Get The App

બિહારનો તેજ લિસોટો .

Updated: May 29th, 2025

GS TEAM

Google News
Google News
બિહારનો તેજ લિસોટો                                       . 1 - image

લાલુપ્રસાદ યાદવ દ્વારા તેમના મોટા પુત્ર તેજપ્રતાપ યાદવને પાર્ટી અને પરિવારમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે, જે ડેમેજ કંટ્રોલનો પ્રયાસ છે. જોકે, આ સમગ્ર ઘટનાક્રમે બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા RJD માટે એક નવી સમસ્યા ઊભી કરી છે. આ મામલો તેજપ્રતાપના અંગત જીવન સાથે સંબંધિત છે, પરંતુ તેમના પર જે પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે તે સ્પષ્ટપણે દર્શાવે છે કે તેનો પડછાયો લાલુ પરિવાર અને તેના રાજકારણ પર પડવાનો ભય છે. તેજપ્રતાપે સન ૨૦૧૫માં પોતાની પહેલી ચૂંટણી લડી હતી અને નીતિશ સરકારમાં આરોગ્ય અને પર્યાવરણ મંત્રી બન્યા હતા. ત્યારથી, તેમણે ઘણી વખત અસ્વસ્થતાભરી પરિસ્થિતિ ઊભી કરી છે અને દરેક વખતે પરિવાર અને પાર્ટીને તેમના બચાવમાં આવવું પડયું હતું. પરંતુ, તેમનાં કેટલાક કાર્યોથી RJDના પરંપરાગત સમર્થકો પણ ગુસ્સે થયા હતા. બિહારના ભૂતપૂર્વ સીએમ દરોગા રાયની પૌત્રી સાથેના તેમનાં નિષ્ફળ લગ્ન અને હવે છૂટાછેડાના કેસથી સમગ્ર પરિવારની બદનામી થઈ છે.

તેજપ્રતાપ ક્યારેય RJDમાં તેમની ભૂમિકા અને કદરથી સંતુષ્ટ દેખાયા નહીં. લાલુના ઉત્તરાધિકાર માટે બંને ભાઈઓ વચ્ચે સ્પર્ધાના અહેવાલો નિરંતર પ્રગટ થતા રહ્યા છે. આ લડાઈ સન ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલા સપાટી પર આવી હતી, જ્યારે તેજપ્રતાપે એક અલગ મોરચો બનાવ્યો હતો. ૨૦૨૦ની વિધાનસભા ચૂંટણીમાં, એ સ્પષ્ટ થઈ ગયું હતું કે લાલુએ તેજસ્વીને પોતાના ઉત્તરાધિકારી તરીકે પસંદ કર્યા છે. આ વખતે RJD સંપૂર્ણપણે ધ્યાન કેન્દ્રિત કરી રહી છે કે ચૂંટણી મેદાનમાં ઉતરતા પહેલાં, મહાગઠબંધન વતી તેજસ્વીને મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર કરવામાં આવે. જોકે, આ માટે તમામ સાથી પક્ષો વચ્ચે સર્વસંમતિ બનાવવી મુશ્કેલ બની રહી છે.

છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં, RJD ૭૫ બેઠકો સાથે રાજ્યમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. પાર્ટી ગઠબંધનમાં પણ પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા ચાહે છે, જ્યારે કોંગ્રેસે સંકેત આપ્યો છે કે તે અનુયાયી નહીં, પરંતુ સમાન દરજ્જો ઇચ્છે છે. તાજેતરમાં, તેણે તેના રાજ્ય એકમમાં ફેરફાર કરીને આ મેસેજ આપ્યો છે. RJD સીટ વહેંચણીના પડકારનો સામનો કરી રહી છે. તે માત્ર કોંગ્રેસ તરફથી જ નહીં, પરંતુ ડાબેરીઓ અને મુકેશ સાહનીના વીઆઈપી જેવા ઘટક પક્ષો તરફથી પણ દબાણ હેઠળ છે. મહાગઠબંધનની સરખામણીમાં NDAમાં વધુ સુમેળ જોવા મળે છે. ભાજપે સ્પષ્ટ કરી દીધું છે કે ચૂંટણી નીતિશ કુમારના ચહેરા પર લડવામાં આવશે. એવું નથી કે અહીં સીટ શેરિંગ ફોર્મ્યુલા નક્કી થઈ ગઈ છે, પરંતુ જો કોઈ સમસ્યા હોય તો પણ તે સામે આવી નથી.

