શ્રીલંકન નૌકાદળ રોગગ્રસ્ત : લંકા ટાપુ દેશ છે
- શ્રીલંકાના જંગલોની દુનિયા સાવ અલગ છે
લંકા ટાપુ દેશ છે. સમુદ્રથી ઘેરાયેલા આ એકલા અટૂલા દેશનું રાજકારણ અને અર્થકારણ આગવું છે. શ્રીલંકાના આર્મી ચિફ શાવેન્દ્ર સિલ્વા છે જે લંકાની કોરોના વાયરસ સામે નિમાયેલી લડત સમિતિના અધ્યક્ષ છે. મંગળવારે જનરલે કહેલું કે તે દેશમાં ગઈ કાલે એક જ દિવસમાં તેત્રીસ જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાંથી એકત્રીસ તો નૌસૈનિક છે જે વલીસરા કેમ્પ સાથે જોડાયેલા હતા. બીજા બે પોઝિટિવ કેસ આ સૈનિકોના સંપર્કમાં આવ્યા હતા. વેલીસરા કેમ્પ શ્રીલંકન રાજધાની કોલંબો પાસે સ્થાપિત છે. કોરોના ઇન્ફેક્શન એ જ વિસ્તારમાંથી બધે પ્રસર્યો છે. આ નૌસૈનિકોને એ સમયે ઇન્ફેક્શન લાગ્યું જ્યારે તેઓ ડ્રગ્સ પાર્ટી ઉપર રેઇડ પાડી હતી. ડ્રગ્સના બંધાણીઓ વાયરસથી ચેપગ્રસ્ત હતા. રેઇડ પાડયા પછી સૈનિકો વતન પરત ફર્યા. ત્યાંથી વાયરસ બધે ફેલાયો.
શ્રીલંકાના જંગલોની દુનિયા સાવ અલગ છે. રાત પડે એટલે એ જંગલોનો કેટલોક ભાગ નશાખોરોનું સ્વર્ગ બની જાય છે. એક જમાનામાં જે હાલત ઈન્ડોનેશિયાના ગુપ્ત અને નિર્જન ટાપુઓની હતી એ દશા લંકન દરિયા કિનારાની થઈ શકે છે. રાતના અંધકારમાં લંકાની દરિયાઈ સરહદો નકશામાં દેખાય છે એવી સુગમ નથી. એ ઘણી જ ભેદી અને આંટીઘૂંટી ધરાવે છે. તામિલ ટાઈગરોએ એ ભૌગોલિક આંટીઘૂંટીનો ભરપુર લાભ લીધો હતો. હવે જંગલોમાં ડ્રગ માફિયાઓનું સામ્રાજ્ય છે. જનરલ સિલ્વાએ કહ્યું કે માર્ચથી ૭૫૨ જેટલા પોઝિટિવ કેસ આખા શ્રીલંકામાં નોંધાયા હતા. દેશ નાનો છે અને તેની વસ્તીગીચતા પ્રમાણમાં સારી છે. એટલે મુંબઇના ધારાવી જેવી સ્થિતિ શ્રીલંકાની છે. માટે ત્યાં વાયરસ વધુ લોકોને પોતાનો શિકાર બનાવશે તે શક્ય છે.
