Get The App

ડિજિટલ સુપર હાઈવે .

Updated: Nov 29th, 2025

GS TEAM

Google News
Google News
ડિજિટલ સુપર હાઈવે                                       . 1 - image

અત્યારનો સમય એવો છે કે રસ્તા ઉપરથી પસાર થઇ રહેલા ગરીબ માણસના ખિસ્સામાં વધુ રોકડ રૂપિયા હોય પણ એ જ રોડ ઉપરથી પસાર થતા સુખી સક્ષમ માણસના ખિસ્સામાં ખાસ રોકડ હોય જ નહિ! આ ડિજિટલ આર્થિક ક્રાંતિનું પરિણામ છે. પાકિટ એટલે કે વોલેટનું વજન ઓછું થતું જાય છે. રોકડના વ્યવહારો ઘટી ગયા છે. અઢીસો ગ્રામ બટાકા કે ભીંડો પણ પેટીએમ દ્વારા લેવામાં આવે છે અને જ્વેલરી ગુગલપેના યુપીઆઈ આઈડી દ્વારા વસાવવામાં આવે છે. આ ભારતની ડિજિટલ આર્થિક ક્રાન્તિ છે. આ ક્રાન્તિનું પ્રદર્શન થોડા સમય પહેલા મિસ્ટર મોદીએ અડધી દુનિયા સમક્ષ કર્યું. એક વખત જી-ટ્વેન્ટી સમિટની ડિઝાઈન એવી રીતે રચવામાં આવી હતી કે ભારતીય યુપીઆઈની તાકાત દેખાય. વિદેશી પ્રતિનિધિઓ માટે યુપીઆઈ સેવાઓ, ભારતની ડિજિટલ સફર દર્શાવતી વીઆર એટલે વર્ચ્યુઅલ રિયાલિટીની સાઇકલ અને આધાર, ડાયરેક્ટ-બેનિફિટ-ટ્રાન્સફર અને ડિજિલોકર જેવા ભારતના ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પ્રદર્શન દિલ્હીના ભારત મંડપમ્ ખાતે ભારતની મુત્સદ્દીગીરીનો એક મહત્વપૂર્ણ ભાગ હતો. વિદેશી વડાઓએ ભારતની આ ડિજિટલ હરણફાળ ધ્યાનથી અવલોકી.

ભારતની સોફ્ટ સ્કિલની તાકાત એક સમયે તેની પ્રાચીન સંસ્કૃતિ, પરંપરાઓ અને આતિથ્યની ભાવના સુધી મર્યાદિત હતી. તેની ડિજિટલ ક્રાંતિએ આ પ્રભાવમાં એક નવું અને દમદાર પ્રકરણ ઉમેર્યું છે. ભારતીય અનુભવને વૈશ્વિક સ્તરે લઈ જવા માટેના પ્રયાસો થઇ રહ્યા છે. ભારતની આગેવાની હેઠળ આખા વિશ્વમાં એક જ પેમેન્ટ સિસ્ટમની રચના થાય - વન ફ્યુચર એલાયન્સ અને ગ્લોબલ ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર રિપોઝીટરીનું નિર્માણ થાય એ આ બધા દેશોનું સપનું છે. આ સપનું ભારતે બતાવ્યું છે. બે દાયકામાં, વિશ્વની સૌથી મોટી લોકશાહીએ ડિજિટલ ઓપન માર્કેટમાં અભૂતપૂર્વ ક્રાંતિ લાવવા માટે સસ્તા મોબાઈલ ફોન, સસ્તા ડેટા અને અનન્ય ડિજિટલ આઇડી સિસ્ટમનો ઉપયોગ કર્યો. સરકાર અને પ્રાઈવેટ સંસ્થાઓના સુભગ સમન્વયને કારણે આ શક્ય બન્યું. એક દાયકા કરતાં પણ ઓછા સમયમાં, ભારતે સાર્વજનિક ડિજિટલ પ્લેટફોર્મ્સનું એવું તારામંડળ બનાવ્યું જેણે જીવન બદલી નાખ્યું.

