અમેરિકા અને રશિયા વચ્ચેના દેખાડા પૂરતા વારંવારના ઘટનાક્રમ પછી વ્લાદિમીર પુતિન જરા પણ ઝાંખા પડયા નથી. હકીકત એ છે કે રશિયા એક ભીષણ આંતર વિગ્રહને કિનારે ઊભેલો દેશ છે. રશિયાના ફરી વાર ટુકડા થઈ શકે છે. યુક્રેન યુદ્ધ સાથે રશિયન પ્રજા સંમત ન હોવાથી ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. પરંતુ સામ્યવાદી દેશોમાં તો શાસકોની પ્રવૃત્તિ પરત્વે મહત્ અંશે પ્રજા અસંમત જ હોય છે એટલે એ કંઈ નવી નવાઈની વાત નથી. અપ્રગટ બળવાને એડવાન્સમાં ખાળતા આવડે એ જ ખરો સામ્યવાદી શાસક હોય છે. પુતિન એવા જ છે પરંતુ સશસ્ત્ર સંઘર્ષ જૂથ વૈગનર સામે તેમણે ગોથું ખાધું. પરંતુ પછી મિત્રદેશ બેલારૂસની મદદથી બધું રાગે પાડી દીધું. પછી પણ યુક્રેન તરફની ખિન્નતામાં પુતિને રજમાત્ર પણ ઘટાડો કર્યો નથી. બીજી બાજુ દુનિયા આ યુદ્ધથી વિમુખ થવા લાગી છે. યુક્રેનની કોઈને પડી નથી એવું ચિત્ર છે.
યુક્રેન અને રશિયા વચ્ચેનો ગજગ્રાહ હવે અનિયત ઓક્ટોપસ જેવો થઈ ગયો છે. એના અનેક છેડા છે અને એના ઘટનાક્રમની ગતિ પણ સીધી રેખા જેવી નથી. મૂળભૂત રીતે આ સંઘર્ષ અમેરિકાના જગત જમાદાર તરીકેના પદ પરના રિપ્લેસમેન્ટનો છે. અગાઉ અનેક પ્રસંગોએ ચીન પોતાની સર્વોપરિતા પુરવાર કરવા માટે કીડી ચડેલા સાપની જેમ માથા પછાડી ચૂક્યું છે, છતાં અમેરિકાની સર્વોચ્ચતાને હણી શક્યું નથી. હવે રશિયાએ પોતાની તાકાતનું આંતરરાષ્ટ્રીય પ્રદર્શન શરૂ કર્યું છે. પરંતુ પુતિન ખુદ પણ અમેરિકાથી ડરી ડરીને આગળ વધી રહ્યા છે. ઉત્તર કોરિયાને મહોરું બનાવીને ચીને અનેકવાર અમેરિકાને પડકાર્યું છે પણ એનું કોઈ પરિણામ આવ્યું નથી. છતાં આ વખતની રશિયાની ચાલબાજી એક લાંબી માસ્ટર ગેઈમ છે.