ભૂતપૂર્વ મંત્રી તેજપ્રતાપ યાદવ, જે પોતાની પ્રેમકથાના ખુલાસા સાથે સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવ્યા છે, તેઓ આજે પણ પણ આ મોરચે ચર્ચામાં રહ્યા. RJD પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે RJD અને પરિવારમાંથી હકાલપટ્ટીની જાહેરાત કરતાં જ, બિહારની નવી પેઢીના મતદારો તેમના પક્ષમાં અને વિરોધમાં વહેંચાઈ ગયા છે. કોઈ કહે છે કે તેજ પ્રતાપ યાદવ બહુ કપટી વ્યક્તિ નથી. તે હમણાં જ તેમના ઘરના આંતરિક રાજકારણનો શિકાર બન્યો છે. તો વળી અન્ય ટ્વીટ છે કે તેજપ્રતાપ સાચા વારસદાર છે. તે ભગવાન કૃષ્ણના ઉપાસક છે. જે લોકો તેમના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવે છે તેઓ તેમના પરિવારમાંથી તેજુ માટે સંબંધ સ્થાપિત કરી શકે છે.

ફેસબુક પરની એક લાંબી પોસ્ટનો સાર છે કે તેજપ્રતાપની જગ્યાએ તમે રહેવાનો પ્રયાસ કરો, તમે સમજી શકશો? તે મોટો દીકરો છે, પણ તેમણે તેને નાનો બનાવ્યો છે. બધાએ તેનાં લગ્ન કરાવ્યાં. પછી બધાએ તેને પોતાને જ તોડી નાખ્યો છે. જો રાબડીદેવી મુખ્યમંત્રી માટે યોગ્ય હતાં, તો શું તેજપ્રતાપ ડેપ્યુટી મુખ્યમંત્રી માટે યોગ્ય નહોતા? આજે પણ લોકો તેજપ્રતાપને લાલુનું બીજું સ્વરૂપ માને છે. તો બીજા છેડાની એક પોસ્ટમાં કહેવામાં આવ્યુ છે કે આ ઉંમરે પણ રાજકારણમાં નૈતિક મૂલ્યોને જીવંત રાખવા અને તેના માટે પુત્રનું બલિદાન આપવું એ ખરેખર મોટી વાત છે. લાલુપ્રસાદ યાદવે લાઠીચાર્જનો સામનો કરીને એક પાર્ટી બનાવી છે અને લોહી અને પરસેવાથી એનો ઉછેર કર્યો છે, કોઈ તેને આ રીતે નષ્ટ કરી શકતું નથી, ભલે તે તેમનો પુત્ર હોય.

તેજપ્રતાપની હાલત એક દીર્ઘ કાવ્યનો વિષય છે, કારણ કે તેની સ્થિતિ હવે કર્ણ જેવી થઈ છે. કર્ણની ઓળખ જગતને થાય એ પહેલા એના જન્મદાતાઓએ એનો ત્યાગ કર્યો હતો, જ્યારે તેજપ્રતાપના કિસ્સામાં તો જિંદગીના મધ્યાહ્ને એના જન્મદાતાઓએ એનો ત્યાગ કર્યો છે. તેજપ્રતાપ માટે આગામી વિધાનસભાની ચૂંટણી એક ભીષણ અસ્તિત્વનો જંગ બની જશે.