Get The App

મૂર્ખ રાજાની મિત્રતા .

Updated: Feb 5th, 2026

GS TEAM

Google News
Google News
મૂર્ખ રાજાની મિત્રતા                                      . 1 - image

આચાર્ય વિષ્ણુ શર્માના પંચતંત્રનું એક સૈદ્ધાન્તિક વિધાન છે કે મૂર્ખ મિત્રની તુલનામાં બુદ્ધિમાન શત્રુ સારો. ડોનાલ્ડ ટ્રમ્પ જેવા તુઘલખ અને અસ્થિર વૈચારિક 'રાજા' સાથેના સંબંધમાં પાર ઉતરવું એ ભારત જેવા બિનજોડાણવાદી અને સર્વમિત્ર થિયરી પર ચાલતા દેશ માટે એક મોટી કસોટી છે. અંદાજપત્ર પછીની વાતચીતમાં નિર્મલા સીતારામને કહ્યું કે આંતરરાષ્ટ્રીય ઘટનાક્રમ હંમેશા એક ચેલેન્જ હોય છે એમાં કોઈ નવાઈ નથી પણ અત્યારે છે એવું તો અગાઉ ક્યારેય ન હતું. 

અમેરિકા દ્વારા ભારતીય ઉત્પાદનો પર લગાવવામાં આવેલા ભારે-ભરકમ પચાસ ટકા ટેરિફને ઘટાડીને ૧૮ ટકા કરવાની વાત થવી આમ તો આનંદદાયક છે, પણ એમાં શરતો લાગુ જેવી એક અદ્રશ્ય એસ્ટેરિસ્ક (ફૂદડી) પણ મૂકવામાં આવી છે. ભારત દ્વારા રશિયાથી સસ્તું તેલ ખરીદવાના બદલામાં ૨૫ ટકા વધારાનો ટેરિફ લાદવામાં આવ્યો હતો. આ પગલું વેપાર કરારને અમેરિકાના પક્ષમાં લાવવા માટે દબાણ ઊભું કરવાની રણનીતિનો જ એક ભાગ હતું. જોકે, ભારતે તાત્કાલિક રીતે આ દબાણ સામે ઘૂંટણ ટેક્યાં નહોતા. હવે ટેરિફને પચાસ ટકા પરથી ઘટાડીને સીધો ૧૮ ટકા કરવાથી દેશે રાહતનો શ્વાસ લીધો છે. ભારતના રત્ન-આભૂષણ, કાપડ અને વસ્ત્રો જેવાં શ્રમપ્રધાન ક્ષેત્રો માટે આ એક શુભ સમાચાર છે, કારણ કે ગયા વર્ષના ઓગસ્ટમાં ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફ વધાર્યા બાદથી આ ક્ષેત્રો સતત સંઘર્ષ કરી રહ્યાં હતાં. લાંબા સમયથી રાહ જોવાતો ભારત-અમેરિકા વેપાર કરાર હવે અંતિમ તબક્કાની નજીક છે. જોકે, એવી આશંકા પણ વ્યક્ત થઈ રહી છે કે આ કરાર અમેરિકાના પક્ષમાં વધુ ઝુકેલો જણાય છે.

