લોકડાઉન લંબાશે કે ? .
લોકડાઉન લંબાશે કે ?
દેશમાં અફવાનું બજાર ગરમ છે. સોશિયલ મીડિયામાં મંદીની વ્યર્થ આગાહીઓ પણ ચાલુ છે. જો કે એવી કોઈ વિકરાળ મંદી આવવાની શક્યતા નથી. મંદી ઓલરેડી ચાલુ જ હતી, એમાં કોરોનાકૃત મંદીનો ઉમેરો થયો છે એટલું જ. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળે આ મંદીની આગાહી અગાઉથી કરેલી છે. પરંતુ જે દિવસે પણ લોકડાઉન ખુલશે કે તબક્કાવાર ખુલશે એમ લોકો કામ પર આવતા જશે. અમેરિકા અને યુરોપની પ્રજા એશ આરામથી ભરેલી છે એટલે એને કોરોના પ્રકરણ પછી પણ કામે ચડતા બહુ વાર લાગશે. ભારતીય પ્રજા બહુ ઝડપથી બેઠી થવાની છે. ભારતીય જન સમુદાય ઉત્સાહી અને કામગરો છે. અત્યારે ભલે તરત મુક્તિ મળે એવું વાતાવરણ ન હોય તો પણ લોકો રાહ જોઈને બેઠા છે. ઉપરાંત ભારતમાં કામદારોનો મોટો સમુદાય છે, તે પણ રોજનું લાવીને રોજનું આરોગનારો વર્ગ છે. એટલે કામે ચડી જવું એ એકમાત્ર પ્રજાનો અગ્રતાક્રમ હશે.
ઉપરાંત અત્યારે દુનિયાના દેશો ભારત પાસેથી અપેક્ષા રાખે છે તે પહેલી નજર તો વધારે પડતી લાગે છે, પરંતુ એ દેશોની સ્થિતિ એટલી બધી ખરાબ છે કે ભારત જ એમને પોતાના ઉદ્ધારક તરીકે દેખાય છે. વિવેકશૂન્ય અમેરિકાની જેમ પરંતુ સવિવેક ગઈકાલે બ્રાઝિલ અને જાપાન સહિતના દેશોએ ભારતીય વિદેશ મંત્રાલય સાથે કોરોના સંદર્ભે મદદ કરવાનો વાર્તાલાપ અને રજૂઆત કર્યા છે. ભારત સરકાર માટે બધાને પહોંચી વળવાનું શક્ય નથી તો પણ ભારતની એક પરોપકારી મુદ્રા પણ દુનિયાના મનમાં છે, એનું એ પરિણામ છે. સોશિયલ મીડિયા આજકાલ અફવાઓ અને દંતકથાઓને ખૂબ જ પ્રોત્સાહન આપે છે અને બહુ જ ઉતાવળે નાની-નાની નોંધ ફરવા લાગે છે. વાસ્તવિકતા એ છે કે વડાપ્રધાને ઉચ્ચસ્તરે લોકડાઉન ઉઠાવવા અંગે બૌદ્ધિક વ્યાયામની શરૂઆત કરી છે. એમણે ગઈકાલે કરેલા વિધાનોનો સાર એટલો જ છે કે લોકડાઉન સાગમટે ઉઠાવી લેવાનું આસાન નથી.
અત્યારે ભારતમાં સરેરાશ રોજના પાંચસોની સંખ્યામાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. કુલ આંકડો પાંચ હજારને પાર થઇ ગયો છે. ચીન, ઇટાલી, સ્પેન અને અમેરિકામાં પાંચ હજારના આંકડા પછીના કેટલા દિવસોમાં એ આંકડા કેટલા વિકરાળ થયા હતા એનો આખો જગજાહેર ઈતિહાસ છે. આંકડાઓનું એ એક મોટું અને વાસ્તવિક જંગલ છે. ભારત હવે એમાં પ્રવેશી ગયું છે. જે સ્થિતિ એ સૌની, પાંચ હજાર કેસ પછીના એક જ મહિનામાં થઈ એવી ભારતની ન થાય એ માટે સરકાર કમર કસી રહી છે. એકવીસ દિવસનું લોકડાઉન જેમ જેમ એના અંતિમ પડાવ તરફ આગળ વધે છે તેમ તેમ સરકારની દ્વિધા વધતી જાય છે. સરકાર વિચારે છે કે લોકડાઉન એક સાથે સમાપ્ત કરવું કે તબક્કાવાર ? જો એક સાથે સમાપ્ત કરે તો એના ભયાનક પરિણામો આવી શકે છે અને તે સહુ જાણે છે. જો મુક્તિ ન આપે તો કૃષિ અને ઔદ્યોગિક સેક્ટરને ગંભીર નુકસાન થાય એમ છે. દેશના મોટાભાગના રાજયોએ કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરી છે તેનો સાર પણ એ જ છે કે લોકડાઉનને જ્યાં જરૂર હોય ત્યાં લંબાવવામાં આવે.
