app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

નોટબંધીની ષષ્ઠ વાર્ષિકી

Updated: Nov 10th, 2022

નોટબંધીની રાષ્ટ્રીય આર્થિક દુર્ઘટનાને છ વરસ પૂરાં થયાં. નોટબંધીમાં નોટ બદલાવવાની હતી. જૂની આપીને નવી લેવાની હતી. પરંતુ પછીથી દેશના કરોડો લોકોના હાથમાં નોટ આવતી જ બંધ થઈ ગઈ. જ્યારે નોટબંધીનું એલાન રિઝર્વ બેન્કના ગવર્નરને બદલે ખુદ વડાપ્રધાને કર્યું ત્યારે એમના મનમાં કોઈ ચોક્કસ ગણિત હતું, જે ખોટું પડયું અને છતાંય તેમણે પોતાના મતદારો પાસે કદી એ કબૂલ્યું પણ નહીં કે નોટબંધીના નિર્ણયમાં તેમણે મોટું ગોથું ખાધું. પ્રજાને પણ એ સમજતાં વાર લાગી કે આ આખો અધ્યાય વાસ્તવમાં ભારત સરકારની ગંભીર ભૂલ હતી. નોટબંધીના શરૂઆતના દિવસોમાં તો જે સામાન્ય નાગરિકો બેન્કો સામે લાઈનમાં ઊભા હતા તેઓ એનડીએ સરકારના વખાણ કરતા હતા. ત્યારે તેઓ જાણતા ન હતા અને ખુદ મોદી પણ જાણતા ન હતા કે આનાં પરિણામો કેવાં ભયંકર આવવાનાં છે. આજે બજારની હાલત જ બધું કહે છે.

છતાં પછીની લોકસભાની ચૂંટણીમાં લોકોએ અગાઉ કરતાં વધુ બેઠકો સાથે મોદીને પુનઃ વડાપ્રધાન બનાવ્યા. એનું કારણ એ છે કે પ્રજા પાસે સમર્થ વિકલ્પો ન હતા. અને આજે પણ જોઈએ એવા વિકલ્પો નથી. એ જ કારણે ભાજપ આખા દેશને એ બતાવવાના પ્રયત્નો કરે છે કે તેઓ અજેય છે. તેમને કોઈ દિલ્હીની ગાદી પરથી ઊભા કરી શકે એમ નથી. આ ધારણા ભાજપ માટે સારી વાત છે, પણ લોકશાહી માટે જોખમરૂપ છે. એવું નથી કે અગાઉ ભારતને આવો અનુભવ નથી. કોંગ્રેસે એના સુવર્ણ યુગમાં ઇન્દિરા ઈઝ ઈન્ડિયા એન્ડ ઈન્ડિયા ઈઝ ઈન્દિરાનો એકાધિકારવાદ ભોગવેલો જ છે. અને કટોકટી એનું જ પરિણામ હતી, પરંતુ ત્યારના નાગરિકોની સમજ અને અત્યારના નાગરિકોની પરિપક્વતા વચ્ચે બહુ તફાવત છે. આજનો નાગરિક સમજણના પ્રદેશમાં વધુ એડવાન્સ્ડ છે.

