Get The App

ઘરપિંજરના ભૂલકાઓ .

Updated: Jun 10th, 2020

GS TEAM

Google News
Google News
ઘરપિંજરના ભૂલકાઓ                                  . 1 - image


કોરોનાકાળમાં બધું જ ખોરંભે ચડયું છે. શિક્ષણજગતની દશા માઠી છે. વિદ્યાર્થીઓ હવે વેકેશનથી કંટાળ્યા છે. નિશાળે જતા રસ્તામાં ભેરુઓ સાથે થતી વાતો, પ્રાર્થનાખંડ, એક પછી એક લેવાતા તાસ, રીસેસમાં થતી ધમાલ અને જુદા જુદા પ્રકારની પરીક્ષાઓ તથા સ્કૂલમાંથી અપાતા પ્રોજેકટને બાળકો યાદ કરી રહ્યા છે. એક વાયરસે જગતના તમામ ઘરોને પિંજર બનાવી નાખ્યા છે અને પિંજરમાં કરોડો ભૂલકાઓ પોતાનો સમય વ્યતીત કરી રહ્યા છે. આગામી કેટલાક નાણાંકીય વર્ષો સારા નહીં જાય તેની ખાતરી છે. એ જ રીતે ચાલુ થઈ રહેલું શૈક્ષણિક સત્ર પણ બહુ જ પેચીદુ અને વિચિત્ર જશે તે નક્કી છે. શિક્ષકો માટે, શાળા સંચાલકો માટે અને વાલીઓ માટે આ કપરો સમય છે. પરંતુ તે સૌ કોઈ વડીલ છે માટે તેમને વાંધો નહીં આવે. બદલાતી પરિસ્થિતિમાં ભોગ વિદ્યાર્થીઓનો લેવાશે અને તેના શિક્ષણનો લેવાશે.

શાળાકીય અભ્યાસના અનુસંધાને વિવાદોનું ચકડોળ શરૂ થઈ ગયું છે. ઓનલાઇન કલાસીસ તો ચાલવા લાગ્યા છે પરંતુ સ્કૂલની ફીઝને લઈને મુદ્દો ઉભો થયો છે. અમુક રાજ્યોમાં ખાનગી શાળાઓએ છ મહિનાની ફી જતી કરી છે. તો ગુજરાતની જ અમુક શાળાઓએ લોકડાઉનના બીજા ચરણથી વાલીઓને ફોન કરીને ફીની ઉઘરાણી શરૂ કરી દીધી હતી. ઘણી ખાનગી શાળાઓના સંચાલકો ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જાળવણી માટેના ખર્ચના કારણ કે બહાના હેઠળ ફીઝ માફ કરવાના મૂડમાં નથી.

તેઓ બંધ શાળાની ઇમારતનો ખર્ચ ઓન પેપર લાખોમાં બતાવે છે. જ્યારે હવેનું આખું શૈક્ષણિક સત્ર કે ઓછામાં ઓછા છ મહિના ઓનલાઇન શિક્ષણ જ ચાલવાનું છે. માસિક કે અઠવાડિક પરીક્ષા પણ બાળકોએ ઘરેબેઠા આપવાની રહેશે. વિદ્યાર્થીઓના પેપર તપાસવાનું કામ પણ વાલીઓએ કરવું પડશે, જો વાલી ભણેલા હશે તો અને પોતાના બાળકનું પેપર તપાસવા માટે સક્ષમ હશે તો.

કોરોના પૂર્વે જે સ્થિતિ ભારતના અર્થતંત્રની હતી તેનાથી અનેકગણી નબળી સ્થિતિ ગુજરાતના શિક્ષણની છે. સરકાર એક સમયે ઘણી સરકારી શાળાઓને એકબીજામાં વિલીન કરીને સરકારી શાળાઓની સંખ્યા ઘટાડવાની ઈચ્છા ધરાવતી હતી. ખાનગી શાળાઓ મનફાવે તેમ ફી વસુલતી હોય છે તો તે બાબતે હાઇકોર્ટે ચુકાદો આપ્યો અને મહત્તમ ફીઝની મર્યાદા બાંધી હતી. ખાનગી શાળાઓએ બિલ્લીપગે અમુક વાલીઓને ફોડીને તેની પાસેથી એવા મતલબના લખાણ ઉપર સાઈન કરાવી લીધી હતી કે તે શાળા ગમે તેટલી ફી વસુલે તો પણ વાલીઓની તેમાં સહમતી છે.

