Get The App

લાખો લોકો લાપતા છે .

Updated: Sep 3rd, 2025

GS TEAM

Google News
Google News
લાખો લોકો લાપતા છે                            . 1 - image

હ્યુમન ટ્રાફિકિંગ અર્થાત્ માનવ તસ્કરી યુગો જૂની સમસ્યા છે. હમણાં અમેરિકન વિદેશ મંત્રાલયે આ સાલનો ટ્રાફિકિંગ ઇન પર્સન્સનો રિપોર્ટ બહાર પાડયો છે. તેમાં દરેક દેશમાં થતા આ અધમ ગુનાખોરીને લગતા આંકડાઓ છે. એ રિપોર્ટમાં ભારતની જે સ્થિતિ છે તે ધ્યાન ખેંચનારી અને ચિંતાજનક છે. અમેરિકન વિદેશ ખાતાના રેટિંગ મુજબ આ વર્ષે પણ ભારતમાં હ્યુમન ટ્રાફિકિંગની પરિસ્થિતિમાં જરા પણ સુધારો નથી આવ્યો. ભારત ગઈસાલ પણ ટીયર-ટુ કેટેગરીમાં હતું અને આ વર્ષે પણ એ જ સ્થિતિમાં છે. આ દૂષણ અટકાવવા માટે ભારતે પોતાના તરફથી ઘણી કોશિશ કરી પરંતુ સફળતા મળી નહીં. માનવ તસ્કરીની બાબતમાં ભારત જૈસે થેની સ્થિતિમાં જ ઊભો રહેલો દેશ છે. આજે પણ અખાતી દેશોમાં દક્ષિણ ભારતના હજારો કામદારો ફસાયેલા છે કે જેના સુધી સરકાર પહોંચી શકી નથી.

પાકિસ્તાન એક સમયે આગળ હતું. પરંતુ આ વર્ષે તે પણ એક સ્ટેપ નીચે ઉતરીને ટીયર-ટુના વોચલિસ્ટમાં આવી ગયું છે. ચીન તો વધુ પાછળ ધકેલાઈને ટીયર-થ્રિ કેટેગરીમાં પહોંચ્યું. રિપોર્ટમાં તો સ્પષ્ટપણે એવું લખ્યું છે કે હ્યુમન ટ્રાફિકિંગનું દૂષણ અટકાવવા માટે ચીનની સરકાર કોઈ જ પ્રયત્નો કરી રહી નથી. અર્થાત્ આ મામલામાં ચીન, પાકિસ્તાન કરતા પણ નીચલી કક્ષાએ છે અને આ વાત ચીનની તાસીર પણ બતાવે છે. ભારત વિશે એ રિપોર્ટમાં એ મતલબની વાત છે કે દુનિયાના હ્યુમન ટ્રાંફિકિંગના નકશામાં ભારતનું એક આગવું નકારાત્મક સ્થાન છે. જો કે આનાથી ઉલટી વાત નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના આંકડા ઉપર નજર નાખીએ તો જાણવા મળે કારણ કે એમાં તો ભારતની સ્થિતિ સતત બેહતર બની રહી છે. એ જ બ્યુરોના આંકડા મુજબ અગાઉ ઇન્ડિયન પિનલ કોડ મુજબ માનવ તસ્કરી ના અપરાધની વ્યાખ્યામાં સમાવિષ્ટ ૫૨૧૭ કેસ નોંધાયા હતા.

છેલ્લા ચાર વરસના આંકડાઓ ઉપલબ્ધ નથી. એક શંકા એ પણ ઉપજે કે શું હ્યુમન ટ્રાંફિકિંગના કેસોની નોંધણી જ સાવ ઘટાડી નાખવામાં આવી છે? અમેરિકન રિપોર્ટ કઇંક બીજું કહે છે અને ભારતીય બ્યુરો બીજી હકીકત દર્શાવે છે. આપણે ત્યાં છેલ્લા ચાર-પાંચ વરસથી વાસ્તવિક આંકડાઓ સાથે છેડછાડ કરવાનો જે રોગ એનડીએ સરકારે સરકારી તંત્રને લગાડયો છે એનો પ્રભાવ માનવ તસ્કરીના આંકડાઓ પર પણ પડયો છે. ભારતના કે વિદેશના નાગરિકોની માનસિકતા નથી બદલી. શ્રમનું શોષણ કે શરીરનું શોષણ જેવા દૂષણો સમાજમાં ખૂબ ભયજનક રીતે વ્યાપેલા છે. નિઃશંકપણે સરકારે મુઝફ્ફરપુર અનાથાશ્રમમાં જે કાંડ થયેલો તેમાં બહુ જ ઝડપ દાખવી હતી પરંતુ આખો કાંડ જે રીતે પ્રકાશમાં આવ્યો એમાં તંત્રની કોઈ ભૂમિકા હતી નહીં.

ભારતમાં આ દૂષણ ખૂબ પ્રસરેલું છે તેવો ખ્યાલ અનેક સ્રોતો દ્વારા મળે છે. અગાઉ ત્રણ લાખ તેર હજાર જેટલા બંધક શ્રમિકોની ઓળખ કરવામાં આવી હતી પરંતુ સ્વયંસેવી સંસ્થાઓના સર્વેક્ષણ મુજબ બંધક હોય તેવા લોકોની સંખ્યા ઓછામાં ઓછી એંશી લાખ જેટલી માનવામાં આવે છે. એને બંધુઆ મજુરો તરીકે પણ ઓળખવામાં આવે છે.

માનવ તસ્કરી કરનારા પરિબળો સદાય પોતે જેને ઉઠાવી લઈ જાય છે તેની પાસે સિલસિલાબંધ અપરાધો કરાવે છે. ભારતમાં લાખો લોકો માનવ તસ્કરીનો ભોગ બને છે એવો એક અંદાજ છે. પરંતુ મોટા ભાગના કેસ ધ્યાનમાં નથી આવતા. માણસને બંધક બનાવીને નોકર તરીકે કે ભિક્ષાવૃત્તિમાં કે કોઈ કારખાનામાં મજૂરી કરવા માટે રાખી દેવામાં આવે છે. સ્ત્રીઓ અને નાની બાળકીઓના અપહરણ થાય છે. ગરીબ સમાજના આવા કિસ્સાઓ લોકોની સમક્ષ આવતા નથી. તેમને જાતીય શોષણ કે દેહવ્યાપાર જેવી ગુનાખોરીમાં ધકેલી દેવામાં આવે છે. હ્યુમન ટ્રાફિકિંગનું દૂષણ એવું છે કે ભારતથી માણસોને બંધક બનાવીને મધ્યપૂર્વના આરબ દેશો કે કોઈ ગરીબ આફ્રિકન દેશોમાં પણ મોકલવામાં આવે છે એવી માહિતી છે. જે પ્રદેશોમાં પુરુષ-સ્ત્રીનો ગુણોત્તર પ્રમાણ ખરાબ હોય તે પ્રદેશમાં માનવ તસ્કરીના કિસ્સાઓ ખૂબ બને છે. પરંતુ ત્યાંની પોલીસ કે ક્રાઇમ બ્રાન્ચ કડક પગલાં નથી ભરતી. ગરીબી અને નિરક્ષરતા આ દૂષણના મૂળમાં છે.