નિર્મલા સીતારામન એક બુદ્ધિમાન પ્રધાન છે, પરંતુ તેઓનામાં સ્વતંત્ર નિર્ણયની ક્ષમતા નથી. જેવા છે તેવા પણ નીતિન ગડકરી સ્વતંત્ર બુદ્ધિ ધરાવે છે અને એ કારણે જ તેઓ વિવાદમાં આવી જાય છે. ભાજપના કેટલાક આંતરિક રહસ્યો વિશે અને ખોટા નિર્ણયો વિશે નિર્ભયતાપૂર્વક તેઓ વાત કરી શકે છે. સુબ્રમણ્યમ સ્વામીની જેમ હાંસિયામાં ધકેલાઈ ગયા પછી બકબક કરવામાંય થોડી હિંમત જોઈએ, પરંતુ ગડકરીએ તો દુઃસાહસનો રસ્તો લીધેલો છે. દુનિયામાં ચોતરફથી ભારતની આર્થિક પ્રતિષ્ઠાને ઘસારો લાગી રહ્યો છે, પરંતુ ભાજપના નેતૃત્વમાં ચાલતી એનડીએ સરકારનો અગ્રતાક્રમ હજુ પણ દેશનું અર્થતંત્ર નથી. ભાજપ પાસે એના પોતાના અગ્રતાક્રમો છે અને ભાજપના ટોચના નેતાઓ તેમના અભિવર્તન દ્વારા હજુ પણ એમ જ કહેવા ચાહે છે કે હે પ્રજાજનો, પહેલાં અમારે કરવા છે એ કામ અમને કરવા દો, પછી તમે કહેશો એમ કરીશું. પછી એટલે ક્યારે એ રહસ્ય કોઈ જાણતું નથી.

મૂડીઝ સહિતની અનેક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ ભારતનું રેટિંગ ઘટાડયું છે. દુનિયાના અને આર્થિક નિષ્ણાતો અને સલાહકારોએ ભારત વિશે ગંભીર ચેતવણી ઉચ્ચારી છે જેમાં તમામે આ મંદીને ભારત સરકારની 'સેલ્ફ મેઈડ' મંદી કહી છે. રૂપિયા પાંચસો અને એક હજારની ચલણી નોટ રદ કરવા પાછળ મોદી સરકારનો હેતુ કાળુંનાણું ઝડપી પાડવાનો હતો, જે સિદ્ધ ન થયો અને બધી જ નોટો બેન્કિંગના રસ્તે રિઝર્વ બેન્ક પાસે પાછી આવી ગઇ. એક નંબર કરતા બે નંબરનો રૂપિયો વધુ હોશિયાર હોય છે એની સરકારને બહુ મોડી ખબર પડી. નવાઈની વાત એ છે કે એક ગુજરાતી વડાપ્રધાનને બે નંબરની મહાલક્ષ્મીનો વ્યાપાર-મહિમા ખબર ન હોય એ વાત આમ તો નાનકડી છે, પણ દેશ માટે ભારે આઘાતજનક પુરવાર થઈ. નોટબંધી વેળાએ છુટા કરવામાં આવેલા કામદારો-કારીગરો અને કર્મચારીઓમાંથી અનેકાનેક હજુ ઠેકાણે પડયા નથી.

આજકાલ બેન્કિંગ વર્તુળોમાં ચર્ચા ચાલે છે કે બે હજારની નોટનું બહુ લાંબુ આયુષ્ય નથી. એક માન્યતા પ્રમાણે રિઝર્વ બેન્કે રૂપિયા બે હજારની નોટ છાપવાનું હવે સાવ ઓછું કર્યું છે. સરકાર માને છે કે હવે કાળું નાણું બે હજારની નોટમાં સંગ્રહ થવા લાગ્યું છે. જોકે આવી મનઘડંત કલ્પનાઓ કરવાને બદલે રિઝર્વ બેન્કે રાજકીય પક્ષોના નેતાઓને પણ સાંભળવા જોઈએ, કારણ કે કાળા નાણાંની હેરાફેરીનો અનુભવ આ મંદીમાં તો રાજપક્ષોમાં જ બરકરાર રહ્યો છે. હમણાં ગુજરાત-હિમાચલમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓમાં બે નંબરના નાણાંની રેલમછેલ દેખાયા વિના રહેશે નહીં. નોટબંધીને છ વરસ થયા એટલે કેન્દ્ર સરકારે કે રિઝર્વ બેન્કે એ સર્વેક્ષણ કરાવવાની જરૂર છે કે નોટબંધીને કારણે સ્થગિત થયેલા ઉદ્યોગો કેટલા પુનઃ કાર્યાન્વિત થયા ? જો નોટબંધી સફળ નીવડી હોત તો ભાજપે જ એની ભવ્ય ઉજવણી કરી હોત.

Gujarat