સરકારી મિશન વિદ્યા
આખરે પ્રાથમિક શાળાઓના શિક્ષણના સ્તરમાં આવેલા પતન તરફ રાજ્ય સરકારનું ધ્યાન જતાં પ્રાસંગિક ઉપચારાત્મક પ્રયોગોની શરૃઆત થઈ છે. પ્રાથમિક પાર કરીને હાઈસ્કૂલમાં આવતા વિદ્યાર્થીઓના શૈક્ષણિક સ્તર સામેની આચાર્યોની ફરિયાદો જુગજૂની છે. ધોરણ-૧૦ના પરિણામો દર વરસે આ સ્થિતિનો પ્રતિઘોષ આપે છે. લાખો વિદ્યાર્થીઓ માતૃભાષા અને ગણિતમાં નાપાસ થતા રહ્યા છે. તા. ૨૬ જુલાઈથી ૩૧ ઓગસ્ટ સુધી ચાલનારા આ મિશન વિદ્યા કાર્યક્રમમાં શાળાઓ સક્રિય થઈ છે. આપણે ત્યાં હજારો શિક્ષકો એવા છે કે જેઓ ગણિતનો એક દાખલો પણ જાણતા નથી અને જોડણી કે લિપિ વિશેની શિક્ષકોની સજ્જતા પણ મર્યાદિત છે. વળી જેઓ જાણતા હોય એમની નિષ્ઠા-દાનતનો પણ સવાલ છે.
શિક્ષકોએ તેમની જિંદગીમાં શું કર્મ કર્યું છે એ જાણવું હોય તો તેમના સંતાનોની દશા, અવદશા કે મહાદશા જોવી પડે. જેમણે પોતાના વિદ્યાર્થીઓને દિલથી ભણાવ્યા-ગણાવ્યા નથી તેવા તમામ શિક્ષકોના સંતાનો આ સંસારમાં ગોથા ખાતા જોવા મળે છે. અને જેમણે પોતાના વિદ્યાર્થી દ્વારા વાલીઓની આંખમાં પ્રસન્નતા છલકાવી છે તે શિક્ષકો લીલી વાડીના સંયુક્ત પરિવાર વચ્ચે ભરપુર સુખમાં મહાલે છે. શિક્ષણ, ચારિત્ર્ય અને ધર્મ આ ત્રણ બાબતોમાં તો કર્મનો સિદ્ધાન્ત સીધો જ પરિણામ ચમકાવે છે.
શિક્ષકો શાળાઓમાં કામ કરતા નથી એવું હવે કહી શકાય નહિ. કારણ કે એક તો તેઓ પર કાર્યભારણ જ અધિક છે. ઉપરાંત નવી પેઢીના ટેટ પરીક્ષાનું ટેટિંગ - બેટિંગ કરીને આવેલા નવયુવાન ગુરુજનોને પોતાને અનુભવ છે કે માણસ જાતની જિંદગી સાથે રમત કરી શકાય નહિ. શાળા-ભાવિ જિંદગીની સર્વ સુખાકારીના નિર્માણ માટેનું ગંભીર સ્થાનક છે, એ કોઈ બાળ ઉછેર કે સમય પસાર કેન્દ્ર નથી. તેમને શિક્ષકની નોકરીની કિંમત છે.
રાજ્ય સરકારે ધોરણ ૬ થી ૮ના વિદ્યાર્થીઓ માટે આ મિશન વિદ્યા નામક જે એક માસિક નવી ઝુંબેશ ઉપાડી છે તેના વિશે નવનિયુક્ત એવા રાજ્યના શિક્ષણ સચિવ સ્વયં કહે છે કે માત્ર આટલું કરવાથી શું થશે ? એટલે કે તેઓ જાણે છે કે આ પ્રયાસો સ્તુત્ય હોવા છતાં અધૂરા છે અને એ દિશામાં હજુ વધુ કામ કરવાનું રહે છે. આપણે સહુ જે દેશી હિસાબ ભણીને મોટા થયા છીએ એના પર મિશન વિદ્યામાં પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે, એ નવાઈની વાત છે. કારણ કે દેશી હિસાબ તો સંસારની વ્યાવહારિક - ગાણિતિક સમજણની મૂળ ધારા છે, બુનિયાદ છે. સરકારને લાગે છે કે એનાથી ગોખણપટ્ટીને પ્રોત્સાહન મળે છે. પરંતુ દેશી હિસાબની પુસ્તિકાઓ વિના શાળાઓને ચાલવાનું નથી.
