Get The App

ઓઝોનનું કુદરતી કડિયાકામ .

Updated: Oct 29th, 2025

GS TEAM

Google News
Google News
ઓઝોનનું કુદરતી કડિયાકામ                      . 1 - image

પાટનગર નવી દિલ્હી પ્રદૂષણ અને ધુમ્મસ ઓઢીને ધૂંધળું બની ગયું છે. દેશના અન્ય શહેરો પણ ઝડપથી આ દશામાં આવી જવાના છે. સરેરાશ નાગરિક વાતાવરણની શુદ્ધતા ચાહે છે. પરંતુ આખી દુનિયાની નીતિરીતિ એવી થઈ ગઈ છે કે પ્રદૂષણ વધતું રહે એ સિવાય છૂટકો નથી. જે દેશનો વૈશ્વિક પ્રદૂષણમાં ફાળો વધુ એ દેશ વિકાસના પંથે આગળના ક્રમાંક પર ગણાય છે. ચીન અને અમેરિકા એમાં પ્રથમ ક્રમાંકે બેસવા પડાપડી કરતા હોય છે અને પ્રદૂષણકર્તા દેશોની સૂચિમાં વિકાસશીલ ભારત પણ બીજા દેશોને ટક્કર આપીને આગળ ધપી રહ્યું છે. ઇંધણ, વીજળી અને વસ્તુઓનો બેફામ આડેધડ વપરાશ માણસની જાણે કે પ્રદર્શનયુક્ત શૈલીનો ભાગ બની ગયો છે.

થોડાક જ વર્ષો પછી ગ્લોબલ વોર્મિંગ બધા જ દેશોને મહામારી કક્ષાએ સતાવશે. પરંતુ મનુષ્ય જેનું નામ, ભૂલો દોહરાવવી તેના ડીએનએમાં છે. કોરોનાના ત્રાસમાંથી છૂટયા પછી તરત માણસજાતે પૃથ્વીને અને એના વાતાવરણને રગદોળવાનું ચાલુ કરી દીધું છે. માટે લોકડાઉનને કારણે અગાઉ જે વાતાવરણ શુદ્ધિની ચપટીક તસવીરો અને અમુક સમાચારો આબોહવાના ગુલાબી સ્વાસ્થ્યની ઝાંખી કરાવતા હતા તે અલ્પજીવી જ હતા. છતાં પણ દિલને ટાઢક આપે એવા એક સમાચાર આવ્યા છે કે ઓઝોન વાયુનું ઉત્તર ધુ્રવ પર રહેલું ગાબડું પુરાઈ જવાને હવે થોડાક દિવસોની જ વાર છે. કુદરતે જાતે જ ગાબડાં પૂરવાનું કડિયાકામ હાથ ધરેલું છે.

આપણા રળિયામણા ગ્રહના વાતાવરણની ઉપર ઓઝોન વાયુનું જાડું એક પડ આવેલું છે. મહાન દાનવીર કર્ણના કવચ જેવું એ સુરક્ષાનું આવરણ સૂર્યના પારજાંબલી કિરણોને જમીન ઉપર વરસતા રોકે છે. ચામડીના કેન્સરનું સૌથી મોટું કારણ પારજાંબલી કિરણોનો માનવશરીર ઉપર થતો પ્રહાર હોય છે. જે દેશોમાં ઓઝોન સ્તર પાતળું છે ત્યાં સ્કિન કેન્સરના ઘણા કિસ્સાઓ નોંધાય છે. ઓસ્ટ્રેલિયા એનું જાણીતું ઉદાહરણ છે. રેફ્રિજરેટર અને એર કન્ડિશનરમાં વપરાતા કાર્બન મિશ્રિત વાયુઓ ઓઝોન સ્તરમાં ગાબડાં પાડી દે છે. વધતી જતી માનવવસ્તી, તેના પરિણામ સ્વરૂપ વધતા જતા પાક્કા ઘરો અને તેમાં વધતી જતી ભૌતિક-ઇલેક્ટ્રોનિક વસ્તુઓ પૃથ્વીનું પર્યાવરણ ખરડાવી નાખે છે. ઓઝોન સ્તરના ગાબડાંનો વધતો જતો વ્યાપ ઘણાં વિજ્ઞાનીઓ અને ઘણા દેશના વડાઓની ચિંતા હતી. જેમાં અલબત્ત ટ્રમ્પનો સમાવેશ નથી થતો અને ચીનના જિનપિંગનો પણ નહીં.

ઓઝોનનું ગાબડું આપોઆપ પોતાને સિલાઈ મારીને સીવી રહ્યું છે તેનું કારણ મનુષ્ય નથી. હવા ક્યારેક ચોખ્ખી થઈ જાય છે એ વાત સાચી છે. ગંગા નદી અને વેનીસ નદીના પાણીમાં ડોલ્ફિન માછલી નિર્ભયપણે જળક્રીડા કરતી જોવા મળે છે એ નયનરમ્ય દ્રશ્યો છે. પરંતુ ઓઝોન ગાબડાંની રિકવરી કુદરતી રીતે થઈ રહી છે. ધુ્રવીય વંટોળને કારણે વીજભાર ધરાવતા પ્રવાહોનું તોફાન ફૂંકાય છે અને જેને લીધે બહુ બધી ઠંડી હવા જમા થતા ઓઝોનનું ગાબડું અદ્રશ્ય થઈ રહ્યું છે. ઓઝોન કવચની આ પુનઃપ્રાપ્તિ હંગામી છે. કાર્બન વાયુઓનું પ્રમાણ વધતું જશે એમ ગાબડું ફરી આકાર લેશે. કાર્બન અને મિથેન જેવા વાયુઓ ઓઝોન વાયુના રેણુઓ વચ્ચેનો અનુબંધ તોડી નાખે છે. આપણી વિકાસની પરિભાષાની વ્યાખ્યાનો નકારાત્મક નિચોડ જ એ થાય છે કે વધુમાં વધુ કાર્બન યુક્ત વાયુઓનું હવામાં ઉત્સર્જન કરો.

પર્યાવરણ વિજ્ઞાનીઓની ચિંતા કઇંક જુદી છે. અત્યારે આકાશમાર્ગે, ભૂમિમાર્ગે અને સમુદ્રમાર્ગે અશાંતિ અને અસ્થિરતા છે. હવે પછીના યુદ્ધોત્તર સમયે ગ્લોબલ વોર્મિંગ અચાનક વધશે અને પૃથ્વી પર તેની બહુ જ વિપરીત અસર આવી શકે. આમ પણ બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયાના જંગલોના દાવાનળની રાખ હજુ ઠરી નથી. આપણે વિચારી ન હોય એવી કુદરતી આફતો માટે તૈયાર રહેવું પડશે. કારણ કે અગ્નિ, જળ અને વાયુનો પ્રકોપ માનવ જિંદગીને ઠેબે ચડાવે છે. છેલ્લા બે દિવસમાં દેશના છુટક છુટક વિસ્તારોમાં માવઠાં થયા છે. ભીષણ ઝંઝાવાતો પણ ચાલુ છે. દક્ષિણ ભારતમાં અષાઢી મેઘને વટી જાય એવા તેજીલા તોખાર સમા વરસાદ અને કરા પડયા છે. મોસમો સાથેનો આપણો સંવાદ તૂટી ગયો છે એટલે કષ્ટ તો રહેશે.