ફિલ્મયુગનો ઈન્ટરવલ .
હિન્દી ફિલ્મોનો સમય તો સારો ચાલી રહ્યો છે પણ એના કપરા કાળના મંડાણ થઈ ચુક્યા છે. એક સમય હતો જ્યારે હિન્દી ફિલ્મો શહેનશાહના ઠાઠમાં કે રાજાપાઠમાં હતી, અત્યારે એની હાલત વિશાળ દરબારના કોઈ નાના દિવાન જેવી છે. છેલ્લા દસેક વર્ષથી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સો કરોડ નામનું ભૂત વળગેલું છે. આ એક ફોબિયા ચાલુ થયેલો છે. જે હિન્દી ફિલ્મ સો કરોડનો વકરો કરે તેને સો કરોડ ક્લબમાં સ્થાન મળે છે.
હકીકતમાં આ વાત હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વ્યાકુળતા રજૂ કરે છે. એક સમય હતો જ્યારે સરેરાશ ભારતીય નાગરિક હિન્દી ફિલ્મોને પોતાની જિંદગીમાં ચાહતો, જોતો, ગુંજતો અને જીવતો. ભારતમાં ધર્મ પછી સિનેમા અને ક્રિકેટનું તરતનું પછીનું સ્થાન હતું. ક્રિકેટે એનું સ્થાન જાળવી રાખ્યું છે પણ હિન્દી ફિલ્મો લોકોના અર્ધજાગૃત મનમાંથી પીગળતી જાય છે. શોલે, દીવાર, જુલી, બૉબીનો કે દિલ વાલે દુલહનીયા લે જાયેંગેનો એ જમાનો ગયો કે લોકો રોજિંદા જીવનમાં પણ એ ફિલ્મના ડાયલોગ બોલે કે પાત્રોને યાદ કરે.
એક જમાનો હતો જ્યારે દાયકાઓ સુધી કોઈ બાળકનું નામ પ્રાણ પડયું ન હતું કારણ કે વિલન પ્રાણ એટલો છવાયેલો હતો. હજુ હમણાં સુધી એટલે કે લગાન ફિલ્મ આવી એના પછી પણ ઘણાં બાળકોના નામ એના મુખ્ય નાયક-ભુવન પરથી પડયા હતા. પણ હવે એ દૌર સમાપ્ત થઈ ગયો. હિન્દી ફિલ્મ જોવા માટે ચોક્કસ સમય બચાવી રાખતા ભારતીયો હવે ફાજલ સમય હોય તો જ હિન્દી ફિલ્મ જોવા જાય છે. રજતપટનો યુગ બદલાઈ ગયો.
આ હકીકત એક રીતે જોઈએ તો હિન્દી સિનેમાના સમયની, તેની સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલા લાખો કલાકારોની અને હિન્દી સિનેમાની પરંપરાની નિષ્ફળતા છે. બીજા બધા માધ્યમોની સંખ્યા વધી ગઈ છે પણ હિન્દી ફિલ્મો એમાં પોતાનો પગદંડો જમાવી શકી નથી. સાઉથની ફિલ્મોનો જે વિકાસ થઈ રહ્યો છે એની સામે હિન્દી ફિલ્મો ભાજપ જે વિકાસ શબ્દનો ઉપયોગ કરે છે એવા કહેવા ખાતરના વિકાસની એરણ ઉપર ઉભી છે.
કોઈ પણ સામાન્ય દર્શકને ઉભો રાખીને પૂછીએ કે છેલ્લે કઈ હિટ ફિલ્મ થિએટરમાં જઈને જોઈ હતી તો સવાલનો જવાબ આપવા તેણે વિચાર કરવો પડશે. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શાસન કરતા ખાન બંધુની ત્રિપુટીએ છેલ્લે કઈ હિટ ફિલ્મ આપી એ પણ વિચારવું પડે છે.
