Get The App

ચૂંટણી પંચની કસોટી .

Updated: Oct 30th, 2025

GS TEAM

Google News
Google News
ચૂંટણી પંચની કસોટી                                      . 1 - image

અપેક્ષા મુજબ, ચૂંટણી પંચે મતદાર યાદીઓની ખાસ સઘન સુધારણા (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવીઝન, SIR)ના બીજા તબક્કાની ઔપચારિક શરૂઆત કરી છે. આ તબક્કામાં નવ રાજ્યો અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોમાં આશરે એકાવન કરોડ મતદારોને આવરી લેવામાં આવશે. ચૂંટણી પંચે આ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે માત્ર ત્રણ મહિના ફાળવ્યા છે. જે ખરેખર તો આ જટિલ અને બારીક પ્રક્રિયા માટે ઓછા પડે એમ છે. બિહારમાં SIRને લગતા લાંબા સમયથી ચાલી રહેલા વિવાદને જોતાં, આ પ્રક્રિયાને અનેક પડકારોનો સામનો કરવો પડશે, ખાસ કરીને વિપક્ષો દ્વારા શાસિત રાજ્યોમાં. પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને વળી મહારાષ્ટ્રમાંથી પણ આવી પ્રતિક્રિયાઓ આવવા લાગી છે. ભાજપ શાસિત રાજ્યોમાં પણ જ્યાં સમર્થ વિપક્ષ છે ત્યાં પંચની તટસ્થતાનું સરેઆમ મૂલ્યાંકન તો થવાનું જ છે. કોઈ પણ લોકશાહીમાં પારદર્શક ચૂંટણી પ્રક્રિયા માટે લાયક મતદારોના નામ મતદાર યાદીમાં સામેલ કરવા જરૂરી છે. અને એ જ રીતે દિવંગત, અનધિકૃત કે ના-લાયક નામોનું રદ્દીકરણ પણ જરૂરી છે.

જોકે, અયોગ્ય મતદારોને દૂર કરવાના ઉદ્દેશ્ય વિશે કોઈ વિવાદ હોઈ શકે નહીં. વળી, ચૂંટણી પંચ પાસે કંઈ ચિત્રગુપ્તનો ચોપડો નથી અને એ કંઈ અંતર્યામી દેવાધિદેવ નથી એટલે એનાથી પણ ભૂલો થવી સ્વાભાવિક છે. બિહારમાં SIR પ્રક્રિયા દરમિયાન વિરોધ પક્ષો તરફથી મળેલી તીવ્ર પ્રતિક્રિયાને જોતાં, સમગ્ર પ્રક્રિયા દરમિયાન પારદર્શિતા, ન્યાયીતા અને જવાબદારી સુનિશ્ચિત કરવાની તાત્કાલિક જરૂર છે. આ સંદર્ભમાં, મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાાનેશ કુમારે એક ચોખવટ એ કરી છે કે આગામી SIRનો હેતુ મતદાર યાદીઓની લાંબા સમયથી પડતર રાષ્ટ્રવ્યાપી શુદ્ધિ-વૃદ્ધિ પૂર્ણ કરવાનો છે. દેશમાં સમયાંતરે આવી વ્યાપક સુધારણાઓ થઈ છે, જેમાં છેલ્લો સુધારો બે દાયકા પહેલા થયો હતો. એ સ્પષ્ટ છે કે આ લાંબા સમયગાળા દરમિયાન મતદાર યાદીઓમાં ઘણી વિસંગતતાઓ અને ભૂલો આવી હશે. પંચે બિહાર અને પશ્ચિમ બંગાળ બંનેમાં પ્રશાંત કિશોરનું નામ મતદાર તરીકે સૂચિબદ્ધ થવાનું ઉદાહરણ આપ્યું.

