Get The App

ટેલિકોમ સેક્ટરની લૂંટફાટ .

Updated: May 28th, 2026

GS TEAM

Google News
Google News
ટેલિકોમ સેક્ટરની લૂંટફાટ                                       . 1 - image

ટેલિકોમ્યુનિકેશન એક બિઝનેસ છે અને તેમાં જે કંપનીઓનો ડીસીઆર એટલે કે ડ્રોપ્ડ કોલ રેટ ઊંચો હોય તે કંપની થર્ડ કલાસ કહેવાય છે અને તે નુકસાન કરે છે. પરંતુ વાસ્તવિકતા આનાથી સાવ વિપરીત છે. કેન્દ્રના દૂરસંચાર વિભાગના ટોચના મોનિટરિંગ અધિકારીઓના અક્ષમ્ય ભ્રષ્ટાચારને કારણે અત્યારે તો જેના ઘભઇ ઊંચા છે તેને કરોડોનો વધારાનો નફો મળી રહ્યો છે. દેશભરમાં કોલ ડ્રોપ એક વ્યાપક સમસ્યા છે. તમે કોઇની સાથે વાત કરતા હો અને કોઇક ટેકનોલોજિકલ કારણોથી ફોન કપાઇ જાય એટલે તમારે ફરી ફોન કરવો પડે અથવા વાત અધૂરી રહી જાય તે પ્રકારના પ્રજાના પારસ્પરિક સંબંધોમાં સર્જાતા સૌજન્યભંગમાંથી જ દેશની તમામ ટેલિકોમ કંપનીઓ ચાલાકીપૂર્વક પોતાનો નફો બેવડો કરી રહી છે. લેન્ડલાઇન ટેલિફોન સેવાઓમાં કોલ ડ્રોપ સમસ્યા નહિવત્ અને ૦.૦૧ ટકાથી પણ ઓછી છે.

ભારતમાં ચીન પછીના બીજા નંબરે અંદાજે ૯૬૧ મિલિયન મોબાઇલ ફોન ઉપભોકતાઓ છે. ભારતીય ટેલિકોમ કંપનીઓએ ૨૧૦૦ મેગાહર્ટસ્ કે ૧૮૦૦ મેગાહર્ટસ્ની ફ્રિકવન્સીને અગ્રતાક્રમ આપવાની જરૂર છે. દેશમાં ૫,૫૦,૦૦૦ ટાવર છે. સંચાર વિજ્ઞાાનમાં આ ટેલિકોમ ટાવરો રેડિયો તરંગો દ્વારા વહેતા અવાજ અને ડેટાને સારી રીતે પ્રવાસ કરાવી શકે છે. ભારતમાં અત્યારે એક લાખ ટાવરની અછત છે. જે કંપનીઓ નીચા રેડિયો તરંગોની ફ્રિકવન્સીમાં કામ કરે છે તેણે વધુ ટાવરો મૂકવાની જરૂર છે. જયારે કોઇ પણ કંપની થ્રી-જી કે ફોર-જી સેવાઓ ઓફર કરે ત્યારે ૭૦૦ મેગાહર્ટસ્ને બદલે ૨૧૦૦ કે ૨૩૦૦ મેગાહર્ટસ્ની ઊંચી ફ્રિકવન્સી રાખવી જોઇએ જેમાં પણ વધુ ટાવરની જરૂર પડે છે. દેશના ટોચના મહાનગરો અને નગરોમાં ટાવરોનું નેટવર્ક અને મેગાહર્ટસ્ ની ઊંચી ફ્રિકવન્સી બન્નેની અછત આ ટેલિકોમ કંપનીએ જ સર્જી છે. કાનૂની કારણોસર સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓએ કુલ ૧૦,૦૦૦થી વધુ ટાવરોને બંધ કરી દીધા છે અને કંપનીઓ સામે તેના કેસ ચાલુ છે, અન્ય ૧૨,૦૦૦ ટાવર એવા છે જે કંપનીના મેઇન્ટેનન્સના અભાવે બંધ પડયા છે.

