Get The App

ખેડૂતો તરફ ઉદાસીનતા

Updated: Dec 30th, 2025

GS TEAM

Google News
Google News
ખેડૂતો તરફ ઉદાસીનતા 1 - image

દેશના ખેડૂત નેતાઓ સુખના સર્વોચ્ચ સિંહાસને બિરાજતા થયા છે અને તેમના અનુયાયીઓના પ્રશ્નો હતા તેટલા તો છે જ, ઉપરાંત તે અભિવૃદ્ધ પણ થયા છે. આ સંજોગોમાં મિસ્ટર મોદીએ વહેતી મૂકેલી અને હરિયાળા ખેતરોના પવન પરથી વહેતી થયેલી આવક ડબલ કરવાની વાર્તા કેલેન્ડરનાં પાનાંઓના ઝડપી પરિવર્તન સાથે હાસ્યાસ્પદ પુરવાર થવા તરફ આગળ વધી રહી છે. દરેક જાદુગર તેની મીડિયા મુલાકાતમાં સદાય કહેતો હોય છે કે દુનિયામાં જાદુ જેવું કંઇ હોતું નથી, આ વાત મિસ્ટર મોદીએ પણ એકવાર ખેડૂતોને પોતાના અવાજમાં કહી દેવાની જરૂર છે કે કોઇ જાદુ થવાની સંભાવના નથી.

અગાઉની યુપીએ સરકાર પર જે રીતે ભ્રષ્ટાચારના એક પછી એક ઝંઝાવાતો ગંભીર આક્ષેપ બનીને આવતા ગયા અને છેવટે એ જ કારણોમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અને રાજકીય નેતૃત્વ સમાપ્ત થઇ ગયું એ જ રીતે વિવિધ ચૂંટણીઓનાં રહસ્યમય પરિણામો અને રાષ્ટ્રીય સંસ્થાઓ વેચી મારવાની પેરવી દ્વારા થતા કૌભાંડોએ એક પછી એક પ્રગટ થઇને વર્તમાન એનડીએ સરકારને ઘેરી લીધી છે. કેન્દ્રની  ભાજપનું નેતૃત્વ ધરાવતી સરકારે પોતે જ સ્વપરાક્રમે દેશના અર્થતંત્રને અનેક ખોટા નિર્ણયોથી હાલકડોલક તો કરી જ મૂક્યું હતું તેમાં પ્રજાના પૈસે કંપનીઓ રચીને બેન્કોની તિજોરી ખાલી કરનારી એક આખી બટાલિયન જ રાષ્ટ્રીય ક્ષિતિજે દેખા દેતા વર્તમાન કેન્દ્ર સરકારની હાલત કફોડી થઇ ગઇ છે.

આ પરિસ્થિતિમાં સરકાર કેટલાક મહત્વના એજન્ડા ચૂકી જઇ રહી છે. તેમાં ખેડૂતોની આવક બમણી કરવાનો મુસદ્દો પણ છે. વિધિની એ વિચિત્રતા છે કે જ્યારથી વડાપ્રધાન મોદીએ ખેડૂતોની આવક બેવડી કરવાનો તરંગ વહેતો મૂક્યો છે ત્યારથી ખેડૂતો વિવિધ પ્રશ્નોમાં બેવડ વળી રહ્યાં છે અને તેમની આવક અરધી થવા આવી છે. કિસાનો જ્યારે પોતાની ઉપજ-નીપજ લઇને બજારમાં આવે છે ત્યારે જે ભાવ એને કાને સાંભળવા મળે છે ત્યાંથી જ એને સરકારની વ્યર્થ વાર્તાઓનો અનુભવ થવા લાગે છે. તત્કાલીન નાણાપ્રધાન અરૂણ જેટલીએ તેમના એક બજેટ વ્યાખ્યાનમાં કહ્યું હતું કે ખેડૂતોને માલની કિંમતનો ૧.૫ એટલે કે દોઢ ગણો ભાવ સરકાર ટેકાના ભાવરૂપે (એમએસપી-મિનિમમ સપોર્ટ પ્રાઇસ) આપશે. પણ આજ સુધી કિસાનોનો અનુભવ વિપરીત રહ્યો છે.