શ્રીલંકાની આથક સ્થિતિ સારી નથી અને તેનું આરોગ્ય ખાતું પણ નબળું છે. આર્મી ચિફે કહ્યું કે આ સૈનિકોના કુલ મળીને ૧૦૦૮ જેટલા મિત્રો અને સંબંધીઓને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. કોરોનાને કારણે લંકાની ધરતીમાં મૃતકોની સંખ્યા વધતી જાય છે. પહેલું મૃત્યુ થયું તે બોતેર વર્ષીય વૃદ્ધ મહિલાનું હતું જે શ્રીલંકામાં ઉત્તર-પશ્ચિમ કુરૂંગેલા વિસ્તારમાં રહેતી હતી. એ સ્ત્રી પણ સૈનિકોના સંપર્કમાં આવી હતી અને એક સૈનિકની સંબંધી હતી. લંકન રાષ્ટ્રપતિ રાજપક્ષેએ હમણાં બિનજોડાણવાદી દેશોની ઓનલાઈન સમિટમાં કહ્યું કે ફક્ત ૩% કીટ જ પોઝિટિવ રિઝલ્ટ આપે છે અને વાયરસથી મોતનો રેશિયો શ્રીલંકામાં ૧% કરતાં પણ ઓછો છે. જો કે આ આશ્વાસન તેઓ અમસ્તા જ પોતાને આપતા હોય એવું છે. ગઈકાલે પણ વધુ નૌસૈનિકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
ચીનાઓની પણ શ્રીલંકન બંદરો પર અવરજવર રહે છે. ચીને કરોડો ડોલરનું રોકાણ અહીં પણ કરેલું છે. ચીન અહીં પોતાના કેટલાક નવા ઉત્પાદન યુનિટો સ્થાપવાની ફિરાક છે. મેઈડ ઈન શ્રીલંકાનો સિક્કો મારી ચીની ઉત્પાદનો અહીંથી રવાના થશે. ચીને આવી યોજના નાઈજીરિયા અને ઘાના માટે પણ તૈયાર કરી છે. વડાપ્રધાન મોદીએ રાજપક્ષે સાથે બે-ત્રણ મુલાકાતો યોજીને લંકાને ચીન તરફ વધુ ઢળતા અટકાવી. પરંતુ એમના એ ફ્રેમવર્કના મૂળ ડિઝાઈનર પૂર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજની ગેરહાજરી હવે તેઓને ખટકે છે. એટલે અત્યારે ભારત સરકારના લંકા સાથેના સંબંધો મધ્યમ મધ્યમ છે. લંકાના ચિત્તનું પણ ઠેકાણું નથી. ઘડીક આમ દડે તો ઘડીક તેમ. ચીન પાસે વેડફી નાંખવા માટેના કબજો ડોલર છે. અને લંકાના પેટમાં ડોલરની વિકરાળ ભૂખ છે.
એટલે અલ્પસહાય કરનારા ભારત સાથે લંકા કેટલોક સમય રહેશે એ પ્રશ્ન છે. નેપાળની જેમ જ લંકા આખરે ચીન તરફ માથું ઢાળશે એવી આગાહી વર્લ્ડવૉચ સંસ્થાએ કરી છે. ચીની ડોક્ટરોનો એક કાફલો ગઈકાલે કોલંબો પહોંચ્યો છે. એ તો ચીનનો નિયમ જ છે કે દરેક પ્રતિનિધિ મંડળમાં ઓછામાં ઓછા બે તો જાસૂસ હોય છે. એ રીતે કોરોના સામેની લડતમાં લંકાના નૌકાદળને મદદ કરવા આવેલા આ ડૉક્ટરોની ટીમમાં ચીની જાસૂસો પણ હોય જ. કોરોનાને કારણે જે નાના દેશો ઈતર પ્રકારના ઉપસંકટોમાં ફસાવાના છે તેનો આ નમૂનો છે. કોરોના લંકાને છોડી દેશે પછી પણ ડૉક્ટરના સ્વાંગમાં પેલા જાસૂસો લંકાનો કાંઠો અને કાંઠલો બેય નહિ છોડે. અનેક પ્રકારના સંયુક્ત દુર્ભાગ્યનું એક નામ હોય તો એ છે કોરોના. લંકાને એના અનુભવની હવે અજ્ઞાાતપણે શરૂઆત થઈ છે અને તત્ સંબંધિત સમસ્યાઓથી જ્ઞાાત થવામાં ઘણો સમય વીતી જશે.
લંકાના નૌકાદળ પર સીધો આરોપ ન આવે એટલા માટે જ સમાચાર એવા વહેતા કરવામાં આવ્યા છે કે નશીલા પદાર્થોના વેપારીઓ પર દરોડા પાડવા જતાં નૌકાદળના સૈનિકોને કોરોના લાગુ પડયો છે. જ્યારે કે વાસ્તવિકતા એ છે કે શ્રીલંકાના નૌકાદળના કેટલાક અધિકારીઓ સામે ઘણા લાંબા સમયથી માફિયાઓ સાથેની સાંઠગાંઠના આરોપસહ કેસ ચાલે છે અને તેઓમાંના કેટલાક પદભ્રષ્ટ પણ થઇ ગયા છે. હવે જોવાનું એ રહે છે કે શ્રીલંકાને કોરોના સામે લડવામાં કોણ કેટલી મદદ કરે છે અને લંકન નૌકાદળ પોતાને કઈ રીતે કોરોનાની નાગચૂડમાંથી બચાવે છે.