Get The App

યુક્રેનની કોને પડી છે? .

Updated: Sep 4th, 2025

GS TEAM

Google News
Google News
યુક્રેનની કોને પડી છે?                                                     . 1 - image


યુક્રેન અને રશિયા વચ્ચેનો ગજગ્રાહ હવે અનિયત ઓક્ટોપસ જેવો થઈ ગયો છે. એના અનેક છેડા છે અને એના ઘટનાક્રમની ગતિ પણ સીધી રેખા જેવી નથી. મૂળભૂત રીતે આ સંઘર્ષ અમેરિકાના જગત જમાદાર તરીકેના પદ પરના રિપ્લેસમેન્ટનો છે. અગાઉ અનેક પ્રસંગોએ ચીન પોતાની સર્વોપરિતા પુરવાર કરવા માટે કીડી ચડેલા સાપની જેમ માથા પછાડી ચૂક્યું છે છતાં અમેરિકાની સર્વોચ્ચતાને હણી શક્યું નથી. હવે રશિયાએ પોતાની તાકાતનું આંતરરાષ્ટ્રીય પ્રદર્શન શરૂ કર્યું છે અને એ ચાલુ જ રહેવાનું છે. પુતિન ખુદ પણ અમેરિકાથી ડરી ડરીને આગળ વધી રહ્યા છે. ઉત્તર કોરિયાને મહોરું બનાવીને ચીને અનેકવાર અમેરિકાને પડકાર્યું છે પણ એનું કોઈ પરિણામ આવ્યું નથી. છતાં આ વખતની રશિયાની ચાલબાજી એક માસ્ટર ગેઈમ છે. રશિયાના ટુકડા થયા ત્યારે બધાએ માની લીધું કે રશિયન વિચારધારાના પણ ખંડ-વિ-ખંડ થઈ ગયા છે. દુનિયાને પછીથી બહુ ઝડપથી જો કે ખ્યાલ આવી ગયો હતો કે સામ્યવાદના મૂળમાં છુપાયેલો મૂડીવાદી સામ્રાજ્યવાદ હજુય રશિયાના આત્મા તરીકે વિદ્યમાન છે.

છેલ્લા કેટલાક દિવસથી અમેરિકા ષણ્મુખી વર્તાલાપ કરે છે. એણે રશિયાને ધમકી આપી પણ માત્ર પોતાના નાગરિકોની સુરક્ષા માટે. નાટો દેશોના સંગઠક પ્રવક્તા પણ સતત ફરતું ફરતું બોલે છે. અલાસ્કા જાણે કે એક દંતકથા છે. યુક્રેનના વડાપ્રધાન આંખે પાટા બાંધીને સરહદ પર ભટકતા હોય એવું ચિત્ર છે. કારણ કે તેઓ સ્પષ્ટ રીતે જાણતા નથી કે આટલા લાંબા ચાલેલા યુદ્ધ પછી હવે તેમની મદદમાં કોણ કેવી રીતે મેદાનમાં ઉતરશે. અમેરિકા સહિતના વિવિધ દેશોએ યુક્રેનને મોકલેલી યુદ્ધારંભ પૂર્ર્વેની લશ્કરી કુમક નહિ જેવી હતી ને પછીની મદદ પણ એવી જ રહી છે. ચારેબાજુથી સહસ્ત્ર ફેણે શત્રુ તરીકે ફૂંફાડા મારતા રશિયા સામે યુક્રેન પહોંચેલી વિદેશી કુમકનું કોઈ મૂલ્ય નથી. ભારત રશિયાનું પ્રાચીન મિત્ર છે અને એ મિત્રતા હમણાં જ અપડેટ થયેલી છે. જે રીતે ચીનની ચાલાકીઓ છાની રહી શકી નથી અને પ્રગટ થઈ જાય છે એ રીતે રશિયા પણ હવે કોઈ અભેદ્ય કવચમાં છુપાઈ રહી શકે એમ નથી. મીડિયા અને સોશિયલ મીડિયાની પહોંચ બહુ વધી ગઈ છે.

