Get The App

હાથકડી વગરના બંધનો : એક નવા જ સામુદાયિક સંકટમાં જગત આવી પડયું છે

- જેવું જનજીવન થાળે પડશે કે તરત અગાઉની જેમ જ તે સર્વ પ્રકૃતિ-વિરોધી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત થઈ જવાનો છે

Updated: Apr 28th, 2020

GS TEAM

Google News
Google News
હાથકડી વગરના બંધનો : એક નવા જ સામુદાયિક સંકટમાં જગત આવી પડયું છે 1 - image


દીવા ક્યાંક ઓલવાયા છે ને જગત ઝાંખું પડી રહ્યું છે. કોઈ જગતોદ્ધારક દેખાતો નથી. પહેલા તો દરેક મનુષ્ય પાસે પોતપોતાના દુઃખ હતા, હવે તો દરેક દેશ પાસે પોતાની અશ્રુકથાઓ છે. એક નવા જ સામુદાયિક સંકટમાં જગત આવી પડયું છે. પરંતુ હકીકત એ છે કે આ સંકટ ઓળખાયેલું છે, બાકી સમગ્ર વિશ્વ ન ઓળખાયેલા એવા ઘણા સંકટમાં સમાન રીતે જ આવેલું હોય છે. પર્યાવરણ વિશેની વિગતોથી સહુ પરિચિત છે અને એ પ્રકરણ તો રોગચાળાના પ્રકરણ કરતા હજાર ગણું વધારે ગંભીર છે. મનુષ્યનો ધીરે ધીરે એક સ્વભાવ થતો જાય છે કે ફરજિયાત ન હોય એવી કોઇ ફરજ એણે નિભાવવી જ નથી. વાક્-વિધિની એ વિચિત્રતા પણ જુઓ કે ફરજિયાત શબ્દ પણ ફરજ શબ્દ પરથી જ ઘડાયો છે ! માણસજાતે ભૌતિક બાબતોનો એટલો બધો વધુ પક્ષ લીધો કે એના ગુણસંપુટમાં બહુ મોટી ઘટ આવી. એક સત્ય એ છે કે આદિકાળથી આવા ઉપદ્રવો તો આવતા જ રહેતા હતા પણ માનવ શરીર કદી પાછું પડયું ન હતું.

અત્યારે મનુષ્યનો ખોરાક એટલો અનિયંત્રિત અને આહાર વિજ્ઞાાનથી વિરુદ્ધનો છે કે એનું શરીર જ પાછું પડી રહ્યું છે. શરીરની આંતરિક ઈમ્યુન સહિતની અનેક સિસ્ટમ કામ કરતી બંધ થઈ ગઈ છે. મોબાઈલ ટાવર અને મોબાઈલ ફોનના રેડિયેશન ઉપરાંત એક એવા ટેકનોલોજીકલ જંગલમાં એ ફસાયો છે જ્યાં શરીરની ઘડિયાળ - બોડીક્લોક તરફ તે ધ્યાન આપવાનું જ ચૂકી ગયો છે. માત્ર પ્રકૃતિ તરફ જ નહિ, અનેક તરફની ફરજોમાં પ્રમાદ રાખ્યો છે. ખરેખર તો આપણને સોંપવામાં આવેલા કામ કરતા આપણે કંઈક અધિક કરવું જોઈએ અને આપણી જે ફરજ હોય એ પણ વધારે નિભાવવી જોઈએ, તો જ મનુષ્યત્વ જળવાય. પરંતુ મનુષ્યની ચેતનામાં જે બધિરતા આવી છે, એને કારણે માણસ હમણાં તો પાછો વળે એમ નથી. એમ માનવાને કોઈ કારણ નથી કે કોરોના દ્વારા એને કોઈ બોધપાઠ પ્રાપ્ત થશે. એને કોઈ જ બોધપાઠ લાધવાની સંભાવના નથી. એ તો હતો એવો ને એવો જ રહેવાનો છે.

