પાકિસ્તાનની નવી મૂર્ખતાઓ
- કર્નલ કક્ષાના સેનાધિકારી શહીદ થયા હોય એવું તો પાંચેક વરસ પછી બન્યું છે
દેશની સીમા પર ક્યારેય લોકડાઉન હોય નહીં. આપણાં જવાનોને કોરોના કરતાં ય ખતરનાક લડત લડવી પડતી હોય છે. થોડા સમય પહેલાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં એક કર્નલ અને એક મેજર સહિત પાંચ સુરક્ષા સેનાનીઓ શહીદ થયા હતાં. હમણાં થયેલાં હુમલાઓમાં સેનાને આ સૌથી મોટું નુકસાન થયું છે. કર્નલ કક્ષાના સેનાધિકારી શહીદ થયા હોય એવું તો પાંચેક વરસ પછી બન્યું છે. અલ કાયદાએ ભારતીય મુસ્લિમોને બદનામ કરવાના હેતુથી લગભગ ૨૫૦૦થી વધારે ટ્વીટર એકાઉન્ટ પર શરૂ કરેલી જેહાદી આહવાનની ઝુંબેશ બાદ પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરની સરહદો ફરી સળગતી કરવાની પ્રવૃત્તિ હાથ ધરી છે. એમાં અનેક આતંકવાદીઓનો ખાત્મો તો બોલી જ રહ્યો છે પરંતુ ભારતીય સૈન્યે આ વખતે ઘણું સહન કરવાનું આવ્યું છે.
ગયા વરસે કલમ ૩૭૦ દૂર કરવામાં આવી અને મોટા પાયે સુરક્ષા બળો ખડકી દેવામાં આવ્યા ત્યારે એમ થયેલું કે હવે આતંકી સંગઠનોનો વિશ્વાસ ડગમગી જશે. થોડા સમય માટે એવું લાગ્યું પણ ખરું. પરંતુ જેવી પ્રતિબંધોમાં ઢીલ મૂકવામાં આવી, આતંકવાદીઓની જૂની હરકતોનો સિલસિલો ફરીથી શરૂ થઈ ગયો. તેઓએ ગામડે ગામડે પોતાની ભારત વિરોધી જાળ નવેસરથી પાથરી દીધી છે. ગ્રામીણ પ્રજા પર દબાણથી, ડરથી, ધાક ધમકીઓથી અથવા તો એમને બંધક બનાવીને પણ જરૂરી જાણકારીઓ તેઓ મેળવી લેતા હતા. હંદવાડામાં પણ આતંકવાદીઓએ ગ્રામીણ પ્રજાને બંધક બનાવી હતી. હજુ આજે પણ હુંદવાડાની નજીકમાં વેરવિખેર રીતે આતંકવાદીઓ છુપાયેલા છે. પાકિસ્તાનમાં કોરોનાનો ભીષણ ભરડો છે અને એના નવા ગોડફાધર જેવા ચીને હાથ ઊંચા કરી કોઈ પણ મદદ કરવાનો ઇનકાર કરી દીધો છે. અમેરિકાના કાનમાં પાકિસ્તાનનો અવાજ સાંભળવાની કોઈ વ્યવસ્થા જ હવે નથી. આરબ દેશો પાકિસ્તાનના મિત્ર દેશો છે પણ ત્યાં પેટ્રોલિયમના કૂવાઓ ઝાંઝવાના કૂવાઓ જેવા બની જતાં પાકિસ્તાની રાજદૂતો તરસ્યા હરણની જેમ અખાતી દેશોમાં મદદ માટે ભટકી રહ્યા છે.
જમ્મુ અને કાશ્મીરમાં લોકડાઉન શરૂ થયા પછી આતંકવાદી પ્રવૃત્તિઓમાં વધારો જોવા મળ્યો છે. સેનાને લોકડાઉન પહેલાં જેટલું નુકસાન આખા વર્ષ દરમિયાન થયું હતું એનાથી અનેકગણું નુકસાન લોકડાઉનના આ છેલ્લા ૪૦ દિવસોમાં થયું છે. ભારતીય સુરક્ષા દળોનું અનુમાન તો એવું પણ છે કે આતંકવાદી પ્રવૃતિઓમાં વધારાનું એક કારણ ગરમીની શરૂઆત પણ હોઈ શકે છે. અને એ હકીકત પણ છે કે ગરમીની શરૂઆત થતાં જ એલ.ઓ.સી.ની આજુબાજુમાં રહેલો બરફ પીગળવા લાગે છે. જેનાથી બોર્ડર પરથી ભારતીય હદમાં ઘૂસવામાં સરળતા થઈ જાય છે અને કાશ્મીર પ્રદેશમાં ઉગ્રતા વધી જાય છે. કાશ્મીરમાં સરહદી પ્રાંતોમાં હજુ ફફડાટ છે. જો કે ભારતીય લશ્કરે નવી અનેક ટુકડીઓ તૈનાત કરીને હાલ તો જનજીવન થાળે પાડયું છે છતાં અજંપો છે. હજુ આતંકવાદીઓ સાથે સીધી અથડામણના સંયોગો છે. પાકિસ્તાન સ્વહાનિ અને સ્વવિનાશ માટે નવી નવી મૂર્ખતાઓની અજમાયશ કરી રહ્યું છે.