દેશમાં ટેલિકોમ ટાવરની મોટાભાગની સત્તાઓ મ્યુનિસિપલ તંત્ર પાસે છે. હજુ એની મંજુરીનું વિધિસરનું માળખુ કે નિયમો પણ ઘડાયા નથી. પાણી અને વીજળીના પુરવઠાના ધોરણો અને માળખાગત સુવિધાઓ છે તે પ્રમાણે ટેલિફોન કનેકિટવિટી અને ડેટા ટ્રાન્સફર માટેની સુવિધાઓ તરફ મ્યુનિસિપલ સત્તા તંત્રે કદી ધ્યાન આપ્યું નથી. આપણો દેશ ચાલે છે એને જ ચમત્કાર માનવામાં આવે છે તેનો પેટા ચમત્કાર એ છે કે મોબાઇલ ફોન ચાલે છે - એ હદે દેશમાં ટેલિકોમ ઇન્ફ્રાક્સ્ટ્રકચરની ઘટ છે, એનો લાભ લઇને યુક્તિપૂર્વકના ટેરિફ પ્લાન દ્વારા ટેલિકોમ સેવાઓ આપતી કંપનીઓ આજકાલ ચિક્કાર નફો કરવા લાગી છે.

દરેક બિલ સાયકલમાં કંપનીઓ જે ફ્રિ કોલ્સ આપતી હોય છે તેને જલદી પૂરા કરાવી દેવા માટે કોલ ડ્રોપ એમને માટેનું મુખ્ય હથિયાર છે, જેથી ઝડપથી ચાર્જેબલ કોલ્સની શરૂઆત થઇ શકે. કોલ ડ્રોપ હવે સામાન્ય ઘટના થઇ ગઇ છે. જે વિસ્તારમાં મોબાઇલ ફોન ધારકોની સંખ્યા વધુ હોય ત્યાં કોલ ડ્રોપ વધુ થાય એમ એન્જિનિયરિંગ કહે છે જયારે કે વાસ્તાવિકતા એ છે કે કેટલીક કંપનીઓએ ગ્રાહકોના કોલ ડ્રોપ થાય તે દિશામાં ટેકનિકલ ચાલાકીઓની અજમાયશ કરેલી છે. જે કોલ ડ્રોપ થાય એટલે કે કપાઇ જાય એ ખરેખર તો કાઉન્ટ જ ન થવો જોઇએ કારણ કે એ માટે તો ગ્રાહક બિલ ચૂકવતો નથી. બે જુદી કંપનીઓ વચ્ચેના પ્રત્યાયનમાં જયારે કોલ ડ્રોપ થાય છે ત્યારે બન્ને કંપનીઓ એક બીજાનો વાંક દર્શાવે છે. દિલ્હીની વિવિધ ગ્રાહક સુરક્ષા અદાલતો અને ટેલિકોમ ઓથોરિટીમાં ફરિયાદના કિસ્સાઓમાં છેલ્લા એક વરસમાં ખૂબ વધારો થયો છે.

કેન્દ્ર સરકાર પાસે પણ લાયસન્સ આપ્યા પછી ટેલિકોમ સેવાઓનું મૂલ્યાંકન કરવાના કે એ સેવાઓનું નિયમન કરવાના કોઇ ધોરણો નથી એને કારણે કંપનીઓ ગ્રાહકોને સતત ખંખેરતી રહે છે. આજે એક પરિવારમાં ચાર ફોન હોય તો એનો અર્થ છે કે એ પરિવાર ચારગણો લૂંટાય છે, પરંતુ મોબાઇલની લોકપ્રિયતાને કારણે એ સત્ય કોઇ સમજવા તૈયાર નથી. પ્રજાની સમજણ પૂરતી વિકસી ન હોય એ જ તો નફાખોરી માટે આ કંપનીઓેનો ગોલ્ડન પિરિયડ હોય છે. ભારતના તમામ રાજ્યોને ટેલિકોમ ટાવરના નિર્માણ માટેની એક યુનિફોર્મ પેટર્ન કેન્દ્ર સરકારે બનાવી આપવી જોઇએ. અંકલ સેમ પિટ્રોડા પાસેથી જે વિદ્યાઓ શીખવાની અધૂરી રહી ગઇ છે તે હજુય સરકારે નવા ટેકનોક્રેટ પાસેથી જાણી લેવી જોઇએ. આ સિવાય પણ કવરેજ ન હોવાનો અનુભવ તો સહુને છે. 'તમારો ફોન તો આવ્યો જ નથી, મારો ફોન તો ચાલુ જ છે' આમ જયારે કોઇ કહે ત્યારે તમને તમારા પોતાના પર જ શંકા જાય એવા સંયોગોનું સર્જન એ આ કંપનીઓની કારીગરી છે.