દેશમાં નિષ્પક્ષ ચૂંટણીઓ માટે આ યાદીઓની ચકાસણી જરૂરી છે. તેમ છતાં, વિરોધ પક્ષોની ચિંતાઓને અવગણવી ન જોઈએ. લોકશાહી ચૂંટણી પ્રક્રિયા માટે જાહેર ઉત્સાહ જાળવી રાખવો પણ મહત્ત્વપૂર્ણ છે. ખરેખર, કોંગ્રેસ, સીપીઆઈ(એમ) અને તૃણમૂલ કોંગ્રેસ જેવા પક્ષોને ડર છે કે સાચા મતદારોને મતાધિકારથી વંચિત રાખવાના દુર્બોધક હેતુ સાથે રાખીને ગેરકાયદે મતદારોને ઓળખવાના નામે ઘણું બધું થઈ શકે છે. જોકે બિહારમાં થયેલી કવાયત પછી, આ પ્રક્રિયાએ કેટલા ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને સફળતાપૂર્વક દૂર કર્યા છે તે જાણી શકાયું નથી. ચૂંટણી પંચની પ્રતિષ્ઠા યોગ્ય પ્રક્રિયા, ખંત અને જાહેર વિશ્વાસ પર આધારિત છે. 

ચૂંટણી પંચે વ્યાપક ચકાસણી હાથ ધરવાની, પ્રક્રિયામાં સામેલ તમામ હિસ્સેદારો સાથે પરામર્શ કરવાની અને સાચા મતદારોના મતદાનના અધિકારને સુનિશ્ચિત કરવા માટે એક મજબૂત નિવારણ પદ્ધતિ વિકસાવવાની જરૂર છે. પ્રક્રિયામાં જનતાનો વિશ્વાસ જાળવી રાખવા માટે વિરોધ પક્ષો દ્વારા મત ચોરી અને અન્ય ગેરરીતિઓના આરોપોને નક્કર પુરાવા સાથે રદિયો આપવો જોઈએ. SIRના બીજા તબક્કાનું એક સકારાત્મક પાસું એ છે કે કમિશને બિહારમાં થયેલી ઉતાવળ અને અરાજકતાના આરોપોને ટાળવા માટે એમના ધારવા પ્રમાણે પ્રક્રિયા માટે પૂરતો સમય પૂરો પાડયો છે. આધાર કાર્ડને સહાયક દસ્તાવેજ તરીકે ઓળખવાથી આ વખતે પ્રક્રિયાને સરળ બનાવવામાં ફાયદો થશે. એવું માનવામાં આવે છે કે બિહારમાં ખાસ સઘન સુધારણા પ્રક્રિયા દરમિયાન સામનો કરવામાં આવેલા પડકારો આ બીજા તબક્કા માટે માર્ગદર્શિકા તરીકે કામ કરશે.

બીજા તબક્કામાં સમાવિષ્ટ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના લોકોને બિહારના લોકો જેવી મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તેની ખાતરી કરવી જરૂરી છે, પરંતુ એ પણ સુનિશ્ચિત કરવું મહત્વપૂર્ણ છે કે લાયક મતદારો બાકાત ન રહે અને મતદાર યાદીમાં કોઈ નકલી મતદાતાનો સમાવેશ ન થાય. બીજા તબક્કા દરમિયાન સમગ્ર સુધારણા પ્રક્રિયામાંથી પસાર થનારાં કેટલાક રાજ્યોમાં તો આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. આમાં પશ્ચિમ બંગાળ, કેરળ, તમિલનાડુ અને પુડુચેરીનો સમાવેશ થાય છે. વળી, આ બધા એવા પ્રદેશો છે જ્યાં કેન્દ્ર પરના શાસક પક્ષ એનડીએની તાકાત ઝાંખી પડે છે. એટલે આ પ્રકારના શુદ્ધિકરણ શકુનિના હાથના પાસા ન બની જાય તેની ચિંતા વિપક્ષો કરવાના જ છે. એ બધું સાંભળવાની અને પોતાના પણ શુદ્ધિકરણની ભાવના રાખીને પંચે આ કામ કરવાનું છે.