વિપક્ષોએ એની સામે દેકારો ચાલુ કર્યો છે ને સદન માથે લીધા છે. તેમ છતાં, આ કરાર સાથે સંબંધિત વિસ્તૃત વિગતો હજી જાહેર થવાની બાકી છે. આ કરાર હેઠળ ભારત અમેરિકા પાસેથી પેટ્રોલિયમ ઉત્પાદનો, સંરક્ષણ સંબંધિત સાધનો, ઇલેક્ટ્રોનિક માલસામાન, ફાર્માસ્યુટિકલ્સ, ટેલિકોમ્યુનિકેશન સંબંધિત ઉપકરણો અને વિમાનોની ખરીદી વધારશે. અમેરિકાના નીતિ-નિર્માતાઓ સતત દલીલ કરતા રહ્યા છે કે આ વેપાર કરાર તેમના વેપાર ઘાટાને ઘટાડવા અને ભારતને થતો અન્યાય દૂર કરવાની ડોનાલ્ડ ટ્રમ્પની મનીષા અનુસાર છે. વિપક્ષનો એ પણ આરોપ છે કે ક્યાંક ને ક્યાંક અમેરિકા દ્વારા દબાણ કરી ભારતને રશિયન તેલની ખરીદી બંધ કરવા માટે મજબૂર કરવામાં આવ્યું છે. જોકે, એના પર કેન્દ્ર સરકારે મૌન પાળ્યું છે ને રશિયન સમાચાર સંસ્થાએ સરકારી યાદીમાં કહ્યું છે કે ખરીદી ઘટાડવાના કોઈ સંકેત દિલ્હીએ મોસ્કોને આપ્યા નથી. આ પ્રક્રિયા પૂર્ણ થવામાં હજી કેટલાક મહિનાનો સમય લાગી શકે છે. તેવી જ રીતે, વેપાર અવરોધોને ઘટાડવામાં પણ થોડો સમય લાગી શકે છે.

રશિયાથી તેલ ખરીદવા પર પ્રતિબંધના સંકેતો ત્યારે મળવા લાગ્યા હતા, જ્યારે ભારતીય પેટ્રોલિયમ રિફાઇનરીઓએ રશિયાથી કાચા તેલની ખરીદી ઘટાડવાની શરૂઆત કરી હતી. બીજી તરફ, રશિયાથી ઘટતી સપ્લાયને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો સામનો કરવા માટે ભારતે પશ્ચિમ એશિયા, આફ્રિકા અને દક્ષિણ અમેરિકા પાસેથી પેટ્રોલિયમ ઉત્પાદનોની આયાત વધારી દીધી હતી. આ સંદર્ભમાં ચિંતા ત્યારે ઊભી થઈ હતી, જ્યારે અમેરિકાના કૃષિ સચિવ બ્રૂક રોલિન્સે કહ્યું હતું, 'વેપાર કરાર અમેરિકાના કૃષિ નિકાસને પ્રોત્સાહન આપશે, કિંમતોમાં વધારો કરશે અને અમેરિકાના ગ્રામ વિસ્તારોમાં નાણાંની આવક વધારશે.' આવી સ્થિતિમાં સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે શું મોદી સરકાર ડેરી અને કૃષિ ક્ષેત્રોમાં અમેરિકન ઉત્પાદનો માટે ભારતીય બજારો ખોલતાં, ઘરેલુ ખેડૂતોના હિતોની રક્ષા કરી શકશે? એનો જવાબ આપવામાં કેબિનેટ પ્રધાન ગોયલે જે બૌદ્ધિક વ્યાયામ કર્યો તે સંતોષકારક નથી.

ભારતમાં કૃષિ અને ખેડૂતોનો મુદ્દો રાજકીય રીતે અત્યંત સંવેદનશીલ છે. અમેરિકાના રાષ્ટ્રપતિના સતત દબાણ અને 'મારી વાત માનો અથવા ઊંડા ખાડામાં પડો' જેવા વલણે નવી દિલ્હી ને અનેક છૂટછાટો આપવા અને સમજૂતીઓ કરવા માટે મજબૂર કરી છે એવું દેખાય છે. વેપારના મોરચે અમેરિકા સહુને ભારે પડે છે  તે એક વાસ્તવિકતા છે. જેના કારણે ભારતની વાટાઘાટ કરવાની ક્ષમતા અને તેની વ્યૂહાત્મક સ્વાયત્તતા જાળવી રાખવાની ક્ષમતા અંગે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. સકારાત્મક બાબત એ છે કે ભારતના નિકાસ સ્પર્ધકો, જેમ કે ઈન્ડોનેશિયા, વિયેતનામ અને બાંગ્લાદેશ પર પણ અમેરિકા દ્વારા ઊંચા શુલ્ક લાદવામાં આવી રહ્યા છે. તેમ છતાં, એ ચિંતા પણ વ્યક્ત થઈ રહી છે કે ભારતે ટ્રમ્પને પડકારવાનો એક મોકો ગુમાવ્યો છે.