Get The App

કેન્દ્રનું આર્થિક મંથન .

Updated: Sep 28th, 2025

GS TEAM

Google News
Google News
કેન્દ્રનું આર્થિક મંથન                                    . 1 - image

જીએસટી કરવેરાના નવા માળખાથી એનડીએ સરકારે તેમના સત્તાકાળમાં વિરલ કહી શકાય એવું સીધું લોકહિતનું પગલું ભર્યા પછી હવે સરકારની નજર વફાદાર કરદાતાઓને રાહત આપવા તરફ છે. દર વરસે સરકાર સીધા કરવેરામાં અને ખાસ તો આવકવેરામાં ક્રાન્તિ કરવાની વાતો કરે છે પણ એ માત્ર વડાની વાતો અને વાતોના વડા જ હોય છે! આગામી કેન્દ્રિય બજેટની તૈયારીઓ સામાન્ય રીતે ઓક્ટોબરથી શરૂ થતી હોય છે. આ વખતે નાણાં મત્રાલયમાં એ વહેલા શરૂ થઈ ગઈ છે. આમ તો નાણાં પ્રધાન ખુદ આજકાલ અનેક મુંઝવણમાંથી પસાર થઈ રહ્યા છે. કરવેરા ઘટાડવા અને રાજકોષીય ખાધ વધવા ન દેવી એવો ઈલમ તેઓ શોધી રહ્યા છે. જો કે જનમાનસમાં પ્રજાને કોઈ પણ બહાને ખંખેરતા રહેવાની ભાજપની જે ઈમેજ છે એ આગામી બજેટથી તૂટી શકે એમ નથી અને એવો કોઈ ભાજપનો એજન્ડા પણ નથી. નિર્મલા સીતારામન ટૂંક સમયમાં વિવિધ ઉદ્યોગપતિઓ સાથે બેઠક યોજવાના છે.

ભાજપ કોઈની વાત પણ સાંભળી શકે એમ હોય તો એ નવાઈ છે. ગુજરાતમાં તો શાસન કરો અને કાન બંધ રાખો - એવી પોલિસી હોય એવો પ્રજાનો અનુભવ છે. ફુગાવાને કદાચ કેન્દ્રના પ્રધાનો સમજતા જ નથી. નિર્મલા સીતારામન, પિયુષ ગોયલ અને નીતિન ગડકરી આ ત્રણ પ્રધાનોએ તો ફુગાવાને અંકુશમાં રાખવાનો કસબ શીખવો જોઈએ. કારણ કે મોદીના પ્રધાન મંડળની આ ત્રિપુટી પર સરકારનું જહાજ કઈ દિશામાં તરશે એનો મહત્ આધાર રહેલો છે. રિઝર્વ બેન્કે તબક્કાવાર વ્યાજદરને નીચે લઈ જવાનો વ્યાયામ ચાલુ રાખ્યો છે. ચાલુ નાણાંકીય વરસમાંય ઘટાડો કર્યા પછી પણ રિઝર્વ બેન્કના અર્થશાસ્ત્રીઓને સંતોષ નથી. તેઓ થોડો સમય પસાર થયા પછી હજુ કંઈક ઘટાડો કરે એવી દહેશત છે. ભાજપના સત્તારોહણના પ્રથમ દસવાર્ષિક સમયગાળામાં નાની બચતોનું તો જાણે કે પ્રાણ પંખેરું જ ઉડી ગયું હતું. હવે આ ત્રીજી ઇનિંગમાં બાકીની તમામ બચતોના વ્યાજ ઘટાડવાની મુરાદ એનડીએ સરકાર ધરાવે છે. વિકાસ દરનો અંદાજ પણ રિઝર્વ બેન્કે સતત ઘટાડવો પડયો છે.

