Get The App

આપની ધમાકેદાર એન્ટ્રી .

Updated: Apr 30th, 2026

GS TEAM

Google News
Google News
આપની ધમાકેદાર એન્ટ્રી                                    . 1 - image

ભાજપ જીતે છે અને હજુ સરેરાશ એનો વટ જાળવે છે એની ગુજરાતમાં તો સ્વાભાવિક કોઈ નવાઈ નથી, પરંતુ જીત સાથે જે જવાબદારીઓ આવે છે એને ઉપાડવાની તાલીમ ભાજપ પોતાની બીજી અને ત્રીજી કેડર માટે ભૂલી જાય છે. ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભાજપને હજુ બહુ તકલીફ પડે એમ નથી, કારણ કે એના મતદારો પર હજુ મોદીના શાસનકાળના પડછાયા છે, પરંતુ અંતરિયાળ સૌરાષ્ટ્રથી ભાજપનું વડપણ બહુ દૂર નીકળતા વાડમાં છીંડાં શોધીને આમ આદમી પાર્ટીએ ગ્રામીણ વિસ્તારમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. જે-તે વિસ્તારના ધારાસભ્યોની ઉદાસીનતા અને એમનાં સંતાનોનો પ્રજા પર જે રોફ હતો એને કારણે ત્યાં ત્યાં ભાજપને જાકારો મળ્યો છે. કોંગ્રેસે તો ગુજરાતના ગામડાઓમાં ઊભા રહેવાની જમીન પણ ગુમાવી દીધી છે. ગુજરાતી પ્રજા જરૂર કરતાં વધારે શાંતિપ્રિય પ્રજા છે.

તત્કાલીન મુખ્ય પ્રધાન કેશુભાઇ પટેલે ગુજરાતમાં ભાજપનાં મૂળ ઊંડાં લઈ જવા માટે ભય, ભૂખ અને ભ્રષ્ટાચારના વિરોધી પક્ષ તરીકે ભાજપને રજૂ કર્યો હતો ને એમાં તેઓ ક્યાંય સુધી સફળ નીવડયા હતા. એમણે સિંચાઈ, ગ્રામ વિકાસ અને રોજગારમાં ક્રાન્તિકારી પગલાં લીધાં હતાં, પણ પછી પક્ષે એને ભોળા ભાભા તરીકે હાંસિયામાં મૂકી દીધા હતા એ કથા રાજ્યમાં સુપ્રચલિત છે. પછી ખૂંખાર આત્મવિશ્વાસથી જિલ્લાઓના નવીનીકરણ કરી ગુજરાતની વહીવટીય ભૂગોળ બદલાવનારા શંકરસિંહ વાઘેલા આવ્યા જેઓ જાહેરમાં કહેતા હતા કે મારી સરકાર ટનાટન ચાલે છે. એમના ચમકારામાં ગુજરાતી પ્રજાને લાંબી રેસના ઘોડાનો અનુભવ થયો, પરંતુ તેઓ ધૂમકેતુની જેમ ઈતિહાસમાં એક લિસોટો કરીને ભૂલભૂલામણીમાં પડીને પ્રજાથી દૂર થતા રહ્યા.

પછીના અવકાશને સૂક્ષ્મ રીતે તાકીને એક નવા વિકાસ પુરુષની મુદ્રા સાથે નરેન્દ્ર મોદીનો પ્રથમ રાજ્યની ક્ષિતિજે ને પછી દેશની ક્ષિતિજે અભ્યુદય થયો. પોતાની પોલિટિકલ મેનેજમેન્ટ સિસ્ટમ અને પ્રચારનાં વિવિધ વાજિત્રોની કલા-કારીગરીથી તેઓએ સાત અશ્વોનો પોતાનો રથ પુરપાટ દોડાવ્યો. દેશમાં કોંગ્રેસના પતન પછી અનેક રાષ્ટ્રીય સ્વાયત્ત સંસ્થાઓ તબક્કાવાર સરકારના પંજામાં સમાઇ જવા લાગી. નરેન્દ્ર મોદીમાં પ્રજાને પ્રમુખ આશા એ હતી કે તેઓ રાજકારણમાં પ્રતિભાઓને લઈ આવી દેશને નવા નક્ષત્રોના તારામંડળ ભેટ આપશે, પરંતુ તેઓ પણ ઈન્દિરા ગાંધીની જેમ માત્ર જ્ઞાાતિ આધારિત ટિકિટ આપનારા એક સામાન્ય નેતાના આસન પર જ બેસી ગયા. એને કારણે ધારાસભાઓ-સંસદમાં આજે વિદ્વાન કહેવાય એવી પ્રતિભાઓનો દુષ્કાળ છે.