અમિતાભ બચ્ચન જેવા મેગાસ્ટારને પણ અત્યારે જે માન મળે છે એમાં એમનો બહોળો અનુભવ અને ટેલિવિઝન પરનો એક હિટ શો કારણભૂત છે, નહીં કે એમની તાજેતરની ફિલ્મો. હિન્દી ફિલ્મોમાં હવે પરિવારવાદ ડગમગી રહ્યો છે અને બહારના પ્રતિભાશાળી કલાકારો ઉભરી રહ્યા છે. હવે ઇન્ડસ્ટ્રીએ મેરીટને થોડું તો થોડું મહત્વ આપવું પડે છે પણ આ નવો બદલાયેલો પ્રવાહ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દબદબાનું સાતત્ય જાળવી શક્યો નથી. ઓડિયન્સ પરની પકડ છુટતી જાય છે.
હિન્દી ફિલ્મયુગના અસ્તના ઘણા કારણો છે. એમાં એક તો ક્રિએટીવીટીનો અભાવ અને સાઉથની ફિલ્મોનો ફેલાવો આ કારણો મુખ્ય છે. હિન્દી ફિલ્મો પાસે વાર્તાઓ ખૂટી પડે છે. માટે માંડ વીસ વર્ષ જૂની ફિલ્મોની પણ રિમેક બનાવીને લાઉડ સંગીત સાથે રિલીઝ કરી દેવામાં આવે છે. સિક્વલનો યુગ ચાલે છે અત્યારે, એક જ કન્સેપ્ટના ચાર-પાંચ ભાગ આવે છે.
આ વિગતો બતાવે છે કે ફિલ્મોમાં મૌલિકતાનો ભયંકર દુષ્કાળ પ્રવર્તી રહ્યો છે. લેખકોને ઇન્ડસ્ટ્રીમાં માન મળતું નથી. ફક્ત સુપરસ્ટારને હાઈલાઈટ કરતી આ ઇન્ડસ્ટ્રી માત્ર અભિનેતાઓના સહારે વધુ ચાલી શકે એમ નથી. હિન્દી ફિલ્મનો ઇતિહાસ ગીતકારો, સંગીતકારો, ચરિત્ર અભિનેતાઓ, લેખકોથી સમૃદ્ધ થયો છે. વર્તમાન સમયમાં આ બધા ડિપાર્ટમેન્ટનો લોપ લાગે છે અને પડદા પર માત્ર ગ્લેમર દેખાય છે. ચાર દિન કી ચાંદની જેવો ચળકાટ સિનેમા જેવા મહાન માધ્યમને લાંબો સમય સુધી ટેકો આપી શકે નહીં.
દક્ષિણ ભારતની ફિલ્મો જોવાની ટેવ ઉત્તર ભારતના લોકોને પડતી જાય છે. તેઓ ઘણા નવા વિષયો સાથે મેદાનમાં ઉતર્યા છે, જે હિન્દી ફિલ્મોના મુખ્ય રસ-રોમેન્સને કચડી નાખશે. બીજું પરિબળ એ પણ છે કે હવે વિદેશની ફિલ્મો ખાસ કરીને હોલીવુડની ફિલ્મોનો એક અલાયદો વર્ગ ભારતમાં સર્જાયો છે. આ વર્ગ બહુ મોટો છે અને તેમના ખિસ્સામાં મનોરંજન માટે રહેલી નાણાંકોથળી ધાર્યા કરતા મોટી છે.
ત્રીજું મહત્વનું પણ અવગણના પામતું પરિબળ એ પણ છે કે સ્વતંત્ર ફિલ્મમેકરો આવી રહ્યા છે. કોલેજમાં ભણતા ઘણા હોશિયાર વિદ્યાર્થીઓને ખ્યાલ આવી ગયો છે કે ફિલ્મમાં કામ કરવા માટે મુંબઇ જવાની જરૂર નથી, કન્ટેન્ટ સારું હશે તો પોતાના ગામમાં પણ સારી ફિલ્મ બની શકશે અને ઇન્ટરનેટ પર રિલીઝ કરી શકાશે. હેપી એન્ડિંગથી ટેવાયેલી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો આ ઈન્ટરવલ સુખમય રહે એવી શક્યતાઓ અત્યારે તો ઓછી દેખાય છે.