જેવું જનજીવન થાળે પડશે કે તરત અગાઉની જેમ જ તે સર્વ પ્રકૃતિ-વિરોધી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત થઈ જવાનો છે. કારણ કે દુનિયામાં છેલ્લા પચાસ વરસથી વધતા જતા રોગો, વધતી જતી હોસ્પિટલો અને ખોરાકી અશુદ્ધિઓ કે પ્રદૂષિત જળ એને ભાનમાં લાવી શક્યું નથી. કદાચ એકાદ વર્ષ ચાલે તો પણ આ વર્તમાન રોગચાળો માણસના વર્તનમાં કોઈ ફેરફાર લાવે એવી કોઈ સંભાવના નથી. અત્યાર સુધી મનુષ્યે સદાય ગમતાંનો ગુલાલ કર્યો છે. હવે તો એણે ન ગમતાંનો ગુલાલ કરવો પડશે અને પછી એક ન ગમતી જિંદગી આ પૃથ્વી પર એની પ્રતીક્ષા કરી રહી છે એ એને સમજાશે. કારણ કે રણ વિસ્તરતાં જાય છે, દરિયાની સપાટી વધવાથી કિનારાઓ ડૂબતા જાય છે અને વરસાદ એવો અનિયત છે કે કોઈ કામમાં આવે નહીં. આ બધી જ વિષમતાઓની એને ખબર છે અને છતાં એ તકલીફો એની એકલાની નથી, સામુદાયિક હોવાને કારણે તેની ઉપેક્ષા કરે છે. સમુદ્ર ખાલસા કરીને કરોડો માછલીઓ ગળી ગયા પછી મનુષ્યનું પેટ ખાલી રહ્યું છે. કેટલા બધા કૂણા કાળજાના પંખીઓ અને પ્રાણીઓને મનુષ્ય ઓહિયા કરી ગયો છે.

મનુષ્ય અત્યારે વિમાસણમાં મુકાયેલો છે. ઘરને દ્વાર છે ખરા, પણ એમાંથી ન તો કોઈ બહાર જઈ શકે છે કે ન કોઈ એમાં આવી શકે છે. એટલે કે દ્વાર અને દીવાલ બંનેની વ્યાખ્યા સરખી થઇ ગઇ છે. આવી સ્થિતિમાં તો આદિમાનવ પણ કદી મૂકાયો ન હતો. ગુફાવાસી મનુષ્ય પણ જંગલમાં શિકાર કરવા માટે જવા કે પરિભ્રમણ કરવા માટે મુક્ત હતો. હાથકડી વિનાના બંધનો આજના મનુષ્યનું નસીબ છે અને તો પણ એ સમજતો નથી કે આમ કેમ થયું છે ? પોતાને પ્રાપ્ત થતાં સર્વ પરિણામો માટે મનુષ્ય સદાય બીજાને જવાબદાર માનવાની સદીઓથી ટેવ ધરાવે છે. એટલે કોરોનાને કારણે આત્મનિરીક્ષણનો અધ્યાય શરૂ થાય એમ પણ સંભવ નથી. સહુથી ગંભીર બાબત એ છે કે કાળ બદલાઈ ગયો છે એની હજુ જોઈએ એવી ગંભીરતા માનવજાતિમાં નથી. એનો પૂરેપૂરો લાભ લઈને વાયરસની આગેકૂચ હજુ અટકાવી અટકતી નથી.

ભારતીય સંસ્કૃતિએ છેક વૈદિક કાળથી કહ્યું છે કે આપણા કલ્યાણમાં આપણું કલ્યાણ નથી, પરંતુ સર્વ કલ્યાણમાં જ આપણું કલ્યાણ છે, માટે સહુના કલ્યાણની પ્રાર્થના કરવી અને સામર્થ્ય હોય તો સહુના કલ્યાણની વ્યવસ્થા કરવી. પરંતુ આટલી સુગમ-સરળ વાત બધાને સમજાઈ નહીં. હવે સમજાય છે કે સહુ નિરોગી હશે તો જ હું નિરોગી રહી શકીશ. જો અન્ય રોગ ગ્રસ્ત હશે તો હું પણ એ જ દશામાં મૂકાઈ જઈશ અને હજુ મનુષ્ય પોતે તો સર્વ કલ્યાણની પ્રાર્થના કરતો નથી, એ તો સરકાર છે કે જે સહુના હિત માટે કામ કરે છે. પ્રજા પોતે જ્યાં સુધી બહુજન હિતાય અને બહુજન સુખાય પ્રવૃત્ત ન થાય ત્યાં સુધી એ હિત અને એ સુખ સહુને મળતા નથી. સાર્વત્રિક અને સામુદાયિક તંદુરસ્તી જ હવે વ્યક્તિગત હયાતીનો આધાર છે.

Tags :