વિદેશમાં વસતા અને ત્યાં કામ કરતા ભારતીયો આપણઆ દેશના અર્થતંત્રને વેગ આપવામાં મહત્ત્વનું યોગદાન આપી રહ્યા છે. વિદેશ જઈને કામ કરતા અને ભારતમાં રેમિટન્સ મોકલાવતા લોકો ભારત માટે ખૂબ જ ઉપયોગી છે. રેમિટન્સ એટલે, સાદી ભાષામાં, ઇમિગ્રન્ટ્સ દ્વારા વતનમાં મોકલવામાં આવતું નાણું. જોેકે ટ્રેન્ડ હવે બદલાઈ રહ્યો છે. ખાસ કરીને સાઉથ ઈન્ડિયાથી ગલ્ફ કન્ટ્રીમાં જવાનો ટ્રેન્ડ ઓછો થઈ રહ્યો છે. એક સમય હતો જ્યારે સાઉદી, યુએઈ, કુવૈત, કતાર, ઓમાન અને બેહરીન જેવા દેશોમાં મોટી સંખ્યામાં ભારતીય મજૂરો અને પ્રોફેશનલ્સ જતા હતા. હવે તેઓ આ દેશોથી અંતર જાળવવા લાગ્યા છે. બીજી તરફ, ભારતના ઉત્તર પૂર્વ, પૂર્વ અને ઉત્તર ભારતના લોકોને ખાડી દેશોમાં જવાની ચાનક ચડી છે. જ્યારે આ લોકો દ્વારા સ્વદેશમાં મોકલવામાં આવતી રકમની સરખામણી કરીએ તો ખાડી દેશોમાંથી આવતા રેમિટન્સમાં ઘણો ઘટાડો થયેલો દેખાય છે. જોકે સિંગાપુર, બ્રિટન, કેનેડા અને અમેરિકા જેવા દેશોમાંથી આવતા રેમિટન્સમાં ઘણો વધારો થયેલો જોવા મળે છે.
આંકડાઓ તરફ નજર કરીએ તો, યુએઈમાંથી આવતી રકમ કુલ ૨૦૧૬-૧૭માં કુલ રેમિટન્સના ૨૬.૯ ટકા જેટલી હતી, જે ૨૦૨૪માં ઘટીને ૧૯.૨ ટકા થઈ ગઈ છે. તેવી જ રીતે સાઉદી અરબથી આવતી રકમ ૧૧.૬ ટકા હતી, જે ઘટીને લગભગ અડધી એટલે કે ૬.૭ ટકાએ પહોંચી ગઈ છે. કુવૈતથી આવતી રકમ, જે ૨૦૧૭માં ૬.૫ ટકા હતી, તે ગત વર્ષે ૩.૯ ટકા પહોંચી ગઈ છે. બીજી તરફ અમેરિકાથી આવતા નાણાંમાં ઉછાળો જોવા મળ્યો છે. ૨૦૧૭માં અમેરિકાથી કુલ રેમિટન્સની ૨૨.૯ ટકા રકમ આવી હતી, જે હવે વધીને ૨૭.૭ ટકા થઈ ગઈ છે. તેવી જ રીતે બ્રિટનની ભાગીદારીમાં પણ ૩.૪ ટકાનો વધારો થતા તેની કુલ રેમિટન્સ ૧૦.૮ ટકા પહોંચી ગઈ છે. કેનેડાની રેમિટન્સ ૩ ટકાથી વધીને ૩.૮ ટકા પર પહોંચી ગઈ છે. આનો સીધો અર્થ એ છે કે, થોડા સમય પહેલાં ખાડી દેશોમાં જવાનું લોકોનું જે વળગણ હતું અને ત્યાંથી જે રકમ ભારતમાં આવતી હતી તે હવે ઓછાં થઈને પશ્ચિમી દેશો તરફ ફંટાયું છે.