ત્યારબાદ અબ્બાસ-મસ્તાનની ફિલ્મોમાં પણ જેટલા વળાંક ન આવે એટલા વળાંક શાળાઓની ફી પ્રકરણમાં આવ્યા. જાણે નોટબંધી પછી દરરોજ બદલાતા નિયમો અને જીએસટીના અમલીકરણમાં કરવામાં આવતા ફેરફારોની સંખ્યા સાથે ગુજરાતના શિક્ષણજગતના બદલાતા નિયમોની સંખ્યાની હોડ લાગી હોય એવું વિરાટ નાટક લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યના ભોગે રચાતું હતું.

ચોક, ડસ્ટર અને બ્લેકબોર્ડ આ જગતમાં નિવકલ્પ છે. જે વિદ્યાર્થીને એક ફૂટના અંતરે ઉભા રહેલા શિક્ષકની વાણી થકી જે તે કન્સેપ્ટ સમજવામાં તકલીફ અનુભવાતી હોય એ જ વિદ્યાર્થી ઝૂમ એપ્લિકેશન કે ગુગલ મીટમાં લેવાતા ઓનલાઇન કલાસીસમાં કઈ રીતે ભણી શકશે? પ્રાથમિક અભ્યાસ કરી રહેલા બાળકો પપ્પાના ફોનમાં ગેમ રમવા ટેવાયેલા છે, અભ્યાસ કરવા માટે નહીં. શારીરિક શિક્ષણ જેવા વિષયો તો ભૂલી જ જવાના પણ આર્ટકલાસનું સંચાલન કઈ રીતે ઓનલાઇન કરી શકાય? વિજ્ઞાાનના પ્રયોગો માટે લેબોરેટરી ફરજિયાત છે, મોબાઈલની સ્ક્રીન ઉપર ફનેલ કે બ્યુરેટ આવી શકે નહીં. ઈન્ટરનેટ એટલે કે વેબ ઉપર થતા સેમિનારને વેબિનાર જેવું રૂપકડું નામ આપવામાં આવ્યું છે. વેબિનાર એ ક્રેશ કોર્સ કે કોર્પોરેટ મિટિંગ માટે શોધવામાં આવેલી સંકટ સમયની સાંકળ છે. આવી સાંકળ નાજુક વિદ્યાર્થીઓના ભારે શિક્ષણનો ભાર ઉપાડી શકશે નહીં.

સૌથી વધુ ચિંતા એ વિદ્યાર્થીઓની થવી જોઈએ જે આ વર્ષથી બોર્ડની પરીક્ષા આપશે. દસમા અને બારમાં ધોરણમાં પ્રવેશનારા વિદ્યાર્થીઓને તો પોતાના માથે અનિશ્ચતતાની લટકતી તલવાર દેખાય છે. બોર્ડના વિદ્યાર્થીઓએ ઓછા સમયમાં ભારે વિષયનો બૃહદ અભ્યાસક્રમ કંઠસ્થ કરવાનો હોય છે અને સાથે સાથે વિવિધ એન્ટ્રસ પરીક્ષાઓ માટે તૈયારી પણ કરવાની હોય છે.

ભૌતિકશાસ્ત્રની થિયરી કે ગણિતના દાખલાઓમાં જે ન ફાવે તે ડાઉટ કાઉન્ટર ઉપર જે તે વિષયના નિષ્ણાત ટીચર પાસે સોલ્વ કરાવવા પડે. ઓનલાઇન એજ્યુકેશનમાં તે શક્ય નથી. દસમા ધોરણનું રિઝલ્ટ ગત વર્ષ કરતા ઓછું આવ્યું છે. સરકાર પાસે આથક, સામાજિક કે શૈક્ષણિક રોડમેપ છે નહીં અને ભવિષ્યમાં હશે પણ નહીં. કોરોનાના દર્દીઓની જેમ શિક્ષણખાતું પણ રામભરોસે ચાલવાનું છે.

Tags :