આ વખતે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે ટિકિટોની જે ફાળવણી થઈ તેમાં પણ જ્ઞાાતિનું ગણિત જે ભાજપે કેન્દ્રમાં રાખ્યું છે. યથા રાજા તથા પ્રજા.

એનો બીજો અર્થ એ થાય છે કે જીતે છે તે પક્ષ નથી, તે તો જ્ઞાાતિવાર જ્ઞાાતિ-જાતિના પ્રતિનિધિઓ છે. ભાજપ શાસિત સરકારો અને સંસ્થાનોમાં આ જ સ્થિતિ છે. ભાજપ એના મૂળભૂત સ્વરૂપમાં એક વિચારધારા છે. જે રાષ્ટ્રપ્રેમની સંઘની પુરાતન ધારામાંથી વહી આવે છે, પણ એવું તો હવે કહેવાય એમ નથી. જીતે એવા લોકોનું ચૂંટણી પહેલા શોપિંગ કરવાની ચાલાકી અને વિચારધારાના પવિત્ર વૈભવ વચ્ચે વર્તમાન નેતાગીરીએ કોઈ અનુસંધાન રહેવા દીધું નથી, અને એનો એમને અફસોસ નથી, કારણ કે મૂળ વિચારધારા સાથે અનુગામી નેતાઓને પણ ન્હાવા કે નિચોવાનો ઋણાનુબંધ નથી. ગુજરાતમાં તમામ મહાપાલિકામાં ભાજપ હવે સત્તામાં છે. આ વખતે આંશિક સાહસ અને પ્રયોગ કરીને ભાજપે નવા ચહેરાઓને અજમાયશી ધોરણે અલબત્ત એ પણ જ્ઞાાતિના ધોરણે જ ટિકિટ આપી છે ને તેમની બહુસંખ્ય હયાતી ધરાવતી જ્ઞાાતિઓએ તેમાંના મહત્ ઉમેદવારોને જીતાડયા પણ છે, પરંતુ તેઓ કોરી પાટી છે ને તેઓ જાણતા નથી કે તેઓની ભૂમિકા શું છે. 

પાંચ તાલુકા પંચાયતોમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોની બહુમતી હોવાથી એમનું શાસન ત્યાં આવશે. આ નવોદિતોને મોડેલ તાલુકા પંચાયતનું સ્વરૂપ ઘડવાનો મોકો મળશે, પરંતુ ગયા વખતના આપના ઉજળા દેખાવનો પાંચ વરસે આવતે જે ધબડકો થયો એવું ન થાય માટે શું કરવું જોઈએ એ નવા તાલુકદાર જેવા નેતાઓએ વિચારીને પોતપોતાની પ્રોવિન્સ ગવર્ન્મેન્ટ નિર્માણ કરવી પડે ને એમાં મોદી કે શાહ ક્યાંય આડા આવવાના નથી. તકનો ઉપયોગ તેઓ કઈ રીતે કરે છે તેના પરથી નક્કી થશે કે ગુજરાતને મૃત:પ્રાય વિપક્ષ કોંગ્રેસમાંથી મુક્તિ મળીને નવો જાગૃત વિપક્ષ મળવાની સંભાવના કેટલી છે. આપ માટે આ પહેલું પગથિયું છે.