કોઈ પણ કૌભાંડ કદાચ તરત તળિયેથી નળિયે ન પહોંચે એવું, બને પણ સમયની રફતારમાં એ એક ને એક દિવસે તો જગતના ચોકમાં જાહેર થયા વિના રહેતું નથી. ઝિગ ઝિગલર કહે છે કે કૌભાંડ આચરનારાઓએ પહેલેથી જ એ જાહેર થાય ત્યારના સંયોગોનો એક રોડમેપ એડવાન્સમાં ઘડી રાખવો જોઈએ. રશિયન વડા વ્લાદિમિર પુતિનના એકછત્ર શાસનનો પૂર્ણચન્દ્ર હવે સોળેય કળાનો રહ્યો નથી ને એમાં વદચન્દ્ર જેવી ક્રમિક અંધકાર ભણીની ઓટ આવવા લાગી છે. એટલે ઘર આંગણે પુતિનને નવી લોકપ્રિયતાની તાતી જરૂર છે. એમાં જ હાથમાં આવેલો યુક્રેનનો યુદ્ધ અવસર પુતિન અટકાવે એવું લાગતું નથી. યુક્રેનના સંરક્ષણ મંત્રાલય પર હમણાં જે સાયબર હુમલો થયો તે રશિયન સૈન્યની સાયબર વિંગે કર્યો કે રશિયન હેકરોએ કર્યો એ હજુ નક્કી નથી. જેમ કોરોનાએ ચીનની ખંધી રાજનીતિને ખુલ્લી પાડીને એની તમામ હીનતાઓ છતી કરી એ જ રીતે સાયબર ક્રાઈમને કારણે રશિયા વૈશ્વિક કોર્પોરેટ જગતમાં બહુ બદનામ છે.

અનેક મલ્ટીનેશનલ કંપનીઓના સર્વર અને બેન્કિંગ સિસ્ટમ હેક કરી દેનારા હેકરો રશિયામાં બેઠા છે. ન તો રશિયન સરકાર એને ઝડપી શકી છે અને ન તો આંતરરાષ્ટ્રીય કાનૂન ત્યાં સુધી પહોંચે છે. લાખો ડોલરમાં કંપનીઓને બ્લેકમેલ કરનારા હેકરો હવે ક્રિપ્ટો કરન્સીમાં નાણાં પડાવતા થયા છે. એક ધારણા એવી પણ છે કે રશિયન જાસૂસો આ હેકરો સાથે જોડાયેલા છે. પરંતુ એ બધી પ્રવૃત્તિઓને કારણે રશિયા સાથેના ટેકનોલોજિકલ સંબંધો તોડી નાખનારા દેશોની સંખ્યા નાની નથી. પુતિન પોતે એક પ્રકારના જેમ્સ બોન્ડ જ ગણાય છે, પરંતુ એમની હાલત હવે ઓલ્ડ એજ લાયન જેવી થતી જાય છે. તેઓ પ્રજાનો વિરોધ બહુ લાંબો સમય વેઠી શકશે નહિ. દુનિયાના વિવિધ દેશોના વડાઓએ રશિયાને યુદ્ધને ઉદઘાટિત ન કરવા માટે મંત્રણાઓ કરી હતી ને એનું કોઈ પરિણામ આવ્યું ન હતું એ જ રીતે યુદ્ધ અટકાવી દેવાના પ્રયાસોનું પરિણામ શૂન્ય જ આવી રહ્યું છે. યુક્રેનની હાલત નાટો દેશોએ એની વકીલાત કરી કરીને એક નિર્બળ રાષ્ટ્ર તરીકે આલેખી છે પણ ખરેખર યુક્રેન નાનું તોય નાગનું બચ્ચું છે. વળતા હુમલામાં એ રશિયાને ઘણું નુકસાન કરવાની તાકાત ધરાવે છે અને સામે મોરચે લડીને નુકસાન કરી જ રહ્યું છે. જેને આપણે ન્યુ નોર્મલ કહીએ છીએ એની એક લાક્ષણિકતા એ છે કે તમારા આંસુ તમારી પાસે રાખો અને મારું સ્મિત મારી પાસે રહેવા દો. મનુષ્યત્વની આ ભયાનકતા વિશ્વના અનેક રંગમંચ પર હવે પ્રગટ થવા લાગી છે.

Tags :