સ્વામિનાથન કમિશનની ભલામણો અને એ અહેવાલના અન્ય પાસાઓ સાથે સરકારે વારે ને પ્રસંગે ઉતાવળે આપેલા વચનનો મેળ બેસતો નથી. વડાપ્રધાન મોદીએ આ સંજોગો જાણી લીધા છે. એટલે તેમણે પોતાની વાણી પલટાવીને હવે કિસાનોના સંમેલનોમાં એમ કહેવાની શરૂઆત કરી છે કે બધી પડતર કિંમતનો વિચાર કરીને દોઢ ગણો ટેકાનો ભાવ આપવામાં આવશે. ખેડૂતોને જે જલદી સમજાતું નથી એવું સરકારના પેટમાં પાપ એ છે કે પડતર કિંમતો નક્કી કરતી વખતે આ સરકાર ખેડૂતોના શ્રમનું મૂલ્ય નહિવત્ આંકવાની હોય છે, એટલે પડતર જ ઓછી આવે છે. મિસ્ટર મોદીએ પોતાની જ વાતને પોતે કઈ રીતે ટ્વીસ્ટ કરી એ ખેડૂતો જલદી નહિ સમજે.

કારણ કે ભાજપની મૂળભૂત વાત બજારભાવના દોઢ ગણા થાય એવા ટેકાના ભાવની હતી અને વત્પ્રધાન મોદીએ પડતર કિંમતના દોઢ ગણા ટેકાના ભાવની વાત કરી. બાજી આખી બદલાઇ ગઇ. રાષ્ટ્રીય કક્ષાએ સરવાળો માંડો તો આ મોદી કે મોડી ફોર્મ્યુલાથી દરેક રાજય દીઠ ખેડૂતોને કરોડોનું નુકસાન ગયું હોય. ખેડૂતોના શ્રમનું મૂલ્ય સરકાર કેમ ઓછું આંકવાનું ધારે છે? એક ધારાસભ્ય કે સંસદસભ્યનું એક દિવસનું શ્રમનું મૂલ્ય સરકાર શું ચૂકવે છે? અધ્યાપક કે શિક્ષકના શ્રમનું એક દિવસનું મૂલ્ય શું? અરે સરકાર તેના ત્રીજા વર્ગના કર્મચારીના એક દિવસના શ્રમનું મૂલ્ય શું આપે છે? અને ફસલ બજારમાં આવે અને ટેકાના ભાવ નક્કી કરવાના હોય ત્યારે કૃષિ ઉત્પાદનમાં ખેડૂતના એક દિવસના શ્રમનું મૂલ્ય સરકાર શું નક્કી કરે છે?

ખેડૂતો એમ કહેતા જ નથી કે અમારા માલને સોનાના ભાવે જોખી લો. તેઓની રજૂઆત સીધી અને સરળ છે કે કૃષિ આધારિત પરિવારો કૃષિ પર જ નભી શકે અને એમાંથી જ પરિવારનું ભરણપોષણ કરી શકે એ રીતે જો ભાવ નક્કી કરવામાં નહિ આવે તો લાંબે ગાળે ખેડૂતો અને ખેતી બન્ને વિખૂટા પડી જશે. આજે જ દેશના કરોડો કૃષિકાર યુવાનોએ શહેરો ભણી દોટ મૂકી છે, કારણ કે તેમની પૂર્વ પેઢીનો અનુભવ તેમણે નજરે જોયો છે કે આમાં ઊંચા આવી શકાય તેમ નથી. ખેડૂતોનો મુખ્ય મુદ્દો એ છે કે કૃષિ ઉત્પાદન ખેડૂતો કરે છે અને માલ બજારમાં આવે ત્યારે નીચા ભાવે વેચાય છે અને જેવો માલ ખેડૂતોના હાથમાંથી સરી જાય કે તુરંત એ માલની બજારમાં તેજી આવી જાય છે. વચેટિયાઓના હાથમાં જ નફાનો સિંહ ભાગ આવી જાય છે. આ ફરિયાદ આદિકાળથી ચાલી આવે છે.