લોકશાહીમાં, વિધાનસભા, ન્યાયતંત્ર અને કારોબારીની વારંવાર નિષ્ફળતાનું એક કારણ સ્થળ પર તેમની ગેરહાજરી છે, જેનું એક કારણ વહીવટી એકમોનું વિશાળ કદ છે. તો શું નાનાં રાજ્યો વધુ અસરકારક હોઈ શકે? અત્યાર સુધીના અનુભવો આ જ દર્શાવે છે. નવા રાજ્યની રચના સરળ કાર્ય નથી અને આવો નિર્ણય ઘણો વિચાર અને વ્યાપક વિચાર- વિમર્શ પછી જ લઈ શકાય છે. વાસ્તવિક અનુભવો દર્શાવે છે કે જ્યારે આ પ્રકારનો માર્ગ અપનાવવામાં આવે છે, ત્યારે નવાં રાજ્યોના નિર્માણથી ઘણા વિવાદો ઉકેલાવા ઉપરાંતના અન્ય કેટલાક ફાયદા પણ થાય છે.
આઝાદી પછી, પંજાબ રાજ્યને લગતા કેટલાક વિવાદો હતા, ત્યારબાદ પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશના રૂપમાં આપણી સામે આવેલા રાજ્યોએ વિવાદોને ઉકેલવામાં અને તમામ પ્રદેશોના લોકોને સંતુષ્ટ કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશનાં ત્રણ અલગ-અલગ રાજ્યોનો ઉદભવ એ ભારતીય લોકશાહી માટે સંતોષકારક ઉકેલ નીવડયો છે. જોકે આ ત્રણેય રાજ્યોના વિકાસ મોડેલમાં કેટલીક ખામીઓ અને વિસંગતતાઓ જોવા મળી છે, પરંતુ જો રાષ્ટ્રીય સ્તરે જોવામાં આવે તો, આ ત્રણેય પ્રમાણમાં નાનાં રાજ્યો હંમેશા વધુ સમૃદ્ધ અને દેશમાં વિકાસના વધુ સારા સીમાસ્થંભો સ્થાપનારા ગણાય છે. પ્રાદેશિક સંસ્કૃતિના સ્તરે પણ પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશની રચના સંતોષકારક રહી છે.
પછીથી બનેલાં નવાં રાજ્યોની વાત કરીએ તો છત્તીસગઢ, ઉત્તરાખંડ, તેલંગણા અને ઝારખંડનાં ઉદાહરણો આપણી સામે છે. આ વિસ્તારોમાં અલગ રાજ્યની માંગ ઘણા સમયથી ઉઠી રહી હતી. લોકોને પણ નવા રાજ્યો પાસેથી ઘણી આશાઓ હતી. આ વ્યાપક અપેક્ષાઓની તુલનામાં, લોકોને પર્યાપ્ત લાભો ન મળી શકે, તેમ છતાં એકંદરે પ્રાદેશિક સ્તરે આ નવાં રાજ્યોથી થોડો સંતોષ છે. આ ચાર રાજ્યોની રચના પણ ભારતીય લોકશાહી માટે શક્તિનો સ્રોત બની. પ્રાદેશિક સંસ્કૃતિઓને વધુ ઉભરી આવવાની તક મળી અને પ્રાદેશિક સ્તરે રાજકીય પ્રતિનિધિત્વને પણ વધુ સારી તકો મળી. યોગી આદિત્યની માન્યતા વિરુદ્ધ કેન્દ્ર સરકારે ઉત્તર પ્રદેશની ભૌગોલિક નવરચના કરવાનો સૈદ્ધાંતિક નિર્ણય લઈ લીધો છે જે હજુ જાહેર થયો નથી.