ઈ. સ. ૨૦૨૫ - ૨૬ બજેટ પાસેથી પ્રજાની તુલનામાં બજારોની અપેક્ષા બહુ ઊંચી છે. સીતારામન હજુ સુધી તો એચએમવી એટલે કે હર માસ્ટર્સ વોઇસ પ્રમાણે જ ચાલે છે. આટલો સમય થયો છતાં એક નાણામંત્રી તરીકેના તેમના મૌલિક વિચારોથી દેશ પૂરો અજ્ઞાાત છે. જ્યારે પણ સીતારામનને બોલવાનો મોકો મળ્યો છે ત્યારે તેમણે ફેરવી ફેરવીને એક જ વાત કહી છે કે આ જે વિકાસદર ઘટે છે એ તો વચગાળાનો સામાન્ય અને થોડા સમય માટેનો જ આંચકો છે. તેમણે એક વાર તો એમ કહ્યું કે વિકાસદર બતાવે છે એના કરતાં દેશ વધુ પ્રગતિ કરી રહ્યો છે! દુનિયાના કોઈ નાણાં પ્રધાન આવા હાસ્યાસ્પદ વિધાનો ન કરે. સહુ ભાજપની હાઈકમાન્ડ દ્વિમૂર્તિને રાજી રાખવા માટે અસત્યના આંગણે આળોટે છે અને એમાં નિર્મલા પણ બાકાત શાને હોય ? પાયાની હકીકતો ન સ્વીકારવાની ભાજપને જે ગળથૂથી ટેવો પડેલી છે એના પ્રભાવથી સૌથી વધુ જો કોઈ મુક્ત હોય તો નીતિન ગડકરી છે. સીતારામનની એ તાકાત નથી કે જે દેખાય કે અનુભવાય છે એ બોલી શકે.

જુદા જુદા ઉદ્યોગપતિઓ સાથેની અને વિધવિધ ઔદ્યોગિક - વેપારી મહામંડળો સાથેની બેઠકોથી નિર્મલાજીને કેટલું બ્રહ્મજ્ઞાાન લાધતું હોય તે તો કોઈ જાણતું નથી પરંતુ અરૂણ જેટલીએ દાખલ કરેલી પક્ષના ઓર્ડર પ્રમાણે બજેટ બનાવવાની પ્રથાને જ સીતારામન અનુસરતા રહ્યા છે. ખરો ખ્યાલ નવા નાણાંકીય વરસના પ્રથમ ત્રિમાસિક ગાળા પછી આવશે જેને ઘણી વાર છે. એ આકરી કસોટી છે કારણ કે સરકારે અનેક રીતે અર્થતંત્રમાં પુનઃ પ્રાણસંચાર કરવા માટે જે હજારો કરોડ રૂપિયા બજારમાં યોગ્ય ચેનલોથી ઠાલવ્યા છે એની અસલી અસર પણ હવેના નાણાંકીય વરસના પ્રથમ ત્રિમાસિક ગાળાના અંતે ખબર પડશે. અને ત્યારે જો ચડતી કળાનો ચન્દ્ર ન દેખાય તો સમજવાનું કે અંધારઘેરી મંદીની મહારાત્રિ બહુ લાંબી ચાલશે. રાહ જોઈને થાકી ગયેલા નોકરિયાત વફાદાર કરદાતાઓને આગામી બજેટ વખતે આવકવેરો ઘટાડવાનો લાભ આપવો પડશે. પિયુષ ગોયલ જ્યારે થોડા સમય માટે નાણાં પ્રધાન તરીકે ચાર્જમાં હતા ત્યારે તેમણે મથામણ કરેલી પણ આંશિક જ અને પરોક્ષ લાભ જ આપી શક્યા. એમણે કરદાતાઓનો પહેલીવાર સરકાર તરફથી જાહેર આભાર માનીને મન મનાવી લેવું પડયું હતું.ેહજુ પાટનગર નવી દિલ્હીમાં દિવાળીના તહેવારોની તૈયારી વચ્ચે શિયાળાના નવા પવનો સાથે જ વહેતી થયેલી અફવા કે પિયુષ ગોયલને નાણાં પ્રધાન બનાવવામાં આવશે, એ અફવા શમી નથી.