યુપીએની સરકારના દસ વર્ષના સળંગ શાસનને ઉથલાવીને જ્યારે એનડીએની સરકાર સત્તારૂઢ થઈ ત્યારથી એવા સંકેતો મળવા લાગેલા કે આ સરકાર એનડીએ એટલે કે સાથીદાર મિત્રપક્ષોની ઓછી છે અને ભાજપની વધુ છે. આગળ જતાં ધીમે ધીમે પ્રજાને એ પણ સમજાયું કે આ ભાજપ સરકાર પણ નથી ને માત્ર મોદી સરકાર છે. આ હકીકતથી મિસ્ટર મોદી પણ વાકેફ હતા અને માટે જ જનતાની અપેક્ષાનો ભાર ફક્ત એક વ્યક્તિ ઉપર આવી પહોંચ્યો. લોકો કઇંક નાવીન્યસભર બદલાવની અપેક્ષાએ બેઠા હતા અને લોકોની અપેક્ષાની પરિપૂત કરવા માટે મોદી સરકારે એક પછી એક દેશવ્યાપી આઘાત સર્જ્યા જેને તેમણે યોજનાઓનાં નામ આપ્યાં. સદંતર નિષ્ફળ ગયેલી નોટબંધી અને અણઘડ જીએસટીના અમલે સરકારની અનેક નબળાઈઓ છતી કરી દીધી. નોટનું પ્રકરણ તો બ્લેક એન્ડ વ્હાઇટ ગેઈમનો પડછાયો છે. નોટબંધી જેવડી જ કે એનાથી પણ મોટી નિષ્ફળતા સ્ટાર્ટઅપ ઇન્ડિયા પ્રોજેકટને મળી છે. સ્ટાર્ટ અપ ઇન્ડિયાની અભૂતપૂર્વ નિષ્ફળતા નજર સામે હોવા છતાં પ્રજાનું ધ્યાન તેના પર નથી અને સરકારે તેની વર્ષો જૂની આદત મુજબ પોતાના ચહેરા ઉપર ખામોશીનું માસ્ક પહેરી લીધું છે જે દેખાતું નથી.
સ્ટાર્ટ અપનો પ્લાન લગભગ બધા જ સેક્ટરમાં નિષ્ફળતાને જઈ વર્યો છે. આરંભે શૂરા જેવો ઘાટ ધરાવતા સ્ટાર્ટ અપ ઇન્ડિયા પ્રોજેકટનું બાળમરણ થયું એવું કહેવું અતિશયોક્તિ નહીં ગણાય. ઈ. સ. ૨૦૧૫માં બધા જ ભારતીય સ્ટાર્ટઅપ પ્રોજેકટે દેશવિદેશમાંથી સાડા સાત અબજ ડોલરનું ફન્ડિંગ ભેગું કર્યું હતું જે એના પછીનાં વર્ષે એટલે કે ૨૦૧૬માં ઘટીને સાડાત્રણ અબજ ડોલર થઈ ગયેલું. ઈ. સ. ૨૦૧૬ની નોટબંધીએ તો અડધોઅડધ સ્ટાર્ટઅપની બુનિયાદ તોડી નાખી હતી. શરૂઆતના તબક્કામાં સ્ટાર્ટઅપ ઇન્ડિયા પ્રોજેકટને કારણે પાંચ લાખ યુવાઓને પ્રત્યક્ષ અને પંદર લાખ કરતા વધુ યુવાનોને પરોક્ષ રોજગારી મળી હતી. છેલ્લા સાતેક વર્ષમાં જ દસમાંથી નવ સ્ટાર્ટ અપને તાળું લાગી ગયું છે. એકાદ સ્ટાર્ટઅપ કંપની મરવાના વાંકે જીવતી હતી તો તેનો દમ લોકડાઉનમાં તૂટી ગયો. કોરોના વાયરસે લોકોના જીવનના ભોગ લીધા, પણ લોકડાઉનને કારણે કરોડો આંખોમાં અંજાયેલા સપનાનું ગળું પણ દબાઈ ગયું. સ્ટાર્ટઅપ ઇન્ડિયા હવે ભૂતકાળ છે. અલબત્ત, સ્ટાર્ટઅપ સેકટરમાં અપવાદો હશે અને તે પણ નોંધપાત્ર સંખ્યામાં, પરંતુ જે સ્તર ઉપર તેની સ્વપ્નિલ શરૂઆત કરવામાં આવી હતી તે અત્યારે સદંતર ગાયબ છે.
