ચલો એક બાર ફિર સે : વિક્રમ સંવંત 2077નો સૂર્ય હૈયે હિલ્લોળા લેતો ઉદય પામી રહ્યો છે
- વીતેલા વરસના ઘા હળવા થવા આવ્યા છે
- સમગ્ર ભારતીય ઉપખંડનું જીવનચક્ર પુનઃસ્થાપિત થવા લાગ્યું છે
વિક્રમ સંવંત ૨૦૭૭નો મૃદુલમંજુલ બાલસૂર્ય દૂર પૂર્વની ક્ષિતિજે દેશના કરોડો નાગરિકોના હૈયે હિલ્લોળા લેતો ઉદય પામી રહ્યો છે. હવે તો આ નૂતન વરસનો આ દિવાકર જ આપણી આશાનું કારણ અને કિરણ છે. વીતેલા વરસના ઘા હળવા થવા આવ્યા છે. સમગ્ર ભારતીય ઉપખંડનું જીવનચક્ર પુનઃસ્થાપિત થવા લાગ્યું છે. એકવાર માળો વેરવિખેર થયા પછી પંખીને પણ ફરી માળો બનાવતા વાર લાગે છે. પણ અંતઃકરણમાં ઉમંગ હોય અને પરિવારની આંખોમાં નવા સપનાઓ આંજવાનો ઉત્સાહ હોય તો મનુષ્ય ફરી માળો બાંધી લે છે. મોસમો પણ હવે બદલાઈ ગયેલી છે. સરકાર અને એના રાજકર્તાઓનું લોકજીવનની સુખાકારીમાં યોગદાન ઘટતું જાય છે. નાગરિકો સંજોગોની થપાટ ખાઈને પડે છે અને જાતે જ ઊભા થઈ જાય છે. વિક્રમના વીતેલા વરસમાં કામદારોની વતન ભણીની પદયાત્રાના દ્રશ્યો કોઈ ગ્રામજન કે નગરજન હજુ વીસરી શક્યા નથી.
જિંદગી તો જિંદગી છે અને એમાં સુખમ્ ચ દુઃખમ્ ચક્રમ્ પરિવર્તન્તે કહ્યું છે. જિંદગીને અધિકાર છે એના કોઈ પણ વિકરાળ રૂપ આપણી સામે પ્રગટ કરવાનો. પરંતુ મનુષ્ય તરીકે આપણી તાકાત છે કે ક્યાંક એકલવીર થઈને તો ક્યાંક સંપીને આપણે ભીષણ વિપદાઓને ઓળંગીને એમાંથી બહાર આવ્યા છીએ. કોરોનાકાળ પહેલાં થોડોક મનોરંજક સમય પ્રજાએ લીધો છે. પણ હવે એવા રંજનનો સમય નથી. જેમના હાથ કામે વળગેલા નહિ હોય એમને માટે પૃથ્વી પરનું જીવન વસમુ થઈ જવાનું છે. કામમાં તો નાનું શું ને મોટું શું ? એક પૈસાને પણ મહત્ નફો માનવો એ ગુજરાતી પ્રજાનું મનોવિજ્ઞાાન છે. ત્રૈલોક્ય મોહિની લક્ષ્મી આપણી વાતો અને વ્યવહારોમાં છવાયેલી છે. ગુજરાતી પ્રજા વર્લ્ડ વાઈડ બિઝનેસ કોમ્યુનિટી છે. એને હારતા કે થાકતા આવડતું નથી.
આવનારી ત્રણ ત્રણ પેઢીની ચિંતા અને એમના સુખ માટેની વ્યવસ્થા કરતા જવાની ટેવ એ જ તો ગુજરાતીનું જીવન છે. તડકો-છાંયો તો આવે ને જાય પણ તન છોટું ને મન મોટું કદી થોડું મુંઝાય ? પાછલા વરસના ઘણા કામ અધૂરા રહી ગયા હોય. લોકડાઉનને કારણે સહુના આથક અને સામાજિક જીવનને ઘસારો લાગ્યો હોય. પરંતુ જેઓ હવે આ નવા વરસમાં કોરોના સંક્રમણ થઈ બચવાના તમામ નિયમોનું પાલન કરીને પ્રચંડ પુરુષાર્થ આદરશે તેમને માટે હવે પછીની દરેક સવારે સોનાનો સૂરજ ઉગતો રહેવાનો છે. જો બીત ગઈ સો બાત ગઈ એમ માનીને નુકસાનના અફસોસને કાળની ગહન ગર્તામાં બાષ્પ થવા દેવો એ જ આપદ્ ધર્મ છે. દેશના સંખ્યાબંધ પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે. ક્યાંક તો કોરોનાનો કાળપંજો બહુ ભારે લાગ્યો છે.
એ એક અકલ્પનીય વિષાદયોગ દુનિયાના દરેક દેશના વિવિધ પરિવારોએ સહન કર્યો છે. આજ સુધી કોરોનાનું રહસ્ય અકબંધ છે. વેક્સિન હજુ દુર્લભ છે. નેવું ટકા અસરકારક હોવાના દાવા સુધી તો કંપનીઓ પહોંચી ગઈ છે. તબીબી વિદ્વાનોએ તો કોરોનાની શરૂઆતમાં જ જાહેર કરેલું છે કે કુલ ચાર વરસના સંશોધનો પછી જ કોરોનાની અસલી રસી શોધવાની સ્થિતિ આવશે. ત્યાં સુધી જે કંઈ ઔષધિઓ જાહેર કરવામાં આવે તેને એક પ્રક્રિયા જ માનવી. એનો અર્થ છે કે વર્તમાન મહામારીના અંતિમ ઉપાયથી માનવજાત હજુ ઘણી દૂર છે. વિક્રમના આ નવા વરસમાં પણ કોરોનાનો ઉત્પાત ચાલુ રહેવાની દહેશત છે. પરંતુ જેઓનામાં સાવધાની અધિક હશે તેમના પર જોખમ ઓછામાં ઓછું રહેશે. જો કે આ વાત સરકારે અને અન્ય મીડિયાએ વારંવાર કહી છે છતાં લોકોને ભાન ભૂલતા બહુ વાર લાગતી નથી.
એક નવી સફર આજથી શરૂ થાય છે. વિક્રમના આ નવા વરસની સફર કેવી રહેશે તે તો કાળના ગર્ભમાં છુપાયેલી હકીકત છે. કોરોનાએ એક બોધ તો આપ્યો છે કે માનવજીવન તકલાદી છે. જિંદગી બહુ જ પ્રાસંગિક છે. એ ચિરંજીવી હોય એ તો હવે સુખદ અકસ્માત માનવામાં આવે છે. એટલે આજની ઘડી તે રળિયામણી એમ માનીને જે છે એમાં જ સુખ લેતા રહેવાનું છે. સુખી થવાની જેમને ટેવ હોય તેઓ હર હાલતમાં પરિતોષ સાથે પરમ સુખી હોય છે. પરંતુ દુઃખી થવાની ટેવ હોય એને તો પરમ બ્રહ્મ સાક્ષાત આવે તો પણ સુખી કરી શકતા નથી. સ્નેહીજનોને અને પરિજનોને આપણા હૈયાની હૂંફ પહોંચતી રહે અને વિકટકાળે ટકી રહેવાની સહિયારી ક્ષમતા સહુમાં વિકસતી રહે એ પ્રકારની પ્રવૃત્તિ જ આરાધ્ય છે.