વિશ્વ આરોગ્ય સંસ્થાએ કરેલી ટકોર પ્રમાણે ભારતમાં કોરોના ટેસ્ટ મર્યાદિત થયા છે. એટલે હજુ ઘણી મોટી સંખ્યા છુપાયેલી હોઈ શકે છે. દિલ્હી રાજ્ય સરકારની જેમ દેશની દરેક અન્ય રાજ્ય સરકારોએ રેપિડ ટેસ્ટ ઝુંબેશ ઉઠાવવાની જરૂર છે. આવનારા દિવસો ભારત માટે વધુ ગંભીર જવાબદારીના છે. એક તરફથી તમામ આથક ગતિવિધિઓ સ્થગિત છે અને બીજી બાજુ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું છે કે લોકડાઉન એ કોરોના સામે લડવાનો એક માત્ર ઉપાય નથી. તો પણ ભારતમાં પ્રથમ કેસ નોંધાયો ત્યારથી આજ સુધીનો કોરોના કેસ વધવાનો આલેખ દુનિયાના અન્ય દેશોની તુલનામાં આ રોગચાળો અહીં ઘણો અંકુશમાં હોવાનું પુરવાર કરે છે. જો કે લોકડાઉનનો જ પ્રજા પરનો આ ઉપકાર છે. તો પણ કોરોના વાયરસને શરીરાંતર અને સ્થળાંતર કરવાનો મોકો ન મળે એ સખત સાવધાનીની હાલ તાતી જરૂરિયાત છે. કારણ કે દુનિયા તો આપણી આરોગ્ય સેવા પદ્ધતિની બહુ પરિચિત ન હોય પણ આપણે તો આપણા આરોગ્ય તંત્રની મર્યાદાઓ સારી રીતે જાણીએ છીએ. એ મર્યાદા મુખ્યત્વે એક જ છે કે જનસંખ્યાના પ્રમાણમાં તબીબી સેવાઓનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઓછું પડે એવી ભીતિ રહે છે.
વડાપ્રધાન પાસે અનેક વિકલ્પો છે. તેઓ થોડા દિવસ માટે સાર્વત્રિક મુક્તિ આપી શકે છે. પરંતુ એમ કરવા જાય તો ન ઓળખાયેલા કોરોનાગ્રસ્ત પ્રારંભિક અવસ્થામાં રહેલા ચેપયુક્તો (ઈન્ફેક્ટેડ) લોકો દ્વારા કોરોનાને નાગરિકી અવરજવરથી આખા ભારતને ભરડો લેવાની તક મળી જાય. એટલે તબક્કાવાર વિવિધ જિલ્લા અને શહેરોમાં મુક્તિ આપવા માટે રાજ્ય સરકારોને યોગ્ય મૂલ્યાંકન પ્રમાણે નિર્ણય લેવાની સત્તા આપવી પડે. એમ કરવામાં જોખમ એ છે કે જો કોઈ રાજ્ય ઉતાવળો નિર્ણય લે તો કોરોના કેસની સંખ્યા ઉછાળો પણ મારી જાય. ઉપરાંત ઘણો આધાર તો લોક જીવનના પોતાની સભાનતા ઉપર પણ છે. જો પ્રજા કોરોના પ્રત્યેની સાવધાની ગુમાવે અને અગાઉ જેમ જ મુક્તિથી હરેફરે તો પણ મોટું જોખમ રહે. કોરોના એક પ્રકારનું ઝેર જ છે એમ માની લો તો આ ઝેરના વાવેતર ક્યાં ક્યાં થયેલા છે એ સત્ય પરથી પરદો પૂરેપૂરો ઉઠાવવાનો હજુ બાકી છે. ત્યાં જ લોકડાઉનની મુદત પૂરી થવા આવવાની છે.