રશિયાના ટુકડા થયા ત્યારે બધાએ માની લીધું કે રશિયન વિચારધારાના પણ ખંડ-વિ-ખંડ થઈ ગયા છે. દુનિયાને પછીથી બહુ ઝડપથી જો કે ખ્યાલ આવી ગયો હતો કે સામ્યવાદના મૂળમાં છુપાયેલો મૂડીવાદી સામ્રાજ્યવાદ હજુય રશિયાના આત્મા તરીકે છે. છેલ્લા કેટલાક દિવસથી અમેરિકા ષણ્મુખી વાર્તાલાપ કરે છે. એણે રશિયાને ધમકી આપી પણ માત્ર પોતાના નાગરિકોની સુરક્ષા માટે. નાટો દેશોના સંગઠક પ્રવક્તા પણ સતત ફરતું ફરતું બોલે છે. યુક્રેનના વડાપ્રધાન આંખે પાટા બાંધીને સરહદ પર ભટકતા હોય એવું ચિત્ર છે. કારણ કે તેઓ સ્પષ્ટ રીતે જાણતા નથી કે તેમની મદદમાં હવેની અંતઘડીએ કોણ કેવી રીતે આવશે. અમેરિકા સહિતના વિવિધ દેશોએ યુક્રેનને મોકલેલી લશ્કરી કુમક નહિ જેવી અને હાસ્યાસ્પદ નીવડી છે. ચારેબાજુથી સહસ્ર ફેણે શત્રુ તરીકે ફૂંફાડા મારતા રશિયા સામે યુક્રેન પહોંચેલી વિદેશી કુમકનું કોઈ મૂલ્ય નથી. ભારત રશિયાનું પ્રાચીન મિત્ર છે અને એ મિત્રતા હમણાં જ અપડેટ થયેલી છે. એટલે ભારતે અલિપ્તતા જાળવી છે.
જે રીતે ચીનની ચાલાકીઓ છાની રહી શકતી નથી અને પ્રગટ થઈ જાય છે એ રીતે રશિયા પણ હવે કોઈ અભેદ્ય કવચમાં છુપાઈ રહી શકે એમ નથી. મીડિયા અને સોશિયલ મીડિયાની પહોંચ બહુ વધી ગઈ છે. કોઈ પણ કૌભાંડ કદાચ તરત તળિયેથી નળિયે ન પહોંચે એવું બને પણ સમયની રફતારમાં એ એક ને એક દિવસે તો જગતના ચોકમાં જાહેર થયા વિના રહેતું નથી. ઝિગ ઝિગલર કહે છે કે કૌભાંડ આચરનારાઓએ પહેલેથી જ એ જાહેર થાય ત્યારના સંયોગોનો એક રોડમેપ એડવાન્સમાં ઘડી રાખવો જોઈએ. રશિયન વડા વ્લાદિમિર પુતિનના એકછત્ર શાસનનો પૂર્ણચન્દ્ર હવે સોળેય કળાનો રહ્યો નથી ને એમાં વદચન્દ્ર જેવી ક્રમિક અંધકાર ભણીની ઓટ આવવા લાગી છે. રશિયાના આ અંધારાને ઉલેચનારા ક્રાન્તિકારી નવોદિત નેતા નેવેલ્ની હવે દુનિયામાં વિખ્યાત થઈ ગયા છે. એટલે ઘર આંગણે પુતિનને નવી લોકપ્રિયતાની તાતી જરૂર છે.
યુક્રેનના સંરક્ષણ મંત્રાલય પર હમણાં જે સાયબર હુમલા થતા રહે છે તે રશિયન સૈન્યની સાયબર વિંગે કરે છે કે રશિયન હેકરો કરે છે એ હજુ નક્કી નથી. જેમ કોરોનાએ ચીનની ખંધી રાજનીતિને ખુલ્લી પાડીને એની તમામ હીનતાઓ છતી કરી એ જ રીતે સાયબર ક્રાઈમને કારણે રશિયા વૈશ્વિક કોર્પોરેટ જગતમાં બહુ બદનામ છે. અનેક મલ્ટીનેશનલ કંપનીઓના સર્વર અને બેન્કિંગ સિસ્ટમ હેક કરી દેનારા હેકરો રશિયામાં બેઠા છે. ન તો રશિયન સરકાર એને ઝડપી શકી છે અને ન તો આંતરરાષ્ટ્રીય કાનૂન ત્યાં સુધી પહોંચે છે. લાખો ડોલરમાં કંપનીઓને બ્લેકમેલ કરનારા હેકરો હવે ક્રિપ્ટો કરન્સીમાં નાણાં પડાવતા થયા છે. એક ધારણા એવી પણ છે કે રશિયન જાસૂસો આ હેકરો સાથે જોડાયેલા છે.


