હવે જોખમ વધુ : લોકડાઉન ચોથા ચરણમાં પ્રવેશ્યું છે
- રાજ્ય સરકારના નિર્ણય તબક્કાવાર આવતા જાય છે
- સોશ્યલ ડિસ્ટન્સિંગની ઐસીતૈસી જોવામાં આવી
હવે જોખમ વધુ
લોકડાઉન ચોથા ચરણમાં પ્રવેશ્યું છે. રાજ્ય સરકારના નિર્ણય તબક્કાવાર આવતા જાય છે. નિર્ણય ક્યારે આવશે એ નિર્ણય લેવામાં પણ આ વખતે મોડું થયું છે. નવરાત્રી આ વખતે નહીં ઉજવાય તેની માનસિક તૈયારી ઘણાએ કરી લીધી છે. દિવાળી ઉપર અપાતી બોણીના કવરમાં કદાચ કાપ નહિ મુકાય એમ માનવું પણ મધ્યમ વર્ગના પરિવારો માટે અધિક આશાવાદ ગણાય. કેન્દ્ર સરકારની લોકડાઉન પહેલાની આથકનીતિ અને લોકડાઉન પછીનો કેઓસ તેના માટે જવાબદાર છે. પહેલા દેશ રામભરોસે ચાલતો એમ બિન સરકારી ચેનલો કહેતી, હવે જે ચેનલો ભાજપના ફેંકેલા ટુકડા પર નભતી નથી એ કહે છે કે લોકોએ પોતાના જીવનને ભગવાન ભરોસે રાખવાની શરૂઆત કરી દીધી છે. તબીબી સાધન સંપદાની ઘટ છે અને સરકાર પાડોશી દેશો સામે ભામાશા થઈને ફરે છે.
કંટાળા અને પ્રતીક્ષાની પરાકાષ્ઠા વટાવી ચૂકેલા ભારતીયો અને એમાંય ખાસ કરીને ગુજરાતીઓ અધીરા બન્યા છે. ચતુર્થ લોકડાઉન ખાળે ડૂચા અને દરવાજા મોકળા જેવું સાબિત થઈ રહ્યું છે. સોશ્યલ ડિસ્ટન્સિંગની ઐસીતૈસી જોવામાં આવી. માનવ મહેરામણ જાણે બજારની જૂની ગલીઓમાં ઉમટયો હતો. દુકાનો બહાર ટોળા દેખાયા. વ્યસનપ્રેરક પદાર્થોના ગલ્લા બહાર તો સવારથી લાઇન થઈ ગઈ હતી. લોકો જાણે છેલ્લી વખત ખરીદી કરતા હોય એમ બહાર નીકળી ગયેલા. વાહનોનો અને એના હોર્નના આવજોથી શહેરો ગુંજી ઉઠયા. ગિરદી એટલી જોવા મળી જાણે કોરોના ચગદાઈને મરી જવાનો ન હોય ! પોલીસ અને પાલિકાઓએ એ ખૂબ સૂચનાઓ આપી હોવા છતાં લોકોએ કંઈ ગણકાર્યું નહીં. લોકડાઉન શબ્દ એક મજાક બનીને રહી ગયો.
અમેરિકાની જેમ જો હજુય ધ્યાન નહિ રાખવામાં આવે તો એનો અનુભલ જાહેર છે. ઈટાલી અને ફ્રાન્સમાં શહેરો જીવંત બૉમ્બમાં પરિવતત થવા લાગ્યા પછી પ્રજા જાગી અને એટલી મોડી કે એનો કોઈ અર્થ નહિ. કોરોના કોઈની શરમ નથી ભરતો. આટલી પબ્લિકમાં કોઈ એક વ્યક્તિ કોરોનાગ્રસ્ત હોય અને એ અજાણપણે આવી જાય તો એ સુપરસ્પ્રેડર નીવડી શકે છે. એક જણ પચાસ જણને ચેપ લગાડી શકે અને એ પચાસ વ્યક્તિઓ અડધા શહેરને. સરકારે વખાનું માર્યું લોકડાઉન ઢીલું કરવું પડયું છે. ભારતની અને ખાસ તો ગુજરાતની એ પરિસ્થિતિ નથી કે લોકો છૂટથી હરિફરી શકે. કચ્છ હોય કે અમદાવાદ, રાજકોટ હોય કે જામનગર, મુંબઇ હોય કે દિલ્હી, કેસોની સંખ્યને બ્રેક લાગી જ નથી રહી. કેસોની સંખ્યામાં થતો ઉત્તરોત્તર વધારો ચિંતાજનક હોવો જોઈએ. પણ પ્રજા જાણે ચિંતામુક્ત થઈ ગઈ છે.