ભારતમાં આવતા રેમિટન્સની વહેંચણી ઉપર નજર કરીએ તો કેટલાંક રાજ્યોની આવક વધી છે, જ્યારે કેટલાંક રાજ્યોમાં ઘટાડો જોવા મળ્યો છે. મહારાષ્ટ્રમાં ૨૦૧૭માં ૧૬.૭ ટકા રેમિટન્સ હતું તે ગત વર્ષે ૨૦.૫ ટકા સુધી પહોંચી ગયું છે. તેવી જ રીતે કેરળમાં આવતા રેમિટન્સમાં ૦.૭ ટકાનો વધારો થતા તે ૧૯.૭ ટકા થયું છે. તમિલનાડુમાં અઢી ટકા જેવો વધારો નોંધાયો છે. ૨૦૧૭માં જે રેમિટન્સ ૮ ટકા હતું તે ગત વર્ષે ૧૦.૪ ટકાએ પહોેંચ્યું. ઉત્તર અને મધ્ય ભારતનાં રાજ્યો જોઈએ તો તેમના રેમિટન્સમાં ઘટાડો નોંધાયો છે. ઉત્તરપ્રદેશ, બિહાર, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળ જેવાં રાજ્યોની વિદેશી આવક ઘટી ગઈ છે. ઉત્તરપ્રદેશમાં માત્ર ૩ ટકા રેમિટન્સ આવે છે. તેવી જ રીતે બિહાર, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળમાં ૧થી ૩ ટકા જેટલું રેમિટન્સ આવે છે.
ભારતમાં આવતું રેમિટન્સ ઘટવા પાછળ એક કારણ એવું પણ છે કે, અહીંથી ખાડી દેશોમાં જતા લોકોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. ખાસ કરીને કેરળ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ અને તેલંગણા જેવાં રાજ્યોના મજૂરોનું ખાડી દેશોમાં જવાનું ચલણ ઘટી ગયું છે. કેરળમાં ૨૦૧૬માં ૮૨,૦૦૦ લોકો ગયા હતા, જે ગત વર્ષે ૬૦,૦૦૦ થઈ ગયા છે. તેવી જ રીતે તમિલનાડુથી ૧.૩ લાખ ગયા હતા જે ગત વર્ષે ૭૮,૦૦૦ થઈ ગયા હતા. તેલંગણાથી જનારા લોકોની સંખ્યા પણ અડધી થઈ ગઈ હતી. ૨૦૧૬માં ૭૦,૦૦૦ લોકો ગયા હતા, તેની સામે ૨૦૨૪માં માંડ ૩૫,૦૦૦ લોકો ગયા. બીજી તરફ યુપીમાં ૨૦૧૬માં ૪ લાખ લોકો ગયા હતા. ૨૦૨૪માં ૪.૨૭ લાખ લોકો ખાડી દેશોમાં ગયા છે. બિહારમાંથી પણ ૨ લાખ લોકો ખાડી દેશોમાં ગયા છે.
વાત એવી છે કે, મજૂરોનું ખાડી દેશોમાં માઈગ્રેશન ઘટયું છે અને બીજી તરફ, મોટા દેશોમાં પ્રોફેશનલ્સ માટે કામની સ્થિતિ કપરી થઈ રહી છે. આ બંને કારણોના લીધે ભારતીયો વિદેશ જતા ઓછા થયા છે અને તેના પગલે રેમિટન્સની રકમ પણ ઘટી છે. આ સ્થિતિ સરેરાશ વિદેશી હુંડિયામણને નુકસાન કરી રહી હોવાના સંકેત છે. જાણકારોના મતે ડોલર સામે રૂપિયાનું સતત ધોવાણ થઈ રહ્યું છે ત્યારે વિદેશથી આવતું રેમિટન્સ પણ ઓછું થવા લાગશે તો આગામી સમયમાં ભારતને વધારે તકલીફ પડી શકે તેમ છે. ભારત પાસે વિદેશી હુંડિયામણ ઓછું થશે તો વિદેશો સાથે થતા વ્યાપાર-વ્યવહારમાં ભારતે વધારે ભોગવવાનું આવશે.