એક મોટો પ્રશ્ન એ છે કે, શું ભવિષ્યમાં કેટલાંક નવાં રાજ્યોનું નિર્માણ પણ સમાધાનકારી, વ્યાપક ચર્ચાથી આગળ વધશે, જેથી તે કોઈ નવી સમસ્યા ન સર્જે, પરંતુ ભારતીય લોકશાહી માટે શક્તિનો સ્રોત બની રહેશે? આ સંદર્ભમાં, કોઈપણ ચર્ચામાં મોટાભાગના લોકોનું ધ્યાન ઉત્તર પ્રદેશ તરફ જાય છે, કારણ કે હાલમાં ઉત્તર પ્રદેશ સૌથી મોટું રાજ્ય છે. જ્યાં નવાં, પ્રમાણમાં નાનાં રાજ્યોની શક્યતા વધારે છે. જો તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરેરાશ વસ્તી જોવામાં આવે તો ઉત્તર પ્રદેશની વસ્તી આના કરતા લગભગ પાંચ ગણી વધારે છે. જો આપણે ભારતના ત્રણ પડોશી દેશો (નેપાળ, શ્રીલંકા, મ્યાનમાર) પર નજર કરીએ, તો માત્ર ઉત્તર પ્રદેશ રાજ્યની વસ્તી તેમની સંયુક્ત વસ્તી કરતા પણ બમણી છે.
પશ્ચિમ-ઉત્તર પ્રદેશને ક્યારેક હરિત-પ્રદેશ કહેવામાં આવે છે. તેમાં નોઈડા, ગાઝિયાબાદ, સહારનપુર, મેરઠ, મુઝફ્ફરનગર, આગ્રા, મથુરા જેવાં મોટાં શહેરો છે. તે દિલ્હીની નજીક છે. રાજકીય પ્રતિનિધિત્વ મજબૂત છે. અહીં અલગ રાજ્યની શક્યતાઓ છે. તેવી જ રીતે પૂર્વ-ઉત્તર પ્રદેશમાં પણ આવી જ શક્યતાઓ છે. અહીં વારાણસી અને ગોરખપુર જેવાં મોટાં અને પ્રખ્યાત શહેરો છે. આ પ્રદેશને ક્યારેક પૂર્વાંચલ પણ કહેવામાં આવે છે. રાજકીય રીતે પણ આ વિસ્તાર ઘણો સક્રિય છે. મધ્ય-ઉત્તર પ્રદેશમાં લખનૌ અને કાનપુર જેવા પ્રખ્યાત શહેરો છે. અહીં એક અલગ રાજ્ય પણ બની શકે છે જેના માટે રાજધાની લખનૌ પહેલાથી જ અસ્તિત્વમાં છે.
અલગ બુંદેલખંડ રાજ્યની માંગ ઘણા સમયથી ઉઠી રહી છે. ઉત્તર પ્રદેશના સાત જિલ્લાઓ બુંદેલખંડીની ઓળખ સાથે જોડાયેલા છે. મધ્યપ્રદેશમાં બુંદેલખંડી ઓળખ ધરાવતા જિલ્લાઓની લગભગ એટલી જ સંખ્યા છે. જો આને મર્જ કરવામાં આવે તો બુંદેલખંડ રાજ્યની લાંબા સમયથી પડતર માંગણી પણ એકસાથે પૂરી થઈ શકે છે. તેમાં ઝાંસી (ઉત્તર પ્રદેશ) અને સાગર (મધ્યપ્રદેશ) જેવાં મોટાં શહેરો હશે. આ રીતે, ચાર નવાં રાજ્યોની સ્થાપના થઈ શકે છે, જેને તેમના પોતાના સાંસ્કૃતિક અને રાજકીય એકમો તરીકે ઓળખવામાં આવે છે. આમાંથી ત્રણ રાજ્યોની વસ્તી ભારતના સરેરાશ રાજ્યોની વસ્તી કરતાં વધુ હોવાની શક્યતા છે. આ તમામ રાજ્યો પોતાની એક સર્વગ્રાહી ઓળખ સાથે એક એકમ બની શકે છે. ઉત્તર ભારતના મોટાભાગનાં રાજ્યો પ્રમાણમાં ઓછી વસ્તીવાળાં રાજ્યો છે અને તેની સરખામણીમાં આ નવા રાજ્યો કેટલાક મોટા રાજ્યો જેવા દેખાશે. આ ચાર રાજ્યોની રચના ભારતીય લોકશાહીના રાજકીય સંતુલનને સુધારવામાં પણ મદદ કરશે.