સ્ટાર્ટઅપ એ કોઈ અને કોઈ રીતે સવસ કે ઉત્પાદન આપતા આઈડિયાનું ઉદભવબિંદુ હતું. જેનો મુખ્ય હેતુ લોકોને પોતાની જરૂરિયાતો માટે તેના પરંપરાગત દુકાનદારો કે સવસ પ્રોવાઇડર પાસેથી ખસેડીને આધુનિક રીતે પોતાની તરફ વાળવાનો હતો. ટૂંકમાં, લાખો લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચવાનું હતું. બાપદાદાઓના સમયથી જે ખરીદવેચાણ પરંપરાગત બજારમાં થતું એ બજાર જે તે ગ્રાહકની વૈયક્તિક પસંદગી મુજબ તેના ઘરઆંગણે ઊભી રહેવાની હતી. સ્ટાર્ટઅપનો એક હેતુ એ પણ હતો કે લોકો પોતાની જરૂરિયાત પરત્વે અજાણ હોય તો તેનાથી તેને વિદિત કરવાનો. જેમ કે મેટ્રો શહેરમાં અનેક લોકો પાલતુ કૂતરાં જેવા પ્રાણીઓ પાળે છે તો એક સ્ટાર્ટઅપ કંપની પાલતુ કૂતરાઓને નિયમિત પણે બહાર આંટો મારવા લઈ જાય, વાળ કાપી આપે, રસી મુકાવી દે જેવી સેવાઓ આપતી. લોકડાઉને આવા અનેક સ્ટાર્ટઅપના બિઝનેસને લુપ્ત કરી નાખ્યા. જે મોટા મોટા મોલ કે સુપરમાર્કેટના સ્ટોર હતા એ પણ લોકોને કામ નથી આવ્યા. લોકડાઉનમાં તો નાની દુકાનના માલિકો કે ફેરિયા વાળા તરફ જ નાણાંનો પ્રવાહ ગયો હતો. સ્કૂલો જ જ્યારે બંધ હોય ત્યારે ઓનલાઇનમાં એક્સ્ટ્રા શિક્ષણ આપતા સ્ટાર્ટઅપનું મોંઘું સબસ્ક્રિપ્શન કોણ ભરે?
જે મોટા મોટા સ્ટાર્ટઅપ ભારતમાં ખૂબ સફળ થયા છે એ બધામાં વિદેશી પૈસો લાગ્યો છે. ભારતની જ ફ્લિપકાર્ટ કંપની હવે વોલમાર્ટની છે. ટેક્સી સવસ આપતી ઓલા, ઉબેર વગેરે કંપનીઓ વિદેશી થઈ છે અથવા તો વિદેશના પૈસાથી ચાલે છે. ઝોમેટો કે સ્વિગી જેવું ફૂડ હોમ ડિલિવરી સવસ આપતી કંપનીઓમાં તો મહદ્ અંશે ચાઈનિઝ કંપનીઓના નાણાં લાગ્યા છે.
રિલાયન્સ જેવી કંપનીઓ ફેસબુક જેવી વિદેશી કંપનીમાં પૈસો રોકે છે, પણ અહીં ઘરના છોકરાઓ ઘંટી ચાટે એવો ઘાટ છે. શરૂઆતના તબક્કામાં ભારતીય યુવાધન બહુ સારા આઈડિયાઝ સાથે માર્કેટમાં ઊતર્યું હતું અને તેમને ફન્ડિંગ પણ મળ્યું હતું, પરંતુ એમાંથી લાંબી રેસના ઘોડા તરીકે બહુ જ ઓછી કંપનીઓ ચાલી. લોકડાઉન પછી તો જે સ્ટાર્ટઅપના મલિક હતા તે અને જે લોકો તે સ્ટાર્ટઅપમાં નોકરી કરતા તે બંને એકસાથે નોકરી શોધતા હતા. સ્ટાર્ટઅપની નિષ્ફળતાએ ભારતની બેરોજગારીના આલેખને અભૂતપૂર્વ ઊંચાઈ બક્ષી છે!