શિયાળામાં બોર્ડર લાઈન પરથી ઘૂસવા માટેના બધાં રસ્તાઓ બરફથી છવાયેલા રહે છે. ગુપ્તચર સૂચના છે કે લગભગ ૩૦૦ આતંકવાદીઓ એલ.ઓ.સી. પર પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાંથી ભારતમાં ઘૂસવાની પેરવીમાં છે. જેના માટે પાકિસ્તાન યુદ્ધ વિરામના નિયમોનો સતત ભંગ કરે છે. આ વરસે પાછલાં વરસોની તુલનામાં સીઝફાયર તોડવાના કિસ્સામાં પચાસ ટકા કરતાં પણ વધારો જોવા મળ્યો છે. વળી, કોરોનાના બહાને પાકિસ્તાન સરકારે હાફિઝ સૈયદ અને અન્ય કેટલાંય આતંકવાદીઓને જેલમાંથી છોડી મૂક્યા છે. અલકાયદા અત્યારે પાકિસ્તાનનો પાલતુ અને ફાલતુ કુત્તો છે. અલ જવાહિરીએ લાદેનનો વારસો સૌભાળ્યો એને એક યુગ વીતી ગયો છે. એક પછી એક અનેક આતંકવાદીઓને પોતપોતાના કારણોસર રશિયા, અમેરિકા અને ઈઝરાયેલે પૂરા કરી દીધા પછી હવે એક ડમી અલકાયદા કક્ષાના સંગઠનનું પાકિસ્તાની જાસૂસોએ ગઠન કર્યું છે જેના નામે એ ભારતમાં ઉત્પાત મચાવવા ચાહે છે.
ગિલગિટ અને બાલ્ટિસ્તાન ઉપર ભારતની એકધારી નજર છે. હમણાં પાકિસ્તાની અદાલતે ત્યાં બંધારણીય ફેરફાર કરીને સામાન્ય ચૂંટણીઓ કરવાનો હુકમ કર્યો છે જેનો ભારત સરકારે વિરોધ કર્યો છે. પાકિસ્તાન હસ્તકના કાશ્મીર કરતાં આ જુદા જ પ્રકારનો પ્રશ્ન છે. કારણ કે પાક હસ્તકના કાશ્મીરમાં મુખ્યત્વે તો આતંકવાદીઓની છાવણી અને પાક સૈન્યનો પડાવ છે. જ્યારે ગિલગિટ અને બાલ્ટિસ્તાનમાં ધબકતું જનજીવન છે અને એનો એકેએક નાગરિક ભારતમાં સમાવેશ પામવા માટે ઉત્કંઠિત છે. ભારતીય જાસૂસો છાને પગલે ગિલગિટ અને બાલ્ટિસ્તાનને ભારતમાં સમાવેશ કરવાની દિશામાં પ્રવૃત્ત રહ્યા છે અને એમાં કોઈ ચોક્કસ પરિણામ આવે એ પહેલા પાકિસ્તાને ત્યાં ચૂંટણીઓ કરાવવાનો અને એ દ્વારા કૌભાંડ આચરીને પોતાની કઠપૂતળીઓ બેસાડવાનો વ્યૂહ ઘડયો છે. પાકિસ્તાન છેલ્લા આતંકવાદી હૂમલાઓ દ્વારા ભારતને યુદ્ધ માટે નોંતરતું હોય એવી પરિસ્થિતિ છે. જ્યારે કે વાસ્તવિકતા એ છે કે પાકિસ્તાન અંદરથી સંપૂર્ણ પતન પામી ગયું છે. કોઈ યુદ્ધને તે પહોંચીવળે એમ નથી. ઈમરાન ખાને ધામક રૂઢિવાદી નેતાઓને પરદા પાછળથી એટલું બધું પ્રોત્સાહન આપ્યું છે કે પાકિસ્તાનના દરેક લાઉડ સ્પીકરોમાં અઢારમી સદીના આરબ દેશોના આદેશો સાંભળવા મળે છે.