વન વિનાશનું સંકટ .
આપણી નીતિઓ, ખાસ કરીને જંગલો સંબંધિત નીતિઓ, આ ખ્યાલ પર આધારિત છે કે આપણે આપણાં કુદરતી સંસાધનોને વપરાશ પછી ફરીથી ઉત્પન્ન કરીશું. જંગલોને વળતર આપવાના હેતુથી બનાવવામાં આવેલી વ્યવસ્થા ને તંત્ર CAMPA આ વિચારનું ઉદાહરણ છે, પરંતુ શું આપણે લાખો એકર જંગલોને કાપ્યા પછી ફરીથી હરિયાળું બનાવી શકીશું? કમ્પેન્સેટરી અફોરેસ્ટેશન ફંડ મેનેજમેન્ટ એન્ડ પ્લાનિંગ ઓથોરિટી (CAMPA) ફંડનો ઉપયોગ વન જમીન અને ઇકોસિસ્ટમ સેવાઓના નુકસાનની ભરપાઈ કરવા માટે થાય છે. વળતર આપનાર વનીકરણ ઉપરાંત, તેનો ઉપયોગ જંગલોની ગુણવત્તા સુધારવા, જૈવ વિવિધતા વધારવા, વન્યજીવોનાં નિવાસસ્થાનમાં સુધારો કરવા, જંગલની આગને નિયંત્રિત કરવા, વન સંરક્ષણ અને માટી અને જળ સંરક્ષણ પગલાં માટે થાય છે. ટેમ્પા પ્રવૃત્તિઓ સ્થાનિક સમુદાયોને વનીકરણ, નર્સરીઓ તૈયાર કરવા, માટી-પાણી સંરક્ષણ અને વન સંરક્ષણ પ્રવૃત્તિઓમાં સામેલ કરીને લાગુ કરવામાં આવે છે.
વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન, એટલે કે નવા કેમ્પા ફંડ નિયમો અમલમાં આવ્યા પછીના સમગ્ર વર્ષ દરમિયાન, રાજ્યોને તેમના હિસ્સા તરીકે કુલ ૪૭.૮૬ હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૧૯-૨૦થી ૨૦૨૨-૨૩ (જાન્યુઆરી ૨૦૨૩ સુધી) સુધી, મધ્યપ્રદેશને ૬.૧૨ હજાર કરોડ રૂપિયા મળ્યા છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે વર્ષ ૨૦૧૯થી ૨૦૨૪-૨૫ સુધી મધ્યપ્રદેશમાં ૨૧ કરોડ ૭૮ લાખથી વધુ છોડ વાવવામાં આવ્યા છે. વન વિભાગની નવી યોજના મુજબ, ૫૦ લાખ હેક્ટર વન વિસ્તારને હરિયાળો બનાવવાનો લક્ષ્યાંક છે. આ માટે પાંચ વર્ષનો કાર્યક્રમ બનાવવામાં આવ્યો છે, પરંતુ ઘણીવાર એવું જોવા મળે છે કે વૃક્ષારોપણ કાર્યક્રમમાં છોડ વિનાશ દર ખૂબ ઊંચો છે. લક્ષ્યાંકો હાંસલ કરવાની ઉતાવળમાં, વન વિભાગો પુન:સ્થાપનમાં નિષ્ફળ જાય છે. સફળ વનીકરણ કાર્યક્રમોમાં નજીકમાં રહેતા અને કામ કરતા લોકો દ્વારા લાંબા ગાળાની જાળવણી માટે આયોજન કરવું જોઈએ.
૨૦ માર્ચ, ૨૦૨૫ ના રોજ યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP), ક્લાઇમેટ એન્ડ લેન્ડ યુઝ કોએલિશન અને અન્ય ભાગીદારો દ્વારા સમર્થિત ફોરેસ્ટ ડેક્લેરેશન એસેસમેન્ટ દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલમાં સરકારી ભંડોળ અને જરૂરત વચ્ચેનો ગહન ભેદ સ્પષ્ટપણે દર્શાવે છે. વનનાબૂદી રોકવા માટે દર વર્ષે અંદાજે ૪૬૦ બિલિયન ડોલરની જરૂર છે, પરંતુ વાસ્તવિક નાણાંકીય સહાય ઘણી ઓછી છે. ૨૦૨૩માં, ખાનગી નાણાંકીય સંસ્થાઓએ વનનાબૂદી સંબંધિત ક્ષેત્રોમાં ૬.૧ ટ્રિલિયન ડોલરનું રોકાણ કર્યું હતું, જ્યારે સરકાર વન સંરક્ષણને બદલે પર્યાવરણીય પરિક્ષેત્રમાં માત્ર વાર્ષિક ૫૦૦ બિલિયન ડોલરની સબસિડી આપવાનું ચાલુ રાખે છે.
ભારત જેવા વૈવિધ્યસભર અને પર્યાવરણીય રીતે સમૃદ્ધ દેશમાં, જંગલો અને વૃક્ષો લગભગ ૮,૨૭,૩૫૭ ચોરસ કિલોમીટર વિસ્તારને આવરી લે છે, જે ભારતના ભૌગોલિક વિસ્તારના ૨૫.૧૭ ટકા છે. મધ્યપ્રદેશમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી વધુ વન વિસ્તાર છે, જે લગભગ ૭૭,૦૭૩ ચોરસ કિલોમીટર છે. ઈન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ (ISFR) ૨૦૨૩ મુજબ, મધ્યપ્રદેશમાં તમામ રાજ્યોમાં જંગલ અને વૃક્ષ આવરણમાં લગભગ ૬૧૨.૪૧ ચોરસ કિલોમીટરનો ઘટાડો જોવા મળ્યો છે. એટલે કે, સન ૨૦૧૯માં વન વિસ્તાર ૭૭,૪૮૨ ચોરસ કિલોમીટર હતો, જે હવે ઘટીને ૭૭,૦૦૦ ચોરસ કિલોમીટર થયો છે.
મધ્યપ્રદેશમાં વનનાબૂદીનો મુદ્દો એક મોટી રાષ્ટ્રીય ચર્ચાનો ભાગ છે. સન ૨૦૧૪થી ૨૦૨૪ દરમિયાન દેશમાં ૧,૭૩,૦૦૦ હેક્ટર વન જમીનને બિન-વનીકરણ ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે. આમાં મધ્યપ્રદેશનો હિસ્સો લગભગ ૨૨ ટકા છે. તેથી, વિકાસ પ્રોજેક્ટ્સ માટે મંજૂરી મેળવવાના સંદર્ભમાં મધ્યપ્રદેશ પ્રથમ ક્રમે છે. મધ્યપ્રદેશમાં ૨૦૧૪થી ૨૦૨૪ દરમિયાન વિકાસના નામે દેશમાં સૌથી વધુ વનનાબૂદી જોવા મળી છે. કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે સંસદમાં એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન રાજ્યએ વિવિધ જાહેર ઉપયોગિતા પ્રોજેક્ટ્સ માટે ૩૮,૫૫૨ હેક્ટર વન જમીન ગુમાવી છે. ગ્લોબલ ફોરેસ્ટ વોચ જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ અહેવાલ આપ્યો છે કે ભારતે ૨૦૦૧ થી આજ સુધીમાં ૨૩૩૦૦ ચોરસ કિલોમીટર વૃક્ષ વિસ્તાર ગુમાવ્યો છે. ૨૦૧૩થી ૨૦૨૩ દરમિયાન ૯૫ ટકા વનનાબૂદી કુદરતી જંગલોમાં થઈ છે.