Get The App

સામાન્ય નાગરિકની ઉપાધિ .

Updated: Mar 31st, 2026

GS TEAM

Google News
Google News
સામાન્ય નાગરિકની ઉપાધિ                                     . 1 - image

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધથી ઉદભવેલી કટોકટી ફેલાતી જાય છે તેમ, એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે સામાન્ય લોકો સૌથી વધુ પ્રભાવિત થશે. ચીજવસ્તુઓના ભાવમાં ઝડપી વધારાને કારણે ઘણા લોકો રોજિંદા જીવનજરૂરી ચીજવસ્તુઓની ખરીદી કરતા વિચારી રહ્યા છે કે યુદ્ધ ક્યારે સમાપ્ત થશે અને સામાન્ય સ્થિતિ ક્યારે પાછી આવશે. બીજી તરફ અનિયંત્રિત અફવાઓને સરકારે માંડ માંડ વાસ્તવિકતાઓથી અંકુશમાં રાખી છે. વડાપ્રધાને તેમના ભાષણમાં કોરોના જેવા ભયાવહ શબ્દનો પ્રયોગ કર્યો એનાથી લોકડાઉન સહિતની ભ્રમણાઓને ગતિ મળી ગઈ.

સામાન્ય સ્થિતિ જાળવી રાખવી, ખાસ કરીને પેટ્રોલ, ડિઝલ અને રસોઈ ગેસની ઉપલબ્ધતા અંગેની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, સરકારની ટોચની પ્રાથમિકતા છે, સારું છે કે પાંચ વિધવિધ વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે. એનડીએ સરકારની એ પ્રમુખ લાક્ષણિકતા છે કે ચૂંટણીઓ જ એને પ્રજાહિત તરફ એકાગ્ર રાખે છે. વન નેશન વન ઈલેક્શન બહુ સારી વાત છે, પણ તો પછી જે-તે સરકારને પ્રજાહિતનો વિચાર કરવાનો મોકો પણ પંચવાર્ષિક થઈ જવાનો ભય રહેશે. ભારતમાં હાલ તો પેટ્રોલ ડિઝલના ભાવની તુલા જાળવવવા એક પગલું ભરતા, સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડયુટીમાં દસ રૂપિયાનો ઘટાડો કર્યો છે. જ્યારે આનાથી ફક્ત ઓઈલ કંપનીઓને રાહત મળશે, તો એવી પણ આશા રાખી શકાય છે કે સામાન્ય જનતા માટે ઉપલબ્ધ પેટ્રોલ અને ડીઝલના ભાવ હાલ પૂરતા સ્થિર રહી શકે છે.

જોકે, ઈરાન પર ઇઝરાયલ અને અમેરિકાના હુમલા બાદ વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલ સપ્લાયમાં વિક્ષેપ પડવાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વૈશ્વિક ઉછાળો આવ્યો છે. ભારત સામે આ કટોકટી વચ્ચે સામાન્ય માણસને રાહત આપવા માટે પગલાં લેવાનો પડકાર પણ છે. પાડોશી દેશ પાકિસ્તાનમાં તો પેટ્રોલના ભાવ લીટરે પાંચ હજાર રૂપિયાને કૂદી ગયા છે. જોકે એની કરન્સી પણ નિર્માલ્ય થઈ ગઈ છે. એ દેશ આખો અંદરથી ખલાસ થઈ ગયો છે. રાષ્ટ્ર તરીકે એને ઈચ્છામૃત્યુનું વળગણ છે એટલે જ અપરાધીઓનું વૈશ્વિક રેસ્ટહાઉસ આજે પાક ગણાય છે.

એક્સાઇઝ ડયુટીમાં ઘટાડો પેટ્રોલ અને ડીઝલના ખુલ્લા બજાર ભાવોને સ્થિર કરવામાં મદદ કરી શકે છે, પરંતુ હાલમાં વાસ્તવિક સમસ્યા ઉપલબ્ધિની છે. દેશભરમાંથી મળેલા અહેવાલો દર્શાવે છે કે લોકોને પેટ્રોલ અને ડીઝલ મેળવવામાં અસંખ્ય મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કટોકટી વધુ વણસશે તે ડરથી, વધારાના પેટ્રોલ અને ડીઝલ ખરીદવાની દોડ પણ જોવા મળી રહી છે. બીજી તરફ, રસોઈ ગેસ સિલિન્ડરના પુરવઠામાં વિક્ષેપના પ્રમાણથી વ્યાપક ચિંતા ફેલાઈ છે. ઘણા લોકો પાસે રસોઈ ગેસ ખતમ થઈ ગયો છે, અને એજન્સીઓમાં તેની ઉપલબ્ધિ અત્યંત મર્યાદિત છે.

સરકાર જાહેરમાં ખાતરી આપી રહી છે કે ગભરાવાની જરૂર નથી, કારણ કે દેશમાં પૂરતા પ્રમાણમાં તેલ અને ગેસ ભંડાર છે. સરકારે ક્રૂડ ઓઇલ ખરીદવા માટે અન્ય વિકલ્પો પણ શોધી લીધા છે, પરંતુ પરિસ્થિતિ એવી છે કે LPG  સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, તેને મેળવવા માટે જરૂરી સમય વધારવામાં આવ્યો છે, અને કોમર્શિયલ સિલિન્ડરનો પુરવઠો પણ મર્યાદિત કરવામાં આવ્યો છે. આમ છતાં, ઘણા લોકો માટે LPG  સિલિન્ડર મેળવવું એક મોટો પડકાર બની ગયો છે. સિલિન્ડરોના કાળાબજાર અને સંગ્રહખોરીની ફરિયાદો પણ ઘણી જગ્યાએથી મળી છે. તેના જવાબમાં, પ્રધાનમંત્રીએ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી છે અને તેમને સંગ્રહખોરી અને કાળાબજાર સામે કડક કાર્યવાહી કરવા વિનંતી કરી છે.

પરંતુ એ વાત ચોક્કસ છે કે જ્યાં સુધી સરકાર આ કટોકટી દરમિયાન વૈકલ્પિક પગલાં અથવા આંતરરાષ્ટ્રીય સ્તરે રાજદ્વારી પ્રયાસો દ્વારા ઓઈલ અને ગેસના પુરવઠાને સામાન્ય બનાવવાની વ્યવસ્થા નહીં કરે, ત્યાં સુધી લોકોમાં આશંકાની સ્થિતિ ચાલુ રહેશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે જે રીતે સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડયુટી ઘટાડીને કંપનીઓને રાહત આપી છે, તેવી જ રીતે તે LPG   સિલિન્ડરનો સરળ પુરવઠો સુનિશ્ચિત કરશે અને સામાન્ય લોકોની દૈનિક આવશ્યક ચીજવસ્તુઓના ભાવ નિયંત્રણમાં રાખશે.