બે મહિનાથી ખાસ કઈ કમાણી નથી થઈ એટલે ગભરાટના માર્યા પણ પોતાના કામે ચડી ગયા છે. શ્રમિકોને ભૂખે ભયમુક્ત કરી દીધા છે અને બાકીના લોકોને ઘટતી જતી કમાણીએ. નોકરિયાતોના એરિયર્સ ઉપર રોકથામ લગાવવામાં આવી અને વેપારીઓનો ધંધો અટક્યો છે. પ્રજા ભીંસમાં છે અને સરકાર પણ. અરાજકતા સર્જાવાની પૂરતી વકી હતી જે હવે નથી. લોકડાઉન ફોર અંતિમ લોકડાઉન સાબિત થાય એ દેશના હિતમાં છે. બાકી દેશને સરભર ન થઈ શકે એવું નુકસાન થશે.
લોકડાઉન અને કોરોના લોકોને કોઠે પડતા જાય છે. હર્ડ ઇમ્યુનિટી વિશે અરધી પરધી માહિતી લોકોમાં છે. અમુક રાજકીય નેતાઓ પણ એવું કહેતા સંભળાયા છે કે કોરોનાની બીકે ઘરે બેસી રહેવાનું ન હોય. જ્યારે સરકારી ગાઇડલાઈન કઇંક જુદું જ કહે છે. હજુ કેટલીક વાહન સેવાઓ શરૂ થઇ નથી. એ શરૂ થાય પછી કેસોની સંખ્યામાં વધારો ન થાય એ આપણે જોવું રહ્યું. હજુ સુધી રસીના ઠોસ સમાચાર આવ્યા નથી. કોરોનાએ ગજબનાક કંટાળો આપ્યો છે. જનજીવન યથાવત સ્વરૂપમાં શરૂ થઈ જવું જોઈએ એ સમયની માંગ છે. પણ ન્યુયોર્ક જેવી દયામણી હાલત ન થાય એ પણ આપણે જોવાનું છે. આવનારા દિવસો કપરા છે. આત્મનિર્ભર એ આપણા ખભે આવી પડેલી જવાબદારીને વ્યાખ્યાયિત કરતો શબ્દ છે એ સુંદર શબ્દમાં હવે સરકારી ગંધ પ્રવેશી ગઈ છે. આત્મસંયમ અને હિમ્મતનો અખૂટ ભંડાર જોઈશે.
કોરોનાએ આખા દેશની પરીક્ષા લીધી છે. પૂર્વતૈયારી હંમેશા હોવી જોઈએ. દેશનું અર્થતંત્ર, પ્રવાસન મંત્રાલય, રેલવે મંત્રાલય, મેડિકલ સિસ્ટમ, હેલ્થકેર સિસ્ટમ કેટલી સુસજ્જ હતી એ કોરોનાએ બતાવ્યું. ડિઝાસ્ટર મેનેજમેન્ટને કેટલી હદે અપગ્રેડ કરવાની જરૂર છે એ પણ લોકોને સમજાયું. લોકોએ આગામી ચૂંટણીમાં જુદા જુદા રાજકીય પક્ષો પાસે ભવિષ્યમાં આવી પડનારી અણધારી આફત સામે કેવી તૈયારી છે તેનું હોમવર્ક પણ માંગવું પડશે. કોરોના અનેક પેઢીઓ સુધી યાદ રહેશે એ નક્કી છે. ભૂકંપ કે પુર ભુલાઈ જશે પણ આખા વિશ્વને બાનમાં લેનાર કોરોનાકાળ યુગપરિવર્તક સાબિત થયો છે. આતંકવાદની સમસ્યા પણ આની પાસે નાની લાગે છે