એ જ રીતે જોઈ-જોઈને લખવા પર પણ પ્રતિબંધ દાખલ કરવામાં આવ્યો છે. શ્રુત લેખનનો મહિમા વધારવામાં આવ્યો છે. શિક્ષકો બોલે અને વિદ્યાર્થી એ પ્રમાણે લખે તો જ વાણીના લિપિગત સ્વરૃપો તેઓને આત્મસાત થાય એ થિયરી પર આ પ્રોજેક્ટમાં કામ શરૃ થયું છે. શાળાઓમાં વિદ્યાર્થીઓ આવે કે તુરત પહેલી એક કલાક આ કાર્યક્રમ ચાલે છે અને પછી પ્રાર્થના યોજાય છે. છેલ્લે પણ મિશન વિદ્યા માટે એક કલાક વધારાની ફાળવવામાં આવે છે. ગુજરાતી ભાષા સમૃદ્ધિ સપ્તસિંધુ જેવી છે અને વાણીના પ્રભાવથી લોકો ક્યાંથી ક્યાં સુધી પહોંચ્યા છે એના એક શોધવા જાઓ તો હજાર દ્રષ્ટાન્તો ગુજરાતી પ્રજા પાસે છે.
અંગત અને વ્યાવસાયિક જીવનમાં ભાષામાં સચ્ચાઈનો રણકો કેવી જાદુગરી છે એના ઉદાહરણો પણ છેક સ્વાતંત્ર્યકાળથી આજ સુધી આપણી પ્રજા પાસે છે. વાસ્તવમાં અલ્પ ભાષાપ્રીતિ જ આગળ જતાં અલ્પ વાંચનમાં પરિણમે છે જે વિદ્યાર્થીને વિદ્યાથી વિમુખ કરે છે. સંસારના સર્વ રસમાં વાંચનરસનું જે માધુર્ય છે એનો શાળાના વરસોમાં વિદ્યાર્થીને પરિચય થવો જરૃરી છે પછી ભલે પુખ્તવયે તે વાંચે કે ન વાંચે !
નવી પેઢી સમયના વિભાજનમાં ગોથું ખાઈ ગયેલી છે. જેમાં ઓછો સમય આપવાનો છે તેમાં વધુ અને વધુ સમય આપવો જ પડે તેમાં ઓછો એવો વિપરીત ક્રમ દેખાય છે, અને પરિણામો એના જ બહાર આવે છે. ટેકનિકલ અને અન્ય ઉચ્ચતમ વિદ્યાશાખાઓ નિષ્ફળ દેખાવાના કારણો તેમાંના વિદ્યાર્થીઓ છે, એ વિદ્યાશાખા નથી. શાળાઓની લાયબ્રેરી એકાદ કબાટમાં પૂરી થઈ જતી હોય છે. અને એ પુસ્તકો પણ સરકારી યોજનાનો લાભ લેવા છેલ્લી ઘડીએ લગભગ વિક્રેતાની પસંદગીના જ પુસ્તકો હોય છે.
વાંચન, પૂરક વાંચન કે સંદર્ભ વાંચનની દુનિયા તો એ કબાટે જોઈ જ હોતી નથી, તો પછી સંશોધન માટેના ઈતર વાંચનના દરિયા સુધી પહોંચવાની તો વાત જ ક્યાં ? આત્મસંશોધન વૃત્તિ વિના વિદ્યાર્થીના જ્ઞાાનકોશ અને જ્ઞાાનકોષ બન્ને સક્રિય થતા નથી. આજકાલ સેન્સ ઓફ ઈનોવેશન દરેક જોબ કે ઉદ્યોગ અથવા સ્વતંત્ર વ્યવસાયમાં અનિવાર્ય છે, જો નવી પેઢીના અને તેય પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓમાં એ અભિગમ નહિ વિકસે તો જે ઝડપથી શહેરો છલકાયા છે તે જ પદ્ધતિએ એ ખાલી પણ થશે. અત્યારે જ વિવિધ આર્થિક તકલીફો અને વધતા ખર્ચને ઘટાડવા કેટલાક પરિવારો મોટા શહેરો છોડીને નાના સેન્ટરો તરફ પાછા ફર્યા છે. આ એક જોખમી ટ્રેન્ડ છે. અને એના મુખ્ય કારણમાં માર્કશિટના ટકા અને રિયલ નોલેજ વચ્ચેની ઊંડી ખાઈ છે. મિશન વિદ્યા તો આજ છે ને કાલ નહિ ! પરંતુ શિક્ષકોનું તો આજીવન એ જ મિશન છે !