નવરાત્રિની તડામાર તૈયારી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રાજ્યમાં નવરાત્રિની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રાત્રિઓના અનેક રૂપથી જિંદગી દૈદીપ્યમાન છે. સર્વ ઋતુમાં રાત્રિની શોભા અલગ-અલગ છે. એમાંય શરદની તો વાત અનોખી છે. એક કન્યાની જેમ રાત્રિ પણ શૃંગાર કરે છે. એકાકાર માટે અંધકાર આ પ્રકૃતિને આરાધ્ય છે. વન ઘટાટોપ થઈ ગયા છે. લીલ્લાંછમ પાંદડાઓ પર ચન્દ્ર કિરણો ઢોળાય છે ત્યારે કોઈ ટેકરીએ ચડીને અધમધરાતે ગીરના જંગલને જુઓ તો આછા રેશમી ઘૂંઘટમાં વનશ્રી જંપી ગયેલી લાગે. ચન્દ્રકિરણોથી ગૂંથાયેલા આછા પાલવમાં પ્રકૃતિ ઢબુરાઈ જાય છે, લપાઈ જાય છે. એમાંય નદી કિનારાના કોઈ સીમસીમાડે ખાટલો ઢાળી ઊંચે આભમાં નજર કરો તો છુટક વેરાયેલી વાદળિયુંની વચ્ચે રમતા રમતા મધ્યાકાશે આવી જતો ચન્દ્ર મધરાતે ઊંઘમાં માતાના હૈયે અથડાતા શિશુ જેવો લાગે.
આકાશમાં શરદ ઋતુના ચડતી કળાના ચન્દ્રનો હવે રવિવારથી પ્રવેશ થશે. ઘણા વરસો પછી શરદ ઋતુને વરસાદમાં ભીંજાવાની વેળા આવી છે. ઋતુઓના ચક્રમાં શરદને ભયાવહ ઘાત તરીકે મુનિજનોએ ગણાવી છે. સોન્દર્યના આરાધકોને તો એ મોહક જ લાગે છે અને સાધકોને આ ઋતુ કસોટીથી વ્યાકુળ કરે છે. શરદના આકરા તડકા સિવાય ધાન્ય પરિશુદ્ધ થતા નથી. આ વખતે ભેજ રહી જવાનો છે. એ આવનારા વરસના આરોગ્ય પરનું જોખમ છે. પ્રાચીન ભારતીય પ્રજાએ દરેક ઋતુ પર જે સૌન્દર્ય વિચાર અને આરોગ્ય વિચાર રજૂ કર્યા છે એ તો જગતે જોટો જડે ન સ્હેજ છે. રાત્રિ માટે મહત્ જીવના ધર્મ વિશ્રામ છે. નિશાચરોના અપવાદ સિવાય સહુને રાત્રિએ બંધનેત્રની જ આજ્ઞા કરેલી છે. આમ પણ ઉજાસનો અભાવ જ નેત્રવિરામ છે. માણસ જાતે આદિકાળે આંખ ખુલ્લી હોય કે બંધ - બેય એક સરખા અનુભવે જ ઝાડને ટેકે ઢળી પડવાનું ધાર્યું હશે.
શાન્ત-પ્રશાન્ત આસન જમાવ્યા વિના અમૃતતુલ્ય રાત્રિરસ અંતઃકરણમાં ન અવતરે. બેસી રહેવું રાતભર એ પ્રથમ ટયુનઈન સ્થિતિ છે. પ્રાચિનકાળમાં ઋષિઓ વનમાં જપતપ કરતા હતા. તેઓ આદિત્ય પૂજક હતા અને ઉજાસના આરાધક હતા તો પણ આ બ્રહ્માણ્ડમાંથી તેમણે જે કંઈ વિશેષ જ્ઞાન પ્રાપ્ત કર્યું એમાંનો મહત્ અંશ તો તેમણે અખંડ રાત પછી રાતના સિલસિલામાંથી ત્પ્રાપ્ત કર્યું હશે. રાતની અસલી ઓળખ વિનાનો કોઈ કલાકાર કે વિદ્વાન હોવો આસાન નથી. રાત સાથે જ દોસ્તી કરીને લોકો રંકમાંથી રાય અને કંકરમાંથી શંકર થયેલા છે. રાત પાસે એની પોતાની જાદુગરી છે. રાત એટલે જ મિસ્ટિરિયસ બ્લેક મેજિક. પરંતુ એ બધા માટે નથી. સામાન્ય લોકોએ તો રાતના કાંઠે કાંઠે જ છબછબિયાં કરીને પોઢી જવાનું હોય છે. યજુર્વેદમાં અહોરાત્ર શબ્દ અનેકવાર આવે છે તે રાતનું આકંઠ પાન કરનારા આદિપુરુષોએ જ ઉચ્ચારેલું છે.
શિવને રાત્રિ પ્રિય છે અને એ એમના દેવાધિદેવ હોવાનું એક કારણ પણ છે. રાત હોય ત્યાં જ તો ચન્દ્રને જિંદગી મળે છે. એટલે જ સંકટ સમયે ચન્દ્ર દોડીને શિવશરણે ગયેલો છે અને શિવ તો ભોળા ભગવાન છે, એમણે શરણે આવેલા ચન્દ્રને મસ્તક પર ધારણ કર્યો છે. પૂર્ણિમાની રાતે ચન્દ્ર જે દરિયાને આભમાં ઉછાળે છે એ જ ચન્દ્ર શિવના મસ્તક પર આસન જમાવીને જટામાંથી વહેતી ગંગાને ધરા પર વહેતી કરે છે. ગંગાને લોકગંગા બનાવે છે. શરદ ઋતુમાં ચન્દ્ર વરસના સર્વશ્રેષ્ઠ સૌન્દર્યને આકાશમાં પ્રવાહિત કરે છે. જ્યારે ચન્દ્ર અપાર શીતળતાનો અમૃતકુંભ લઈ ગગન વિહારે નીકળે છે એને ઘૂંટડે ઘૂંટડે પીવા માટે જ તો અગાસીમાં દૂધના કટોરા આપણે ધરીએ છીએ. ન્હાનાલાલ એટલે જ કહે છે કે ચન્દ્રીએ અમૃત મોકલ્યા બેની, ફૂલડાં કટોરી ગૂંથી લાવ…!
ચન્દ્રની કળાઓ સોળ છે પરંતુ સોળમી કળા તો માત્ર શરદની પૂનમે જ ચન્દ્ર રજૂ કરે છે. એ સોળમી કળા એટલે શું અને કેવો એનો વૈભવ એ જાણવા માટે તો કોઈ ગમતા સાગર કિનારે જ્યાં વારંવાર ઉછળતા મોજાંની છાલક વાગે તેવી ભેખડ પર રાતભર એકાન્તે બેસો તો ખબર પડે, કારણ કે સોળમી કળા નિઃશબ્દ, અદભુત અને અવર્ણનીય હોય છે. એ દરેકના હૈયે નવનવા રૂપે પ્રગટ થાય છે. નવરાત્રિને એનું પોતાનું આગવું સાંસ્કૃતિક અર્થતંત્ર છે. પશ્ચિમ બંગાળમાં પણ દુર્ગાપૂજા મહોત્સવ બજારમાં નવી રોનક લઈ આવે છે. પારાવાર વિષાદને વીસરી જવા ઉત્સવો આમ પ્રજાનું છેલ્લું આશ્વાસન છે.




