે. વિશ્વભરના શેરબજારો ફાઇનાન્સિયલ કોરોનાના પડછાયામાં આવી ગયા છે.
ભારત હજુ ચીનના પતનને કારણે આંતરરાષ્ટ્રીય મોરચે નિકાસ સહિતના આર્થિક લાભ લેવાના હસીન સપનાઓમાં તણાયે જાય છે પરંતુ ચીની ઉત્પાદનો ભારતની નસેનસમાં પ્રવેશી ગયેલા છે અને એનું રિપ્લેસમેન્ટ ભારતને મોંઘુ પડવાનું છે. સરકાર હજુ સુધી ડિમાન્ડ વધારવાના પગલા લઈ શકી નથી. કેન્દ્રના આ વખતના બજેટમાં છેક પબ્લિક પ્રોવિડન્ટ ફંડ સુધીના કરકપાત પ્રોત્સાહનોનો છેદ ઉડાડી દેવામાં આવ્યો છે. આમ પણ મોદી સરકાર પહેલેથી જ બચતશત્રુ છે. કેન્દ્ર એવી મૂર્ખતાપૂર્ણ માન્યતામાં રાચે છે કે બચતો પ્રત્યે નકારાત્મક વલણ રાખવાથી પ્રજાનો ખર્ચ વધશે. હકીકતમાં બચત ન કરનારાઓ કદી ખર્ચ કરી શકતા નથી. અર્થશાસ્ત્ર વિષયક અજ્ઞાાન ભાજપની દરેક નીતિઓને પ્રભાવિત કરીને દેશમાં એક રીતે તો ઈકોનોમિક ડિસ-ઓર્ડર ઊભો કરે છે અને સમજ્યા વિના કેન્દ્ર એનું પુનરાવર્તન કરે છે. છેલ્લા એક જ સપ્તાહમાં દુનિયા બજાર પર અવિશ્વાસ રાખતી થઈ છે. આજે સોમવારથી ઊઘડતી બજારે જો સુધારાની હવા જોવા નહિ મળે તો હજુ વધુ ધોવાણની દહેશત રહે છે. કોરોના અને શેરબજાર બન્ને વચ્ચે જાણે કે સ્પર્ધા છે કે કોની મારકક્ષમતા વધારે છે !