આ ડીપીઆઈ મૂળભૂત રીતે ત્રણ વ્યાપક સ્તંભો ધરાવે છે : ઓળખ, ચૂકવણી અને ડેટા મેનેજમેન્ટ. તેનો પાયો ૨૦૦૯માં બનાવવામાં આવેલી આધાર બાયોમેટ્રિક આઇડેન્ટિફિકેશન સિસ્ટમથી નાખવામાં આવ્યો હતો. ડિસેમ્બર ૨૦૨૨ સુધીમાં, ભારતમાં ૧.૩૫ બિલિયન આધાર નોંધણી હતી. આધાર કાર્ડ ભારત માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થાય છે. આધાર કાર્ડને ભારતમાં થયેલી સૌથી મહત્ત્વની ઘટનાઓમાંથી એક ગણવી પડે એમ છે. આ પછી યુપીઆઈ જેવી સિસ્ટમો આવી જેણે ડિજિટલ પેમેન્ટને તમારા મોબાઇલ ફોન પર એસએમએસ મોકલવા અથવા ક્યુઆર કોડ સ્કેન કરવા જેટલું સરળ બનાવ્યું. પાછલા વરસમાં ભારતમાં ૧૨.૫૮ અબજ યુપીઆઈ વ્યવહારો નોંધાયા હતા. તમામ બિન-રોકડ છૂટક વ્યવહારોમાં યુપીઆઈનો હિસ્સો ૭૩% છે. વૈશ્વિક દ્રષ્ટિએ, આનો અર્થ એ છે કે ભારત હવે વિશ્વના ૪૬% રિઅલ-ટાઇમ ડિજિટલ પેમેન્ટ વ્યવહારોનું કેન્દ્ર છે.

ત્રીજો સ્તંભ ડિજિલોકર જેવી ડેટા સેવાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેના દ્વારા લોકો તેમના અધિકૃત સરકાર દ્વારા ચકાસાયેલ દસ્તાવેજો જેમ કે ડ્રાઇવિંગ લાઇસન્સ, શિક્ષણ રેકોર્ડ, ટેક્સ રેકોર્ડ વગેરેને ઍક્સેસ કરી શકે છે. ભારતમાં ડિસેમ્બર ૨૦૨૨ સુધીમાં ડિજિલોકરના ૧૩૭ મિલિયન કરતાં વધુ વપરાશકર્તાઓ હતા. ડીપીઆઈએ નાણાકીય પ્રક્રિયાઓ પર મોટી અસર કરી છે. ભારત છેલ્લા એક દાયકામાં લગભગ અડધા અબજ લોકોને બેન્કિંગ સિસ્ટમમાં લાવી શક્યું છે. આઠ વર્ષમાં, ભારતે 'પીએમ જન-ધન યોજના' દ્વારા ગરીબો માટે ૪૬૨ મિલિયનથી વધુ નવા બેંક ખાતા ખોલ્યા. આ અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટનની સંયુક્ત વસ્તી કરતાં વધુ છે. ડીપીઆઈએ ભારતને ૮૦%ના નાણાકીય વ્યવહારોના સમાવેશ દર સુધી પહોંચવામાં સક્ષમ બનાવ્યું. નહીંતર આ સીમાચિહ્ન સુધી પહોંચવામાં બીજાં ૪૩ વર્ષ લાગી શક્યા હોત. પ્રજા જે ઝડપથી આ ક્રાન્તિને આત્મસાત કરી રહી છે તે નવી નવાઈની વાત છે. ડીપીઆઈના ઉદયનો અર્થ એ છે કે ભારતે ઈ. સ. ૨૦૧૩ અને ૨૦૨૩ની વચ્ચે ડાયરેક્ટ-બેનિફિટ ટ્રાન્સફર (ડીબીટી) દ્વારા તેના કલ્યાણ રાજ્યના સ્કેલ અને વ્યાપને નોંધપાત્ર રીતે વિસ્તૃત કર્યો છે. સરકારી ડેટા દર્શાવે છે કે ૨૦૧૩-૧૪માં પ્રારંભિક ૧૦.૮ કરોડ ડીબીટી લાભાર્થીઓ (જેમાંના ઘણા યુપીએ હેઠળ ઉમેરવામાં આવ્યા) હતા. ૨૦૨૫-૨૬ સુધીમાં આઠ ગણા વધીને ૯૨.૩ કરોડ લાભાર્થીઓ થવાની ધારણા છે.